
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 10 જાન્યુઆરી, 2020, શુક્રવાર
ઉત્તર ભારતમાં ફરી એક વખત ઠંડીનું સામ્રાજ્ય છવાયું છે. કાશ્મીરથી રાજસૃથાન સુધીના વિસ્તારોમાં પારો ગગડયો હતો. હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિ જિલ્લાના કિલોંગમાં લોકોએ છેલ્લા 12 વર્ષમાં સૌથી ઠંડી રાતનો અનુભવ કર્યો હતો.
અહીં તાપમાન માઈનસ 17.6 ડિગ્રી નોંધાયું હતું. પંજાબના હલવારામાં પારો 0.3 ડિગ્રી સુધી નીચે ઉતરી ગયો હતો. દિલ્હીમાં પણ લઘુત્તમ તાપમાન 5.3 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી બે-ત્રણ દિવસમાં તાપમાન વધુ નીચે જશે અને ઠંડી વધશે.
હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિ જિલ્લાના કિલોંગમાં લોકોએ છેલ્લા 12 વર્ષમાં સૌથી ઠંડી રાતનો અનુભવ કર્યો હતો. અહીં તાપમાન માઈનસ 17.6 ડિગ્રી નોંધાયું હતું. કિલોંગમાં અગાઉ 31મી જાન્યુઆરી, 2008ના રોજ માઈનસ 18.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જય રામ ઠાકુરે જણાવ્યું હતું કે લાહૌલ સ્પિતિમાં એક ગર્ભવતી મહિલા સહિત ફસાયેલા 66 લોકોને એર લિફ્ટ કરી કુલુ ખાતે ખસેડાયા હતા. શિમલામાં હવામાન વિભાગે 13થી 16 જાન્યુઆરી સુધી ભારે વરસાદ અને હિમવર્ષાની ઓરેન્જ ચેતવણી આપી હતી.
રાજ્યમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 3થી 4 ડિગ્રી નીચું રહ્યું હતું. કાશ્મીરના પહેલગામમાં તાપમાન માઈનસ 14.3 ડિગ્રી જ્યારે ગુલમર્ગમાં માઈનસ 13 ડિગ્રી નોંધાયું હતું. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન 1.9 ડિગ્રી હતું. ઉત્તરાખંડના કેટલાક પર્વતીય વિસ્તારોમાં વરસાદ પડયો હતો.
પરીણામે મેદાની વિસ્તારોમાં પારો ગગડયો હતો. મસૂરીમાં તાપમાન માઈનસ 0.5 ડિગ્રી જ્યારે નૈનિતાલમાં માઈનસ 2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉત્તર પ્રદેશમાં પણ પારો ગગડયો હતો, જ્યાં શુક્રવારે ઈટાવા 4.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. લખનઉમાં તાપમાન 7 ડિગ્રી નોંધાયું હતું.
રાજસૃથાનના માઉન્ટ આબુમાં માઈનસ 3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સરેરાશથી પાંચ ડિગ્રી નીચે રહ્યું હતું. રાજસૃથાનમાં સિકરના ફતેહપુરમાં માઈનસ 1.8 ડિગ્રી, પિલાનીમાં 1.6 ડિગ્રી અને ચુરૂમાં 1.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NdmOvu
via Latest Gujarati News
0 Comments