હિમાલયમાં ફરી હિમવર્ષા : મુંબઈમાં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું


નવી દિલ્હી, તા. 17 જાન્યુઆરી 2020, શુક્રવાર

હિમાલયના પર્વતીય વિસ્તારોમાં નવેસરથી હિમવર્ષા થઈ છે જ્યારે મેદાની વિસ્તારોમાં હળવા વરસાદથી ઉત્તર ભારતમાં શુક્રવારે મહત્તમ તાપમાનમાં વધારો થયો હતો. જોકે, મુંબઈ અને પરાં વિસ્તારોમાં પારો 11.4 ડિગ્રી સુધી નીચે પહોંચી જતાં આ સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાતા મુંબઈગરાઓ ઠંડીમાં ઠુંઠવાઈ ગયા હતા.  

દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં ગુરૂવારે મોડી રાતે હળવો વરસાદ પડતાં શુક્રવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસ સર્જાયું હતું, જેથી વિઝિબિલિટી ઘટતાં વાહનવ્યવહાર પર અસર થઈ હતી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તર ભારતના વિસ્તારોમાં શનિવારે સવારે પણ ગાઢ ધુમ્મસની સંભાવના છે.

હિમાચલ પ્રદેશના પ્રવાસન સ્થળો કુફરી, ડેલહાઉસી અને શિમલામાં નવેસરથી હિમવર્ષા થઈ છે. કુફરીમાં 10 સેમી જ્યારે ડેલહાઉસીમાં પાંચ સેમી બરફ પડયો હતો. શિમલા અને અન્ય ભાગોમાં હળવી બરફ વર્ષા થઈ હતી. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસ સુધી હિમવર્ષા અને હળવા વરસાદની આગાહી કરી છે.

ઉત્તર ભારતમાં હિમવર્ષા અને વરસાદ પછી મહત્તમ તાપમાનમાં વધારો થયો છે ત્યારે મુંબઈમાં આ શિયાળામાં સૌપ્રથમ વખત પારો 11.4 ડિગ્રી સે.થી નીચે ઉતરી જતાં મુંબઈગરાઓ ઠંડીમાં ઠુંઠવાઈ ગયા હતા. મુંબઈમાં આ સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું.

 મુંબઈમાં છેલ્લે 2013માં લઘુત્તમ તાપમાન 11.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દરમિયાન જમ્મુ-શ્રીનગર હાઈવે ચાર દિવસ પછી શુક્રવારે ખોલવામાં આવતાં વન-વે ટ્રાફિક ખુલ્લો થયો હતો. બનિહાલ-રામબન સેક્ટરમાં અનેક ભૂસ્ખલન અને જવાહર ટનલ નજીક હિમવર્ષા પછી દેશને કાશ્મીર ખીણ સાથે જોડતા બધા રસ્તાઓ બંધ થઈ ગયા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38g5cqV
via Latest Gujarati News

Post a Comment

0 Comments