
મુંબઇ તા.14 ફેબ્રુઆરી 2020, શુક્રવાર
બે સપ્તાહ પૂર્વે રેલવે પ્રોટેકશન ફોર્સ (આરપીએફ) એ અત્યાર સુધીની કદાચ સૌથી મોટી ટિકિટ બુકિંગ ગેંગ પકડી હતી. એના અનુસંધાનરૂપે આરપીએફએ ગુરૂવારે આખા દેશમાં દરોડા પાડી ૩૦૦ એજન્ટોની ધરપકડ કરી હતી. એ પૈકી ૪૮ એજન્ટ મુંબઇના છે. આ એજન્ટો રોજ મહત્વના રૂટની લાખ્ખો ટિકિટો ગેરકાયદે ખરીદી લેતા હતા.
જોવાની વાત એ છે કે પકડાયેલા તમામ ૩૦૦ એજન્ટો ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ (આઇઆરસીટીસી)ના માન્યતા પ્રાપ્ત (એપ્રુવ્ડ) વેન્ડર છે. પરંતુ સિસ્ટમમાં ગોલમાલ કરવા તેઓ આઇઆરસીટીસીએ એમને આપેલા પાસવર્ડસ અને આઇડીઝનો ઉપયોગ કરવા ઉપરાંત નકલી (ફેક) આઇડીઝનો પણ ઉપયોગ કરતા હતા અનધિકૃત સોફટવેરનો ઉપયોગ કરી આ લોકો ઓનલાઇન બુકિંગ ખુલ્યાના ૫૦ જ સેકન્ડમાં ૫૦ ટકા ટિકિટો બુક કરી લેતા હતા.
મધ્ય રેલવેએ રૂા.11 લાખની અને પશ્ચિમ રેલવેએ રૂા.10 લાખની ટિકિટો એજન્ટો પાસેથી જપ્ત કરી છે.
જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં આરપીએફ એ ૨૬ જણની એક ગેન્ગ પકડી હતી. આ ગેન્ગ સાથે જોડાયેલા એજન્ટો એવા સોફટવેરનો ઉપયોગ કરતા હતા જેની મદદથી તેઓ માત્ર સિક્યોરિટી ક્લિયરેન્સીસ જ નહિ પણ ઓટીપી જનરેશન અને સબમિશનની પ્રોસેસ જ બાયપાસ કરી શકતા હતા. એને લીધે ગેન્ગના એજન્ટોને બીજા ટ્રાવેલ એજન્ટો અને કન્સ્મરો કરતા વધારાની ૩૦ સેકંડનો લાભ મળતો હતો. આ રીતે બીજા લોકો લોગઇન કરે એ પહેલા તેઓ લાખ્ખો ટિકિટો કબજે કરીલેતા હતા.
રેલવેના સાયબર વિજીલંસની નજરમાંથી છટકવા તેઓ રોજ નવું સોફટવેર ઉભુ કરતા હતા એની મદદથી તેઓ એજન્ટો એક કોમપ્યુટર પર ૫૦૦ જુદા જુદા આઇપીઝ જનરેટ કરતા હતા.
ભારતમાં અને એમાંય ખાસ કરીને નાના નગરોમાં ટ્રેનની કન્ફર્મ ટિકીટ મેળવવી બહુ મુશ્કેલ છે. મહત્વના રૂટની કન્ફર્મ ટિકીટ પર એજન્ટો રૂા.૨૦૦ થી ૫૦૦ વધુ પડાવી લે છે. તહેવારો અને વેકેશનમાં ટિકિટ બારીઓ પર લાંબી લાઇનો લાગે છે. ટિકિટ બારી પર વધુ ભાડુ ચુકવીને તત્કાલ ટિકીટો મેળવવી પણ લગભગ અશક્ય બની ગઇ છે. એમાં ટિકિટો ઓનલાઇન કબ્જે કરી લેતી ગેન્ગનો બહુ મોટો ફાળો હોય છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OTENbt
via Latest Gujarati News
0 Comments