ચીન-પાક.ની લશ્કરી કવાયત વચ્ચે ભારતે અરબી સમુદ્રમાં યુદ્ધ જહાજ વિક્રમાદિત્ય તૈનાત કર્યું


નવી દિલ્હી, તા. 10 જાન્યુઆરી, 2020, શુક્રવાર

ચીન અને પાકિસ્તાને અરબી સાગરમાં સી ગાર્ડિયન નામથી સંયુક્ત નૌસેના કવાયત હાથ ધરી છે. નવ દિવસીય આ લશ્કરી કવાયતમાં બંને દેશોના નૌકાદળોએ યુદ્ધજહાજ, સબમરીન, લડાકુ વિમાનો તૈનાત કર્યા છે. તેને જવાબ આપવા ભારતે આઈએનએસ વિક્રમાદિત્યની તૈનાતી કરી છે.

ચીન અને પાકિસ્તાને આંતરિક સહયોગ વધારવાના બહાને અરબી સાગરમાં સંયુક્ત લશ્કરી કવાયત હાથ ધરી છે. સી ગાર્ડિયન નામની આ નૌકાદળોની સંયુક્ત કવાયતમાં યુદ્ધજહાજ, સબમરીન, લડાકુ વિમાનોની તૈનાતી થઈ છે. ભારત-પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદ્દે જ્યારે તંગદિલી વધી છે ત્યારે ચીન-પાક.ના નૌકાદળે વચ્ચે આ સંયુક્ત કવાયત શરૂ થઈ હતી.

બંને પાડોશી દેશોને સ્પષ્ટ સંદેશો આપવા માટે ભારતે પણ અરબી સાગરમાં આઈએનએસ વિક્રમાદિત્યની તૈનાતી કરી છે. મિગ-29કે પ્રકારના લડાકુ વિમાનો સાથે આ યુદ્ધજહાજ તૈનાત કરીને ભારતે વ્યૂહાત્મક પગલું ભર્યું છે.

ભારતીય નૌકાદળના પ્રવક્તાએ કહ્યું હતું કે ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ એમએસ પવારે અરબી સાગરમાં તૈનાત થયેલા આ યુદ્ધજહાજનું નિરીક્ષણ કર્યું હતું. ભારતે વિક્રમાદિત્યને તૈનાત કરીને પાકિસ્તાન અને ચીન વચ્ચે ચાલી રહેલી નવ દિવસની સંયુક્ત કવાયત મુદ્દે સ્પષ્ટ રીતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હોવાનું સંરક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30eeYr4
via Latest Gujarati News

Post a Comment

0 Comments