
નવી દિલ્હી, તા. 17 જાન્યુઆરી 2020, શુક્રવાર
નિર્ભયાના અપરાધીઓને પહેલી ફેબુ્રઆરીએ ફાંસીએ લટકાવવા માટે નવુ ડેથ વોરંટ જારી થયું છે. જોકે આ ઘટના બન્યાને સાત વર્ષ વીતી ગયા છતા તારીખ પર તારીખ પડી રહી છે. જે અપરાધીએ કાયદાનો છડેચોક ભંગ કરી મારી દિકરી પર બળાત્કાર ગુજાર્યો, આ અપરાધીઓને જ કાયદાના નામે રક્ષણ કેમ અપાઇ રહ્યું છે તેવી વેદના નિર્ભયાની માતા પણ વ્યક્ત કરી રહી છે.
નિર્ભયાની માતાએ પોતાની હૈયા વરાળ ઠાલવતા કહ્યું હતું કે 2012માં જ્યારે નિર્ભયા પર રેપ થયો અને બાદમાં તેનું મોત નિપજ્યું ત્યારે દેશનો દરેક નાગરીક રસ્તા પર ઉતરી આવ્યો હતો, અને હવે જે લોકો નિર્ભયાના અપરાધીઓને કાયદાના નામે બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ પણ 2012માં અપરાધીઓને સજા આપવા માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.
નિર્ભયાની માતાએ હૈયાફાટ રૂદન સાથે ગળે ડૂમો ભરાયેલા સ્વરમાં આક્રોશ સાથે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભાજપ અને આમ આદમી પાર્ટી બન્ને દિલ્હીમાં ચૂંટણી છે એવા સમયે જ નિર્ભયાના અપરાધીઓને ફાંસીના મામલાને રાજકીય સ્વરૂપ આપવામાં વ્યસ્ત છે અને એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે.
ભાજપના નેતા સ્મૃતિ ઇરાનીએ આરોપ લગાવ્યો હતો કે આમ આદમી પાર્ટીની સરકાર હેઠળ તિહાર જેલ આવે છે છતા ફાંસી આપવામાં મોડુ થઇ રહ્યું છે. જ્યારે વળતો પ્રહાર કરતા સ્મૃતિ પર પણ સવાલો ઉઠી રહ્યા છે કે કેન્દ્રમાં આટલા વર્ષથી ભાજપની સરકાર છે છતા ફાંસીએ લટકાવવામાં વિલંબ કેમ થયો.
નિર્ભયાની માતાએ રોષ પણ ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે પોતાના રાજકીય રોટલા શેકવા માટે જ અપરાધીઓને ફાંસી આપવા મામલે બયાનબાજી થઇ રહી છે. સરકારો કાયદાના બહાના કાઢી રહી છે અને બીજી તરફ અપરાધીઓને જેલમાં લહેર છે. ઝડપી ન્યાય માટે જ કાયદા ઘડાયા હતા અને તેમાં ફેરફાર થયા હતા.
નિર્ભયાની માતાએ નરેન્દ્ર મોદીને પણ કહ્યું હતું કે તમે 2014માં જે વચનો આપ્યા તેને પાળવામાં કેમ નિષ્ફળ રહ્યા છો? કેમ હજુસુધી મારી પુત્રીના અપરાધીઓને ફાંસીએ નથી ચડાવાયા? નોંધનીય છે કે મોદીએ 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ નિર્ભયાનો મામલો ઉઠાવ્યો હતો જોકે તેઓ સત્તામાં આવ્યા તેને આટલો સમય વીત્યો છતા ફાંસી આપવા મુદ્દે તારીખ પર તારીખ પડી રહી છે.
ઘટના સમયે સગીર હતો : નિર્ભયાના અપરાધીની સુપ્રીમમાં સ્પેશિયલ લીવ અરજી
નવી દિલ્હી, તા. 17
નિર્ભયા કેસમાં દોષીત પવને હવે સુપ્રીમ કોર્ટમાં વિચિત્ર દાવો કર્યો છે, તેણે કહ્યું છે કે જ્યારે ઘટના બની હતી ત્યારે હું સગીર વયનો હતો, આ મામલે હવે સુપ્રીમ કોર્ટમાં તેણે સ્પેશિયલ લીવ પિટિશન(એસએલપી) દાખલ કરી છે. અગાઉ હાઇકોર્ટ આ સ્પેશિયલ લીવ પિટિશનને રદ કરી ચુકી છે. જોકે હવે તેણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.
જોકે હજુ અપરાધીઓમાંથી એકએ જ દયા અરજીનો ઉપયોગ કર્યો છે જ્યારે અન્ય ત્રણએ હજુસુધી દયા અરજી દાખલ નથી કરી. બે અપરાધીઓએ હજુ ક્યૂરેટિવ પિટિશન પણ દાખલ નથી કરી. ફાંસીની સજાથી બચવા માટે અપરાધીઓ અલગ અલગ રસ્તાઓ શોધી રહ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2v0iJVr
via Latest Gujarati News
0 Comments