ઉત્તર પ્રદેશ પોલીસે આખરે બ્રિટિશયુગથી વપરાતી એનફિલ્ડ રાઈફલને નિવૃત્ત કરી!


લખનૌ, તા. 27 જાન્યુઆરી, 2020, સોમવાર

ઉત્તર પ્રદેશ પોલીસે આખરે આઝાદીના સાત દાયકા બાદ ખખડી ગયેલી રાઈફલ 'એનફિલ્ડ-લી પોઈન્ટ 303'ને તિલાંજલી આપી છે. આ રાઈફલ બ્રિટિશકાળમાં વપરાતી હતી. ઉત્તર પ્રદેશ પોલીસે થોડા વર્ષો પહેલા તેને રોજિંદા વપરાશમાંથી નિવૃત્ત કરી દીધી હતી.

એ પછી માત્ર પ્રજાસત્તાક પર્વ જેવા દિવસોએ તેના દ્વારા સલામી આપવામાં આવતી હતી. 71મા પ્રજાસત્તાક દિવસે છેલ્લી વાર સલામી આપ્યા પછી હવે રાઈફલને એ કામગીીરમાંથી પણ રજા આપી દેવાઈ છે. એટલે હવે તેનો કોઇ ઉપયોગ નહીં થાય.

બ્રિટિશરોએ છેક 19મી સદીમાં આ રાઈફલ તૈયાર કરી હતી. પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં તેનો ઉપયોગ થયો હતો. 1904માં એ ભારતમાં દાખલ થઈ હતી. એ પછી ભારતમાં આવેલી ઈચ્છાપોર રાઈફલ ફેક્ટરીમાં તેનું ઉત્પાદન થતું હતું.

અહીં પણ 1980ના દાયકાથી તેનું ઉત્પાદન બંધ હતું. હવેના આધુનિક હથિયારોના યુગમાં આ રાઈફલ મ્યુઝિયમમાં મુકવાથી વધુ કોઈ રીતે કામની સાબિત થાય એમ નથી. કેમ કે તેમાં એક વખતમાં એક જ કાર્તૂસ ફીટ કરી ફાયર કરી શકાય છે.

એ પ્રક્રિયા થવામાં અમુક સેકન્ડથી લઈને મિનિટ સુધીનો સમય લાગે. તેની સામે આધુનિક હથિયારો સેકન્ડના એકથી વધુ રાઉન્ડ ફાયર કરી શકે છે. સાત દાયકા સુધી મુખ્ય હથિયાર તરીકે વાપર્યા પછી હવેના યુગમાં આ રાઈફલ ચાલે એમ નથી. હવે તેના સ્થાને નવા હથિયારો આવ્યા છે.

ઉત્તર પ્રદેશ પોલીસ લગભગ 45,000 જેટલી આ રાઈફલ વાપરતી હતી. તેની ચોકસાઈને કારણે ઘણા પોલીસ અધિકારીઓમાં એ રાઈફલ પ્રિય પણ હતી. આ રાઈફલ વાપરવા માટે તેના જાણકારોની પણ જરૂર પડતી હતી. માટે નોઈડા પોલીસે છેલ્લી વખત ઉપયોગ કરીને કાયમ માટે મુકી દીધી છે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2tMqLBb
via Latest Gujarati News

Post a Comment

0 Comments