
નવી દિલ્હી, તા. 10 જાન્યુઆરી, 2020, શુક્રવાર
2020માં દુનિયા અનેકાનેક પડકારોનો સામનો કરશે. અમેરિકાના યુરેશિયા ગુ્રપે દુનિયા સામે મંડરાઈ રહેલા પાંચ પડકારોની યાદી તૈયાર કરી હતી. એમાં ભારતની વર્તમાન સ્થિતિનો પણ સમાવેશ થયો હતો. ભારતમાં પ્રવર્તી રહેલો કટ્ટર રાષ્ટ્રવાદ અને અર્થતંત્રની કથળતી હાલતને જોખમો ગણાવાયા હતા.
અમેરિકાના યુરેશિયા ગુ્રપે દુનિયા સમક્ષ ખડા થયેલા 2020ના પડકારોની યાદી તૈયાર કરી હતી. એમાં ભારતની વર્તમાન રાજકીય-આર્થિક નીતિનો પણ સમાવેશ કરાયો હતો.
ભારતની સતત બદલાઈ રહેલી સ્થિતિનો અભ્યાસ કરીને આ ગુ્રપના અહેવાલમાં કહેવાયું હતું કે દેશની સંસ્થાઓનો સાંપ્રદાયિક એજન્ડા, નબળું પડી રહેલું અર્થતંત્ર, સતત વધી રહેલાં હિંસક દેખાવો, ઘૂસણખોરીની સમસ્યા મુદ્દે સરકારની નીતિ વગેરે ભારત માટે જોખમી સાબિત થઈ શકે છે.
રીસ્ક એસેસમેન્ટ એજન્સી પૈકીના એક ગણાતા આ ગુ્રપે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ 2019ની ચૂંટણી સામાજિક મુદ્દાથી જીતી છે, પરંતુ એમાં આર્થિક નીતિ પાછળ રહી ગઈ છે. તેની ગંભીર અસરો 2020માં જોવા મળશે. ધર્મના આધારે શરણાર્થીઓને નાગરિકતા આપવી, જમ્મુ-કાશ્મીરનું સ્પેશિયલ સ્ટેટ્સ હટાવવું, ઘૂસણખોરી મુદ્દે સરકારનું અતિ આક્રમક વલણ, અર્થતંત્ર બાબતે સરકારની ખૂબ જ ઢીલી નીતિ 2020માં જોખમી સાબિત થશે.
આ ગુ્રપે વિશ્વના પાંચ જોખમોની યાદી બનાવી હતી. એમાં સૌથી પહેલું જોખમ અમેરિકાની ચૂંટણીને ગણાવ્યું હતું. અમેરિકા ઉપર કોનું શાસન આવશે તેના આધારે વિશ્વની શાંતિનો અને 2020નો ઘણો ખરો આધાર રહેશે.
એ ઉપરાંત અમેરિકા-ચીન વચ્ચે ટેકનોલોજીમાં આગળ રહેવાની જે હોડ જામી છે, તે પણ દુનિયા માટે જોખમી છે. એ સિવાય ટ્રેડ-વોરના મંડાણ પણ નવું જોખમ લાવશે. ક્લાઈમેટ ચેન્જને યાદીમાં ચોથો ક્રમ અપાયો છે. પાંચમો ક્રમ ભારતના વર્તમાન કટ્ટર રાષ્ટ્રવાદને મળ્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TbFOyv
via Latest Gujarati News
0 Comments