નવી દિલ્હી તા.11 ફેબ્રુઆરી 2020, મંગળવાર
દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોની રુખ જોતાં આજે સવારે દસ વાગ્યે ભાજપે પોતાનો પરાજય સ્વીકારી લીધ હતો. 70માંથી 49 બેઠકો પર આપ પક્ષ આગળ હતો એટલે કે દિલ્હીમાં ફરી એકવાર અરવિંદ કેજરીવાલનું શાસન સ્થપાઇ રહ્યું હતું.
પહેલીવાર ઓપિનિયન પૉલ સાચો પડ્યો હતો અને અમે સત્તા પર આવીશું એવો ગૃહ પ્રધાન અમિત શાહનો દાવો એકસો ટકા ખોટો પડ્યો હતો.
મંગળવારે સવારે દસ વાગ્યે આપના 49 ઉમેદવારો પોતાના નિકટવર્તી પ્રતિસ્પર્ધી કરતાં આગળ હતા. કુલ 70 બેઠકોમાં ભાજપ વીસથી એકવીસ બેઠક પર આગળ હતો. કોંગ્રેસનું ક્યાંય નામ નિશાન જોવા મળ્યું નહોતું. અત્રે એ નોંધનીય છે કે શાહીન બાગના મુદ્દે અરવિંદ કેજરીવાલે અકળ મૌન સેવ્યું હતું.
ભાજપ જ્યારે શાહીન બાગને ચૂંટણી પ્રચારનો મુદ્દો બનાવી રહ્યો હતો ત્યારે પણ કેજરીવાલ એ ટ્રેપમાં ફસાયા નહોતા. તેમણે શાહીન બાગને ન તો ટેકો જાહેર કર્યો હતો કે ન તો એની વિરુદ્ધ એક અક્ષર સુદ્ધાં ઉચ્ચાર્યો હતો. આમ એમણે પોતાની તટસ્થતાની ઇમેજ જાળવી રાખી હતી. એ ઇમેજ મતદારોને ગમી હોય એવું આ પરિણામો પરથી લાગે છે.
કેજરીવાલે શાહીન બાગની ન તો મુલાકાત લીધી હતી કે ન તો એ અંગે કશું બોલ્યા હતા. માત્ર એકવાર એમણે કહ્યું હતું કે ગૃહ પ્રધાન અમિત શાહ ધારે તો એક કલાકમાં શાહીન બાગ ખાલી કરાવી શકે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HeVRnP
via Latest Gujarati News
0 Comments