
સુપ્રીમે ટેલિકોમ કંપનીઓના એમડી, સીઈઓ અને ટેલિકોમ વિભાગના અધિકારીઓને 17મી માર્ચના સમન પાઠવ્યા : સુપ્રીમે કેન્દ્ર-ટેલિકોમ કંપનીઓની ઝાટકણી કાઢી અને કંપનીઓને 17મી માર્ચ સુધીમાં 1.47 લાખ કરોડ ચૂકવવા નિર્દેશ આપ્યા
નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી, 2020, શુક્રવાર
ટેલિકોમ કંપનીઓને એજીઆરની ચૂકવણી મુદ્દે શુક્રવારે સુપ્રીમ કોર્ટ લાલઘુમ થયા પછી સરકાર સફાળી જાગી હતી અને ટેલિકોમ કંપનીઓને તુરંત શુક્રવારે રાતે 12.00 વાગ્યા પહેલાં એજીઆરની બાકી રકમ 1.47 લાખ કરોડ ચૂકવવાનો ફતવો જારી કર્યો હતો. જોકે, કંપનીઓએ રાતોરાત આ રકમ ચૂકવવામાં અસમર્થતા દર્શાવી હતી.
બીજીબાજુ એજીઆરની ચૂકવણી મુદ્દે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન નહીં કરવા બદલ કોર્ટે ટેલિકોમ વિભાગના અિધકારીઓ અને ટેલિકોમ કંપનીઓના એમડી, સીઈઓને કોર્ટની અવમાનનાનો કેસ કરવાની ચીમકી આપી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે આ કેસની આગામી સુનાવણી 17મી માર્ચ પર મુલતવી રાખતાં ટેલિકોમ કંપનીઓને ત્યાં સુધીમાં એજીઆરની રૂ. 1.47 લાખ કરોડની બાકી રકમની ચૂકવણી કરી દેવા નિર્દેશ આપ્યો હતો.
એજીઆરની ચૂકવણી મુદ્દે ભારતી એરટેલ, વોડાફોન-આઈડિયા, ટાટા ટેલી અને અન્યો દ્વારા એજીઆરની ચૂકવણી માટે વધુ સમય માગતી અરજીની સુનાવણી દરમિયાન ટેલિકોમ વિભાગ અને ટેલિકોમ કંપનીઓના વલણથી સુપ્રીમ કોર્ટ ગુસ્સે ભરાઈ હતી. સુપ્રીમ કોર્ટના આકરા વલણ પછી ટેલિકોમ વિભાગ સફાળું જાગ્યું હતું.
ટેલિકોમ વિભાગે 23મી જાન્યુઆરી 2020નો તેનો આદેશ પાછો ખેંચતા ટેલિકોમ કંપનીઓને સર્કલ આૃથવા ઝોન મુજબ એજીઆરની બાકી રકમની નોટિસો પાઠવી હતી, જેમાં કંપનીઓને શુક્રવારે રાતે 11.59 વાગ્યા સુધીમાં બાકી રકમ ચૂકવવા જણાવાયું હતું. તેમ નહીં થાય તો કંપનીઓ સામે પગલાં લેવાસે તેમ પણ નોટિસમાં જણાવાયું હતું.
ટેલિકોમ વિભાગે 23મી જાન્યુઆરીના તેના આદેશમાં ટેલિકોમ કંપનીઓ એજીઆરની બાકી રકમની ચૂકવણી કરવામાં નિષ્ફળ જશે તો પણ તેમની સામે કોઈ કાર્યવાહી નહીં થાય તેવા નિદેશો આપ્યા હતા. ટેલિકોમ કંપનીઓ પાસેથી રૂ. 1.47 લાખ કરોડના લેણાંમાં નહીં ચુકવાયેલી લાઈસન્સ ફી પેટે રૂ. 92,642 કરોડ અને સ્પેક્ટ્રમ વપરાશના બાકી ચાર્જ પેટે રૂ. 55,054 કરોડનો સમાવેશ થાય છે.
જોકે, સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ કેસની સુનાવણી 17મી માર્ચ સુધી મુલતવી રાખી હતી અને ટેલિકોમ કંપનીઓને આ તારીખ સુધીમાં એજીઆરની બાકીની રકમ ચૂકવવા આદેશ આપ્યો હતો.
