કલમ 370 મુદ્દે ટીકા કરનારા બ્રિટિશ સાંસદને દિલ્હી એરપોર્ટ પરથી જ દુબઇ ડીપોર્ટ કરાયા


(પીટીઆઇ) નવી દિલ્હી, લંડન, તા. 17 ફેબ્રુઆરી, 2020, સોમવાર

જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજજાને રદ કરવાના નિર્ણયની ટીકા કરનારા બ્રિટિશ સાંસદ ડેબી અબ્રાહમ્સને ભારતમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. કાયદેસરના વિઝા ન હોવા  છતાં તેમને એરપોર્ટ પરથી બહાર જવા દેવામાં ન આવતા તેમને દિલ્હી એરપોર્ટથી દુબઇ  મોકલી દેવામાં આવ્યા હતાં. 

જો કે ભારત સરકારે બ્રિટિશ સાંસદના આરોપોને ફગાવી દેતા જણાવ્યું છે કે બ્રિટિશ સાંસદને અગાઉ જ જાણ કરી દેવામાં આવી હતી કે તેમના ઇ-વિઝા રદ કરી દેવામાં આવ્યા છે. ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગુ્રપ ફોર કાશ્મીરના અધ્યક્ષ અને લેબર પાર્ટીના સાંસદ ડેબી અબ્રાહમ્સ ભારતની કાશ્મીર નીતિના વિરોધી રહ્યાં છે. 

તેમણે ટ્વિટર પર જણાવ્યું હતું કે તે જ્યારે સોમવાર સવારે દિલ્હી પહોંચ્યા તો તેમને જણાવવામાં આવ્યું હતું કે તેમના ઇ-વિઝા રદ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વિઝા ઓક્ટોબર, 2020 સુધી માન્ય હતાં.

આ દરમિયાન ભારતીય ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું છે કે બ્રિટિશ સાંસદને યોગ્ય રીતે જાણ કરી દેવામાં આવી હતી કે તેમના વિઝા રદ કરી દેવામાં આવ્યા છે. તેમને આ વાતની જાણ હોવા છતાં તે દિલ્હી આવ્યા હતાં. 

આ અંગે અબ્રાહમે જણાવ્યું છે કે 13 ફેબુ્રઆરી પહેલા મને કોઇ ઇમેલ મળ્યો ન હતો અને ત્યારબાદથી હું પ્રવાસ પર છું અને મારા કાર્યાલયથી દૂર છું. બ્રિટિશ સાંસદે જણાવ્યું હતું કે તે પોતાના દસ્તાવેજ અને ઇ-વિઝાની સાથે ઇમિગ્રેશન ડેસ્ક પર હાજર થઇ તો અધિકારીએ પોતાના સ્ક્રીન પર જોઇ  મને જણાવ્યું કે મારા વિઝા રદ થઇ ગયા છે.

ત્યારબાદ તે મારો પાસપાર્ટ લઇને દસ મિનિટ સુધી અદ્રશ્ય થઇ ગયો હતો. આ અધિકારી પરત આવીને મારા પર ગુસ્સો કરવા લાગ્યો અને મને કહ્યું કે તમે મારી સાથે આવો. ત્યારબાદ બ્રિટિશ સાંસદને ત્યાંથી દુબઇ મોકલી દેવામાં આવ્યા હતાં.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37wFVIh
via Latest Gujarati News

Post a Comment

0 Comments