જેએનયુ હિંસામાં ડાબેરી આઈશી ઘોષ સહિત નવની સંડોવણી : દિલ્હી પોલીસ


(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 10 જાન્યુઆરી, 2020, શુક્રવાર

જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (જેએનયુ)માં રવિવારે રાતે થયેલી હિંસાના કેસમાં દિલ્હી પોલીસે લગભગ પાંચ દિવસ પછી શુક્રવારે 9 લોકોની તસવીરો જાહેર કરી છે, જેમાં જેએનયુ વિદ્યાર્થી સંગઠનની અધ્યક્ષા આઈશી ઘોષ અને એબીવીપીના બે લોકોના પણ નામ સામેલ છે.

બીજીબાજુ જેએનયુ હિંસામાં આઈશી ઘોષની સંડોવણી હોવાની પોલીસની જાહેરાત પછી ઘોષે દાવો કર્યો હતો કે તેના પર હુમલો થયો હોવાના તેની પાસે પણ પુરાવા છે.આ હુમલામાં તે દોષિત નહીં પરંતુ પીડિતા છે તેમ તેણે જણાવ્યું હતું. 

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે શુક્રવારે સાંજે એક અખબારી પરિષદ યોજીને જણાવ્યું કે જેએનયુ હિંસામાં સંડોવાયેલા લોકોની ઓળખ થઈ છે, તેમાં આઈશી ઘોષ સહિત ચુનચુન કુમાર, પંકજ મિશ્રા, યોગેન્દ્ર ભારદ્વાજ, પ્રિયા રંજન, વિકાસ પટેલ, ડોલનનો સમાવેશ થાય છે. આ હુમલામાં એબીવીપી સંગઠનના બે લોકોના નામ પણ બહાર આવ્યા છે.

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જોય ટિર્કીએ કહ્યું કે આ કેસમાં કોઈપણ શંકમંદની અટકાયત કરાઈ નથી, પરંતુ અમે ટૂંક સમયમાં તેમની પૂછપરછ શરૂ કરી શકીએ છીએ.

તેમણે કહ્યું કે હિંસા અંગે ત્રણ કેસ નોંધાયેલા છે અને અમે તેની તપાસ કરી રહ્યા છીએ. ટિર્કીએ કહ્યું કે આ કેસની તપાસ અંગે અનેક પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવવામાં આવી રહી છે. 1લી જાન્યુઆરીથી લઈને 5મી જાન્યુઆરી સુધી રજિસ્ટ્રેશન થવાનું હતું.

જોકે, એસએફઆઈ, એઆઈએસએ, એઆઈએસએફ અને ડીએસએફ વિદ્યાર્થી સંગઠનોએ વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન કરતા અટકાવ્યા હતા. રજિસ્ટ્રેશન કરનારા વિદ્યાર્થીઓને ધમકાવવામાં આવતા હતા. ત્યાર પછી વિવાદ સતત વધતો ગયો અને પાંચ જાન્યુઆરીએ પેરિયાર અને સાબરમતી હોસ્ટેલના કેટલાક રૂમો પર હુમલો કરવામાં આવ્યો હતો.

ટિર્કીએ ઉમેર્યું કે જેએનયુમાં હિંસા કરવા માટે વોટ્સએપ ગૂ્રપ પણ બનાવાયા. બુકાનીધારીઓ જાણતા હતા કે તેમણે કયા કયા રૂમમાં જવાનું છે. હિંસાના સીસીટીવી ફૂટેજ નથી મળ્યા. જોકે, અમે વાયરલ વીડિયો મારફત આરોપીઓની ઓળખ કરી છે. તે અંગે અમે 30-32 સાક્ષીઓ સાથે વાત કરી છે.

દરમિયાન દિલ્હી પોલીસ દ્વારા તસવીરો જાહેર કરાયા પછી વિદ્યાર્થી સંગઠનની અધ્યક્ષ આઈશી ઘોષે કહ્યું કે હું નિર્દોષ છું. મારા પર હુમલા થયા હોવાના મારી પાસે પણ પુરાવા છે. મને કાયદો અને વ્યવસૃથા પર પૂરો વિશ્વાસ છે. તે નિષ્પક્ષ તપાસ કરશે, મને ન્યાય મળશે. પરંતુ દિલ્હી પોલીસ પક્ષપાત શા માટે કરી રહી છે તેનો મને ખ્યાલ નથી. મારી ફરિયાદને એફઆઈઆર સ્વરૂપમાં નોંધવામાં આવી નથી. મેં કોઈની સાથે મારપીટ નથી કરી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FFW56U
via Latest Gujarati News

Post a Comment

0 Comments