શાહીનબાગમાં સીએએ-એનઆરસી નહીં પણ મોદી-શાહનો વિરોધ : ભાજપ


નવી દિલ્હી, તા. 27 જાન્યુઆરી, 2020, સોમવાર

કેન્દ્રીય કાયદા પ્રધાન રવીશંકર પ્રસાદે શાહીન બાગમાં મહિલાઓ દ્વારા સીએએ-એનઆરસી-એનપીઆરનો જે વિરોધ ચાલી રહ્યો છે તેને લઇને એક નિવેદન કર્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે વાસ્તવમાં શાહીનબાગનું આંદોલન સીએએના વિરોધમાં નથી પણ નરેન્દ્ર મોદીના વિરોધમાં કરવામાં આવી રહ્યું છે. 

સાથે રવી શંકર પ્રસાદે કહ્યું હતું કે શાહીનબાગ કોઇ વિરોધનો મંચ નથી પણ ટુકડે ટુકડે ગેંગ અને મોદી વિરોધીઓનો અડ્ડો છે. પ્રસાદે એક પ્રેસ કોન્ફરન્સમાં આ નિવેદન આપ્યંુ હતું. તેમણે કહ્યું હતું કે નાગરિકતા કાયદાની કઇ કલમ સામે વિરોધ છે તેને લઇને કોઇ આજદીન સુધી કઇ નથી બોલ્યું તેમ છતા વિરોધ જારી છે.

આ કાયદો સંસદમાં પુરી લોકતાંત્રીક પ્રક્રિયા દ્વારા હાથ ધરાયો છે અને તેને સુપ્રીમ કોર્ટમાં પડકારાયા બાદ પણ ધરણા પર બેસવાનો કોઇ જ મતલબ નથી. પ્રસાદે દાવો કર્યો હતો કે શાહીનબાગનું આંદોલન એક રીતે બહુસંખ્યક શાંતિપ્રિય લોકોને દબાવવા માટે પણ છે. 

બીજી તરફ કોંગ્રેસે ભાજપના આ નિવેદનનો વળતો જવાબ આપ્યો હતો અને નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. લોકસભામાં કોંગ્રેસના નેતા આૃધીર રંજન ચૌધરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે ત્રણ તલાક બિલ દરમિયાન મોદીએ મુસ્લિમ બહેનો માટે આંસૂ વહાવ્યા હતા.

જો ખરેખર નરેન્દ્ર મોદી ઇમાનદાર હોય તો તેમણે હાલ શાહીનબાગ જવુ જોઇએ અને છેલ્લા એક મહિનાથી વધુ સમયથી આંદોલન કરી રહેલી મુસ્લિમ મહિલાઓ, માતાઓ બહેનોનું દુ:ખ સાંભળવું જોઇએ.

જ્યારે કાયદા પ્રધાન રવી શંકર પ્રસાદે કહ્યું હતું કે શાહીનબાગમાં કોઇ સીએએનો વિરોધ નથી થઇ રહ્યો પણ વાસ્તવમાં નરેન્દ્ર મોદીનો વિરોધ થઇ રહ્યો છે. અમે વારંવાર જણાવ્યું છે કે નાગરિકતા સંશોધન કાયદો કોઇની પણ નાગરિકતા નથી છીનવતો પણ નાગરિકતા આપે છે. આ દેશનો દરેક મુસ્લિમ નાગરિક પુરી ઇજ્જત સાથે આ દેશમાં રહે છે. અમારો સવાલ એ છે કે તમને સીએએના કાયદાની કઇ કલમથી નારાજગી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TXiUeF
via Latest Gujarati News

Post a Comment

0 Comments