આ આદેશનું પાલન નહીં થાય તો બધી જ ટેલિકોમ કંપનીઓના એમડી, સીઈઓએ કોર્ટમાં વ્યક્તિગત સ્તરે હાજરી આપવી પડશે તેવી પણ કોર્ટે ચેતવણી આપી હતી. આ સાથે કોર્ટે ટેલિકોમ વિભાગના કર્મચારીને પણ 17મી માર્ચે કોર્ટમાં હાજર રહેવા સમન પાઠવ્યા હતા.
એરટેલની રૂ. 10,000 કરોડ ચૂકવવા તૈયારી
ટેલિકોમ વિભાગની શુક્રવારની નોટિસના જવાબમાં ભારતી એરટેલે 20મી ફેબુ્રઆરીમાં રૂ.10,000 કરોડ અને બાકીની રકમ 17મી માર્ચ પહેલાં ચૂકવવાની તૈયારી દર્શાવી છે. એરટેલે લાઈસન્સ ફી અને સ્પેક્ટ્રમ વપરાશના ચાર્જ સહિત સરકારને રૂ. 35,586 કરોડ ચૂકવવાના છે.
વોડાફોનની કંપની બંધ કરવા ચિમકી
કેન્દ્રની નોટિસના જવાબમાં વોડાફોને કોઈ પ્રતિસાદ આપ્યો નથી. પરંતુ કંપનીના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ ગયા મહિને સ્પષ્ટ કહ્યું હતું કે કંપનીને એજીઆરની રૂ. 53,000 કરોડથી વધુની ચૂકવણીમાં સુપ્રીમ કોર્ટ અને સરકાર તરફથી કોઈ રાહત નહીં અપાય અને તેને આ રકમ ચૂકવવા ફરજ પાડવામાં આવશે તો તેમની પાસે કંપની બંધ કરવા સિવાય બીજો કોઈ માર્ગ રહેતો નથી.
ટેલિકોમ કંપનીઓની અરજીઓ સતત ફગાવાઈ
આ પહેલાં સુપ્રીમ કોર્ટે 15 જાન્યુઆરીએ ટેલિકોમ કંપનીઓને એજીઆર મુદ્દે ફટકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા સહિત અન્ય કંપીઓની એજીઆરની ચૂકવણી મુદ્દે પુન: સમિક્ષા અરજી નકારી કાઢતાં કહ્યું હતું કે તેને અરજીઓ પર ફરીથી વિચાર કરવા માટે કોઈ યોગ્ય કારણ નથી મળતું. આ સાથે કોર્ટે ટેલિકોમ કંપનીઓને 23મી જાન્યુઆરી સુધીમાં 1.47 લાખ કરોડ રૂપિયા ચૂકવવા આદેશ આપ્યો હતો. પરંતુ કંપનીઓએ ફરીથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
સિનિયર્સની મંજૂરીથી જ આદેશ આપ્યો : ડેસ્ક અધિકારીનો દાવો
નવી દિલ્હી, તા. 14
સુપ્રીમ કોર્ટના આદેશ પર વર્ચ્યુઅલ રીતે 'સ્ટે' મૂકતો આદેશ આપનાર 'ડેસ્ક અિધકારી' મંદાર દેશપાંડે હતા.
તેઓ ભારતીય એકાઉન્ટિંગ અને ફાઈનાન્સ સર્વિસીસના અિધકારી છે. ટેલિકોમ કંપનીઓ દ્વારા એજીઆરની ચૂકવણી નહીં કરવાના મુદ્દે સુપ્રીમ કોર્ટ આ 'ડેસ્ક અિધકારી' પર જ ગુસ્સે ભરાઈ છે.
સુપ્રીમ કોર્ટે નિશ્ચિત કરેલી સમય મર્યાદામાં એજીઆરની બાકી રકમ નહીં ચૂકવાય તો પણ ટેલિકોમ કંપનીઓ સામે કોઈ પગલાં નહીં લેવાય તેવો આદેશ દેશપાંડેએ જ ઈશ્યુ કર્યો હતો. જોકે, દેશપાંડેનો દાવો છે કે ટેલિકોમ વિભાગમાં વરિષ્ઠ અિધકારીઓની મંજૂરી પછી જ આ આદેશ અપાયો હતો.
