નવી દિલ્હી, તા. 16 જાન્યુઆરી, 2020, ગુરૂવાર

ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવતે કહ્યું હતું કે જો ભારતે આતંકવાદને ખતમ કરવો હશે તો અમેરિકાની જેમ આક્રમક થઈને પગલું ભરવા પડશે. અમેરિકાએ 9-11 પછી આતંકવાદ વિરૂદ્ધ જે મોડેલ અપનાવ્યું હતું, એવું જ મોડેલ ભારતે અપનાવવું પડશે.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવતે આતંકવાદ બાબતે સખ્ત વલણ બતાવવાનું સૂચન કરતા કહ્યું હતું કે ભારતે પણ અમેરિકાના મોડેલ જેવું કંઈક કરવું પડશે.

9-11ના હુમલા પછી અમેરિકાએ આતંકવાદ વિરૂદ્ધ જેટલી આક્રમકતાથી પગલાં ભર્યા એટલી જ આક્રમકતાથી ભારતે પણ પાડોશી દેશોમાં થતી ભારત વિરોધી આતંકવાદી પ્રવૃત્તિને ડામવી પડશે.

પાકિસ્તાનનું નામ લીધા વગર જનરલ બિપીન રાવતે કહ્યું હતું કે આતંકવાદના સહારે પ્રોક્સીવોર છેડતા દેશોને વિશ્વભરના દેશોએ એક થઈને લડત આપવી જોઈએ.

આતંકવાદને પોષતા દેશોને વૈશ્વિક મંચ ઉપર અલગ પાડયા સિવાય કોઈ જ છૂટતો નથી. ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)માં બ્લેકલિસ્ટ કરવા સહિતના પગલાં ભરાય અને આતંકવાદને મળતું ફંડ અટકે તો જ એવાં દેશોની કમર તૂટશે.

બિપીન રાવતે પાકિસ્તાન અને ચીન તરફ ઈશારો કરીને કહ્યું હતું કે ભારતના પાડોશી દેશોની ગતિવિિધ જોતાં આપણા સૈન્યએ આતંકવાદ સાથે પનારો પાડવાનું શીખવું જ રહ્યું. જો આપણે એમ માનતા હોઈએ કે હવે આતંકવાદ ખતમ થઈ રહ્યો છે, તો આપણે એમાં ફેરવિચારણા કરવી પડશે. આતંકવાદી પ્રવૃત્તિ હજુ ય એટલી જ વધી રહી છે.

તાલિબાન સાથે અમેરિકાના વાર્તાલાપ સંદર્ભમાં પણ રાવતે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો તાલિબાને શાંતિમંત્રણા કરવી હોય તો પહેલાં હિથયાર નીચે મૂકવા જોઈએ. એક હાથમાં હિથયાર અને બીજા હાથમાં શાંતિવાર્તાનો મુસદ્દો રાખીને વાત આગળ વધી શકે નહીં.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RpNcDW
via Latest Gujarati News