
બરેલી, તા. 10 જાન્યુઆરી, 2020, શુક્રવાર
ઉત્તર પ્રદેશના બરેલીમા પણ નિર્ભયા પર જેવો અત્યાચાર થયો તેવો જ અત્યાચાર એક યુવતી પર થયો હતો. જેને બરેલીની નિર્ભયા કેસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ કેસમાં કોર્ટે સજાનું એલાન કર્યું છે અને દોષીતોને ફાંસીની સજા ફટકારી છે. આ મામલે બે લોકોને દોષીત ઠેરવવામાં આવ્યા છે જેને હવે ફાંસી આપવામાં આવશે.
આ મામલે રેપ પીડિતાનો પરિવાર અને સાક્ષીઓ છેલ્લા ચાર વર્ષથી ન્યાયની માગણી કરી રહ્યા હતા. જોકે કેસને ન્યાય સુધી પહોંચાડવામાં એક નહીં પણ અનેક અડચણો સામે આવી હતી.
ક્યારેક પરિવારજનો તો ક્યારેક સાક્ષીઓને ધમકી આપવામાં આવી હતી જોકે પરિવારજનો અને સાક્ષીઓ કોઇએ પણ પાછીપાની નથી કરી. સાક્ષીઓની સાથે પોલીસ અને વકીલોએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
29મી જાન્યુઆરી, 2016ના રોજ પરિવારજનોએ ખેતરમાં તપાસ કરતા પોતાની પુત્રીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ જોનારાઓએ ત્યારે જ અનુમાન લગાવી લીધુ હતું કે ખરેખર થયું શું છે.
પોલીસ આવી પીએમ થઇ ગયું પણ જ્યારે રિપોર્ટ સામે આવી ત્યારે લોકોના હોશ ઉડી ગયા હતા. બાળકી સાથે જઘન્ય રીતે રેપ ગુજારાયો હતો અને બાદમાં હત્યા કરી દેવાઇ હતી. એટલુ જ નહીં તેના પ્રાઇવેટ પાર્ટમાં લાકડુ પણ મળ્યું હતું. અનેક જગ્યાએ જખમ હતા.
પોલીસે આરોપીઓને શોધવાનો પ્રયાસ કર્યો પણ મળ્યા નહીં. જોકે ગામના એક નાગરિક રામચંદ્રએ જણાવ્યું કે મુરારીલાલ અને ઉમાકાંત મદદ માગવા માટે આવ્યા હતા. તેઓ પોલીસથી તેમને બચાવવાની વાત કરી રહ્યા હતા.
આ જાણકારી મળ્યા બાદ પોલીસે આ બન્ને આરોપીઓને પકડી લીધા હતા અને કોર્ટમાં હાજર કરી દીધા હતા. 2017માં આ મામલે ચાર્જશીટ દાખલ થઇ હતી, જોકે કોર્ટમાં બે વર્ષ સુધી મામલો ચાલ્યો. અંતે ચુકાદો આવી જતા આ બન્ને બળાત્કારીઓ અને હત્યારાઓને ફાંસીની સજા ફટકારી છે.
ઉત્તર પ્રદેશમાં મહિલાઓ પર અત્યાચારના કેસોમાં 20 ટકાનો ચિંતાનજક વધારો
ઉત્તર પ્રદેશમાં મહિલાઓ પર અત્યાચાર અને રેપની ઘટનાનું પ્રમાણ વધી ગયું છે. પ્રાપ્ત આંકડા મૂજબ 2016થી 2019 દરમિયાન ઉત્તર પ્રદેશમાં મહિલાઓ પર રેપ સહિતના અપરાધની ઘટનામાં 20 ટકાનો વધારો થયો છે.
2017નો ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોનો રિપોર્ટ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં જ જારી કરાયો હતો જેમાં જણાવવામાં આવ્યું છે કે 2017માં મહિલાઓ પર અત્યાચારના 56011 કેસ સામે આવ્યા હતા જ્યારે બીજી તરફ 2018માં 59445 કેસો સામે આવ્યા છે. રાષ્ટ્રીય સ્તરે વાત કરીએ તો મહિલાઓ પર અત્યાચાર મામલે ઉત્તર પ્રદેશ ટોચના સ્થાને છે.
ઉત્તર પ્રદેશના જ બરેલીમાં નિર્ભયા જેવી જ ઘટના સામે આવી હતી. જેમાં અપરાધીઓને આજે ફાંસીની સજા આપવામાં આવી છે પણ બીજી તરફ મહિલાઓ પર રેપ અને હત્યાની ઘટનાઓ હજુ પણ સામે આવી રહી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2t5D9vz
via Latest Gujarati News
0 Comments