બે બાળકોનો કાયદો સમગ્ર દેશ માટે અનિવાર્ય: મોહન ભાગવત

નવી દિલ્હી તા.18 જાન્યુઆરી 2020, શનિવાર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે વિકાસના ફળ દેશના તમામ નાગરિકો સુધી પહોંચે એટલા માટે બે બાળકોનો કાયદો અનિવાર્ય જણાતો હતો.

મુરાદાબાદમાં યોજાએલી એક બંધ બારણાની બેઠકમાં બોલતાં ભાગવતે કહ્યું કે વસતિ વધારો કાબુમાં રહે એ આજની તાતી જરૂરિયાત છે.

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ભાગવત પોતાના સંઘના કાર્યકરો સાથે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે રામમંદિર આપણી યોજનાનો એક ભાગ હતું. હવે રામ મંદિર બનવાની તૈયારી છે. હવે પછીનું આપણું પગલું વસતિ વધારાને ડામવા માટે જરૂરી કાયદો ઘડવાનું રહેશે. આખા દેશના તમામ લોકો માટે બે બાળકો ફરજિયાત કરતો કાયદો હવે ઘડાવો જોઇએ. એ દેશના હિતમાં છે. આ બાબતમાં રાજકારણને વચ્ચે લાવવું ન જોઇએ.

ભાગવત હાલ મુરાદાબાદના ચાર દિવસના પ્રવાસે છે. અહીં તેઓ ઉત્તરાખંડ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના મેરઠ અને વ્રજ પ્રાંતના પોતાના કાર્યકરોને મળી રહ્યા હતા. તેમણે કહ્યું કે એકવાર રામ મંદિર બની જાય એટલે સંઘ આ મુદ્દાને અળગો મૂકી દેશે. હવે પછી આપણે વસતિ વધારાને કાબુમાં લાવવા માટે બે બાળકોનો કાયદો લાવવાનું પગલું અમલમાં મૂકવાનું છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2G13r51
via Latest Gujarati News

Post a Comment

0 Comments