ટેલિકોમ મંત્રી કે સચિવની મંજૂરી વિના 23મી જાન્યુ.નો આદેશ અપાયો : સૂત્ર
નવી દિલ્હી, તા. 14
ટેલિકોમ કંપનીઓ એજીઆરના બાકી લેણાં ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેમની સામે કોઈ પગલાં નહીં લેવાય તેવો ટેલિકોમ વિભાગનો 23મી જાન્યુઆરીનો આદેશ ટેલિકોમ મંત્રી રવિ શંકર પ્રસાદ આૃથવા ટેલિકોમ વિભાગના સચિવની મંજૂરી વિના લેવાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ આદેશ આપનારા સામે સરકાર ગંભીર પગલાં લેવાનું વિચારી રહી છે. શુક્રવારે ટેલિકોમ વિભાગના ડેસ્ક અિધકારીના આ આદેશોથી સુપ્રીમ કોર્ટ ગુસ્સે ભરાઈ હતી અને તેણે ટેલિકોમ વિભાગના આ આદેશને 'ધૃષ્ટતાપૂર્ણ' ગણાવ્યો હતો.
ટેલિકોમ વિભાગ અને ટેલિકોમ કંપનીઓ વચ્ચે વિવાદ શું હતો?
નવી દિલ્હી, તા. 14
કેન્દ્ર સરકારના ટેલિકોમ વિભાગનું માનવું છે કે ટર્મિનેશન ફી ઉપરાંત ટેલિકોમ કંપનીઓને મળનારી તમામ આવક, રોમિંગ ફી એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ(એજીઆર)નો ભાગ છે. બીજી તરફ ટેલિકોમ કંપનીઓએ દલીલ છે કે નોન ટેલિકોમ આવક જેવી કે ભાડું, ઇન્ટરન્ટ આવક, નફો વગેરેને એજીઆરમાં સામેલ ન કરવા જોઇએ.
ઉલ્લેખનીય છે કે 2006માં ટેલિકોમ સેટલમેન્ટ એન્ડ એપ્પેલેટ ટ્રિબ્યુનલ (ટીડીએસએટી)એ ટેલિકોમ કંપનીઓની તરફેણમાં ચુકાદો આપ્યા હતો. ત્યારબાદ ટેલિકોમ વિભાગે ટીડીએસએટીના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જો કે સુપ્રીમે સરકાર અને ટેલિકોમ કંપનીઓ વચ્ચેના 14 વરસ જૂના કાયદાકીય સંઘર્ષમાં સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
ભારતમાં ટેલિકોમ ક્ષેત્રમાં બે જ કંપનીઓ વચ્ચે સ્પર્ધા!
પહેલા સુપ્રીમ કોર્ટ અને હવે ટેલિકોમ વિભાગના આદેશ પછી ભારતીય ટેલિકોમ ક્ષેત્રમાં વોડાફોન આઈડિયા સહિત અનેક ટેલિકોમ કંપનીઓ બંધ થઈ જશે અને રિલાયન્સ જિયો તથા ભારતી એરટેલ એમ માત્ર બે જ કંપનીઓ રહી જશે તેમ ટેલિકોમ ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે. ભારતીય ટેલિકોમ ક્ષેત્રમાં છેલ્લા કેટલાક સમયથી એક પછી એક કંપનીઓ બંધ થઈ રહી છે.
તેમાં પણ ટેલિકોમ જિયોના આગમન પછી ગળાકાપ સ્પર્ધામાં ટકી રહેવા માટે વોડાફોન અને આઈડિયાએ જોડાણ કરવું પડયું હતું. હવે એજીઆરની ચૂકવણી મુદ્દે વોડાફોનની સિૃથતિ ખૂબ જ નબળી છે. વોડાફોન આઈડિયાએ એજીઆર પેટે સરકારને રૂ. 53,000 કરોડ ચૂકવવાના છે, જેમાં રૂ. 24,729 કરોડ સ્પેક્ટ્રમ ફી અને લાઈસન્સ ફી સહિત અન્ય સ્વરૂપે રૂ. 28,309 કરોડનો સમાવેશ થાય છે.
વોડાફોન આઈડિયાએ ગુરૂવારે જ એજીઆરની ચૂકવણી કરવામાં અસમર્થતા દર્શાવી હતી. ગયા સપ્તાહે વોડાફોનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નીક રીડે જણાવ્યું હતું કે ભારતમાં સુપ્રીમ કોર્ટના એજીઆરના નિર્દેશોના પગલે સિૃથતિ ખૂબ જ ગંભીર છે.
કંપનીએ સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં રૂ. 50,922 કરોડનું નુકસાન કર્યું હતું. આવી સિૃથતિમાં વોડાફોને ભારતમાં તેની કામગીરી બંધ કરવી પડે તેમ બની શકે છે. આમ થશે તો ભારતીય ટેલિકોમ ક્ષેત્રમાં માત્ર રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ બે જ મોટી કંપનીઓ રહેશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37rNccr
via Latest Gujarati News
0 Comments