
નવી દિલ્હી, તા. 17 જાન્યુઆરી 2020, શુક્રવાર
વૈશ્વિક ઈ-કોમર્સ કંપની અમેઝોનના સૃથાપક જેફ બેઝોસનો ત્રણ દિવસનો ભારત પ્રવાસ ઘણો જ વિવાદાસ્પદ રહ્યો. આ પ્રવાસમાં જેફ બેજોસે એકબાજુ એક અબજ ડોલરના રોકાણ અને મોદી સરકારના 'મેક ઈન ઈન્ડિયા' અભિયાન હેઠળ ઉત્પાદિત ઉત્પાદનોની નિકાસની જાહેરાત કરી તો બીજીબાજુ દેશભરમાં અનેક જગ્યાએ તેમણે ભારે વિરોધનો સામનો કરવો પડયો.
વધુમં વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે 1 અબજ ડોલરનું રોકાણ કરીને અમેઝોન ભારત પર કોઈ અહેસાન નથી કરતું તેમ કહીને નવો વિવાદ ઊભો કર્યો હતો. આ બધા વિવાદો વચ્ચે અમેઝોને જાહેરાત કરી હતી કે તે ભારતમાં આગામી પાંચ વર્ષમાં એટલે કે વર્ષ 2025 સુધીમાં 10 લાખ નવી નોકરીઓનું સર્જન કરશે.
વૈશ્વિક ઈ-કોમર્સ કંપની અમેઝોને શુક્રવારે જણાવ્યું હતું કે આગામી 5 વર્ષમાં તે ભારતમાં 10 લાખ નવી નોકરીઓ પેદા કરશે. કંપનીએ કહ્યું આ રોજગાર છેલ્લા છ વર્ષમાં તેના રોકાણથી સર્જાયેલા સાત લાખથી વધુ રોજગારથી અલગ હશે.
અમેઝોનની નવા રોજગાર સર્જવાની યોજનામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારનો સમાવેશ થાય છે. તેમાં ઈન્ફર્મેશન ટેક્નોલોજી, સ્કિલ ડેવલપમેન્ટ, કન્ટેન્ટ ક્રિએશન, રીટેલ, લોજિસ્ટિક્સ અને ઉત્પાદન વગેરેનો સમાવેશ થાય છે.
અમેઝોન ડોટ કોમના પ્રમુખ જેફ બેજોસે બુધવારે ભારતમાં એક અબજ ડોલરથી વધુનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે લઘુ અને મધ્યમ ઉદ્યોગોને ઓનલાઈન લાવવામાં મદદ માટે આ રોકાણ કરાશે.
કંપની 2025 સુધીમાં 10 અબજ ડોલરના મૂલ્યના ભારતમાં ઉત્પાદિત સામાનના નિકાસ માટે કટિબદ્ધ છે. અમે આગામી પાંચ વર્ષમાં દેશમાં 10 લાખ નવી નોકરીઓનું નિર્માણ કરવા માટે રોકાણ કરી રહ્યા છીએ. તેમણે ઉમેર્યું કે અમને અમારા કર્મચારીઓ પાસેથી અભૂતપૂર્વ યોગદાન મળ્યું છે.
અમે અમારી સાથે જોડાનારા નાના વેપારીઓની અસાધારણ રચનાત્મક્તા જોઈ છે અને ગ્રાહકોનો અભૂતપૂર્વ સહયોગ પણ અમને મળ્યો છે. કંપનીએ ભારતમાં રોજગારી સર્જન અને કૌશલ્ય વિકાસની પહેલોને પ્રાથમિક્તા આપી છે.
નિવેદનનો લોકોએ ખોટો અર્થ કાઢ્યો : ગોયલ
દરમિયાન વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે અમેઝોન દ્વારા ભારતમાં એક અબજ ડોલરના રોકાણ પર આપેલા નિવેદન અંગે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું, મારા નિવેદનને મીડિયા દ્વારા એવી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે, જાણે મેં અમેઝોન વિરૂદ્ધ કંઈક કહી દીધું હોય. મેં માત્ર એટલું કહ્યું કે વિદેશી રોકાણ નિયમો હેઠળ થવું જોઈએ.ઈ-કોમર્સ અંગે દરેક દેશમાં કાયદો હોય છે. તે કાયદાની મર્યાદમાં જે પણ રોકાણ આવશે તેનું સ્વાગત છે. રીટેલ ક્ષેત્રમાં મોટા રોકાણથી નાના વેપારીઓ પર અસર ન થવી જોઈએ. તેમની પાસે લાખો અને કરોડો રૂપિયા નથી. તેમને ઝીરો પર્સન્ટ વ્યાજ પર લોન નથી મળતી.
ગોયલે પહેલાં ઈ-કોમર્સ કંપનીઓના નુકસાન પર સવાલ ઉઠાવ્યા હતા
અમેઝોનના સ્થાપક જેફ બેજોસે ભારતમાં એક અબજ ડોલરના રોકાણની જાહેરાત કર્યા પછી પીયુષ ગોયલે ગુરૂવારે કહ્યું હતું કે અમેઝોન ભારતમાં રોકાણ કરીને કોઈ અહેસા નથી કરી રહી. તેમણે અમેઝોનની નીતિ પર સવાલ ઊઠાવતા કહ્યું કે ઈ-કોમર્સ કંપનીને આટલું મોટું નુકસાન કેવી રીતે થઈ શકે છે. ઈ-કોમર્સ કંપનીઓએ ભારતીય નિયમોનું અક્ષરશ: પાલન કરવું પડશે. તેમણે કાયદામાં છીદ્રો શોધીને પાછલા દરવાજાથી મલ્ટી બ્રાન્ડ રીટેલ ક્ષેત્રમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NAb9am
via Latest Gujarati News
0 Comments