
હૈદરાબાદ, તા. 14 ફેબ્રુઆરી, 2020, શુક્રવાર
આવકવેરા વિભાગે 6 ફેબુ્રઆરીએ હૈદરાબાદમાં એક સાથે 40 સ્થળોએ પાડેલા દરોડા અંગે આજે ચોંકાવનારો દાવો કર્યો છે. આવકવેરા વિભાગની ટીમોએ વિજયવાડા, કડપ્પા, વિશાખાપટ્ટનમ, દિલ્હી અને પુણેમાં ત્રણ મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રકચર જૂથોના પરિસરોમાં દરોડા પાડયા હતાં. આ ગુ્રપ આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં સક્રિય છે.
આ ઉપરાંત આંધ્રના પૂર્વ મુખ્યપ્રધાન એન ચંદ્રાબાબુ નાયડુ અને પૂર્વ અંગત સચિવ પી શ્રીનિવાસ રાવને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતાં. આવકવેરા વિભાગનો દાવો છે કે તેણે નકલી સબ કોન્ટ્રાક્ટ, બોગલ બિલો દ્વારા રોકડ રકમની હેરાફેરી કરનારા મોટા જૂથનો પર્દાફાશ કર્યો છે.
આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર દરોડા દરમિયાન અનેક આપત્તિજનક દસ્તાવેજો, ઇ-મેઇલ, વોટ્સએપ મેસેજ જપ્ત કરવાની સાથે ગેરકાયેદે વિદેશી લેવડદેવડની પણ માહિતી મળી છે. ચંદ્રબાબુ નાયડુના પૂર્વ અંગત સચિવ પી શ્રીનિવાસ રાવના વિજયવાડા અને હૈદરાબાદ સ્થિત પરિસરોમાંપણ દરોડા પાડવામાં આવ્યા હતાં.
કેન્દ્રીય એજન્સીના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન રાવની પાસેથી આપત્તિજનક પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે. દરોડા દરમિયાન જાણવા મળ્યું છે કે ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીઓએ કેટલીક નકલી કંપનીઓનું કાર્ય સબ કોન્ટ્રાક્ટ તરીકે કર્યો છે.
પ્રાથમિક તપાસ અનુસાર બોગસ લેવડદેવડ દ્વારા 2000 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. દરોડામાં બેહિસાબી 85 લાખ રૂપિયા રોકડા અને 71 લાખ રૂપિયાના દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત 25થી વધુ બેંક લોકર્સ પણ જપ્ત કરવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે 6 ફેબુ્રઆરીએ કડપ્પાના ટીડીપી જિલ્લા પ્રમુખ શ્રીનિવાસ રેડ્ડી ઉર્ફે વાસુ અને નાયડુના પૂર્વ સચિવ પી શ્રીનિવાસ રાવના વિજયવાડા અને હૈદરાબાદના સંકુલોમાં દરોડા પાડયા હતાં. 2000 કરોડ રૂપિયાનું કૌભાંડ સપાટી પર આવ્યા પછી નાયડુની પાર્ટી ટીડીપી બેકફૂટ પર આવી ગઇ છે.
વાયએસઆર કોંગ્રેસ વારંવાર આરોપ મૂકે છે કે જ્યારે ટીડીપીની સરકાર હતી ત્યારે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હતો. બીજી તરફ ટીડીપીએ સત્તારૂઢ પાર્ટીના આરોપોને ફગાવી દઇને તેમને રાજકારણથી પ્રેરિત બતાવ્યા હતાં. ટીડીપીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીઓ પાર્ટી સાથે સંકળાયેલ નથી અને નાયડુના પૂર્વ સચિવ જે 85 લાખ રૂપિયા મળ્યા છે તેનો હિસાબ તેઓ આવકવેરા વિભાગને આપી દેશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38to9ar
via Latest Gujarati News
0 Comments