ભારતીય અર્થતંત્રનો પાયો મજબૂત અને તે ફરીથી બેઠું થઈ જશે : મોદી


બેઠકમાં મોદી ઉપરાંત અમિત શાહ, ગડકરી, પિયૂષ ગોયલ તેમજ અગ્રણી ઉદ્યોગપતિઓ અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા

છેલ્લા કેટલાક દિવસોથી વડાપ્રધાન  મોદી આર્થિક વિકાસ વધારવા માટેના પ્રયત્નો પર અંગત રીતે નજર રાખી રહ્યા છે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 9 જાન્યુઆરી, 2020, ગુરૂવાર

ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી 11 વર્ષની નીચલી સપાટીએ પહોંચી ગયો હોવા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્રનો પાયો મજબૂત છે અને તે બાઉન્સ બેક થવાની ક્ષમતા ધરાવે છે. 

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્થિક વિકાસ વધારવા માટેના પ્રયત્નો પર અંગત રીતે નજર રાખી રહ્યાં છે. આ માટે તેમણે છેલ્લા 12 દિવસમાં વિવિધ સંબધિત 12 પક્ષકારો સાથે બેઠક યોજી છે. 

આ જ સંદર્ભમાં વડાપ્રધાન મોદી આજે  નીતિ આયોગમાં અર્થશાસ્ત્રીઓ, ખાનગી ઇક્વિટી અને વેન્ચર  કેપિટલાસ્ટિક કૃષિ નિષ્ણાતો અને ઉદ્યોગપતિઓને ંમળ્યા હતાં. આ બેઠકમાં 2024 સુધીમાં પાંચ ટ્રિલિયન ડાલરનું અર્થતંત્ર બનાવવાના લક્ષ્યાંક અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. 

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આપણે બધાએ સાથે મળીને કાર્ય કરવું જ પડશે અને એક રાષ્ટ્ર તરીકે વિચારવાનું શરૂ કરવું પડશે.  ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી પાંચ ટકા રહેવાનો અંદાજ છે. ગત નાણાકીય વર્ષમાં 6.8 ટકા હતો. 

 આ બેઠકમાં 40 નિષ્ણાતો અને અર્થશાસ્ત્રીઓ હાજર રહ્યાં હતાં. આ બેઠકમાં ગૃહ પ્રધાન અમિત શાહ, રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે પ્રધાન નીતિન ગડકરી, કોમર્સ અને ઇન્ડસ્ટ્રી પ્રધાન પિયૂશ ગોયલ, નીતિ આયોગના ઉપ પ્રમુખ રાજીવ કુમાર, સીઇઓ અમિતાભ કાંત અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં.

આ બેઠકમાં વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિના ચેરમેન બિબેક ડેબ્રોય પણ હાજર રહ્યાં હતાં. નિર્મલા સિતારમન ભાજપ મુખ્યાલયમાં પક્ષના કાર્યકરો સાથે બજેટ પહેલાની બેઠક કરી રહ્યાં હોવાથી તે આ બેઠકમાં હાજર રહ્યાં ન હતાં. આ બેઠકમાં એનઆઇપીએફપીના અર્થશાસ્ત્રી ઇલા પટનાયક, પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર શંકર આચાર્ય, આઇજીઆઇડીઆરના પ્રોફેસર આર નાગરાજ અને તરૂણ મહેતા સહિતના અનેક ઉદ્યોગપતિઓ હાજર રહ્યાં હતાં. 

આગામી સામાન્ય બજેટ લોક તરફી હશે : ભાજપ 

ભાજપના ટોચના નેતાઓએ આજે જણાવ્યું હતું કે પહેલી ફેબુ્રઆરીના રોજ  થનારૂં કેન્દ્રીય સામાન્ય બજેટ લોક તરફી હશે. તેમણે જણાવ્યું હતું કે નાણા પ્રધાન નિર્મલા સિતારમન પક્ષના કાર્યકરો સાથે બજેટની બેઠકમાં વ્યસ્ત હોવાથી તે આજની વડાપ્રધાનની બેઠકમાં આવી શક્યા ન હતાં. નિર્મલા સિતારામનની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં ભાજપના કાર્યકારી પ્રમુખ જે પી નડ્ડા, મહાસચિવ બી એલ સંતોષ, ભૂપેન્દ્ર યાદવ અનેે અરૂણ સિંહ હાજર રહ્યાં હતાં. અરૂણ સિંહે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોના કલ્યાણ માટ સંપૂર્ણ ખંતથી સરકાર ચલાવી રહ્યાં છે. 

બજેટ અંગેની આગામી બેઠકમાં નાણા પ્રધાનને બોલાવજો : કોંગ્રેસનો સરકારને ટોણો

બજેટ અગાઉની બેઠકમાં નાણા પ્રધાન નિર્મલા સિતારામન ગેરહાજર રહેતા અનેક અટકળો

નીતિ આયોગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં મળેલ અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતો સાથે બજેટ અગાઉની બેઠકમાં નાણા પ્રધાન નિર્મલા સિતારામનની ગેરહાજરી અંગે કોંગ્રેસે ભાજપ સરકારની ટીકા કરી છે. કોંગ્રેસે ટ્વિટર પર જણાવ્યું છે કે અમારૂ એક સૂચન છ, આગામી બજેટ અંગેની બેઠકમાં નાણા પ્રધાનને બોલાવવા અંગે વિચાર કરજો. 

એક અન્ય ટ્વિટમાં કોંગ્રેસે પ્રશ્ર કર્યો છે કે એક મહિલાનું કાર્ય કેટલા પુરૂષોએ મળીને કર્યુ. રસપ્રદ વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલાવેલી બેઠકમાં નાણા પ્રધાન નિર્મલા સિતારામન ગેરહાજર હતા જ્યારે બીજી તરફ કોમર્સ પ્રધાન પિયૂષ ગોયલ, ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરી અને કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર હાજર રહ્યાં હતાં. સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે આ બેઠક ચાલી રહી હતી ત્યારે નાણા પ્રધાન નિર્મલા  સિતારમન ભાજપ મુખ્યાલયમાં પક્ષના કાર્યકરો સાથે બજેટ અગાઉની બેઠકને સંબોધી રહ્યાં હતાં.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FzZALV
via Latest Gujarati News

Post a Comment

0 Comments