નવી દિલ્હી તા.27 જાન્યુઆરી 2020, સોમવાર
આગામી બે ત્રણ માસમાં અર્થતંત્રની પરિસ્થિતિ સુધરશે એવો આશાવાદ કોર્પેારેટ જગત સેવી રહ્યું હોવાની જાણકારી મળી હતી.
પ્રજાસત્તાક દિન નિમિત્તે મિડિયા સાથે વાત કરતાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના મેનેજિંગ ડાયરેક્ટર પવન ગોએન્કા અને સ્પાઇસજેટના ચેરમેન અજય સિંઘે ઊજ્જવળ ભાવિ અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો.
પવન ગોએન્કાએ કહ્યું કે અર્થતંત્રમાં સુસ્તી હોવા છતાં પોઝિટિવ આઉટલૂક રહ્યો હતો. અમારા ધાર્યા કરતાં ડિસેંબર મહિનો સારો રહ્યો હતો. હજુ સુસ્તી છે પરંતુ અગાઉ કરતાં પરિસ્થિતિ ધીમે ધીમે પાટે ચડી રહી હોય એવું લાગ્યા કરે છે. 2020ના નાણાંકીય વર્ષના પહેલી ત્રિમાસિક સુધીમાં પરિસ્થિતિ પાટે ચડી જવી જોઇએ એવી અમને આશા છે.
બજેટની પહેલાં કેન્દ્ર સરકારે કોર્પોરેટ જગત સાથે કરેલી ચર્ચાને ગોએન્કાએ બિરદાવી હતી અને કહ્યું હતું કે અમારી સાથે વાતચીત થઇ હોવાથી આ વખતે બજેટ અંગે અમારી અપેક્ષા ઘણી વધી હતી.
સ્પાઇસજેટના અજય સિંઘે કહ્યું કે તમામ બાબતો નકારાત્મક લાગતી હોવા છતાં ભારતીય અર્થતંત્ર ધીમે ધીમે વેગ પકડશે એમાં અમને કોઇ શંકા નથી. જો કે આપણે કેટલીક બાબતો પર ખાસ ધ્યાન આપવું પડશે. ખર્ચ ઘટાડવો પડશે અને દેવું પણ હવે વધે નહીં એવાં પગલાં લેવાં પડશે. વૈશ્વિક વિકાસ માટે દુનિયા આશાભરી નજરે ભારત તરફ મીટ માંડી રહી છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30YAgZP
via Latest Gujarati News
0 Comments