નવી દિલ્હી તા.11 ફેબ્રુઆરી 2020, મંગળવાર
ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (રા.સ્વ.સંઘ)ની અનામત વિરોધી નીતિને ખુલ્લી પાડવા 16મી ફેબ્રુઆરીએ કોંગ્રેસ પક્ષ રાષ્ટ્રવ્યાપી રેલી અને આંદોલન યોજશે.
સોમવારે મિડિયા સાથે વાત કરતાં કોંગ્રેસના મહામંત્રી કે સી વેણુ ગોપાલે મિડિયા સાથેની વાતચીત દરમિયાન આ આંદોલન વિશે માહિતી આપી હતી.
સાતમી ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે બઢતી માટે અનામતનો દાવો કરવો એ મૂળભૂત અધિકાર નથી. એટલે હવે કોંગ્રેસ એવો પ્રચાર કરશે કે ભાજપ અને રા.સ્વ. સંઘ અનામત નષ્ટ કરવા માગે છે. સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું હતું કે કોઇ પણ કોર્ટ રાજ્ય સરકારોને એવો આદેશ આપી શકે નહીં કે એસસી-એસટીને અનામત આપો.
વેણુગોપાલે કોંગ્રેસનાં તમામ રાજ્ય એકમોને 16મીના આંદોલનને સફળ બનાવવા કમર કસી લેવાનું જણાવતાં કહ્યું હતું કે છેલ્લાં થોડાં વરસોથી ભાજપ અને સંઘ અનામતની વિરુદ્ધ પ્રચાર કરી રહ્યાં છે અને હવે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને વચ્ચે નાખીને પોતાનો હેતુ બર કરવાના પ્રયાસ કર્યા છે. ભાજપ સરકારના આ ઉદ્ધેશને લોકો સુધી પહોંચાડવા માટે આપણે 16 મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રવ્યાપી આંદોલનનો નિર્ણય કર્યો છે. તમામ રાજ્ય એકમો એસસી-એસટી અને ઓબીસી શાખાઓને સાથે રાખીને પોતપોતાના રાજ્યોમાં સાર્વજનિક સભા કે ધરણાં યોજે.
લોકસભામાં કોંગ્રેસના અધીર રંજન ચૌધરીએ આ મુદ્દો ઊઠાવ્યો હતો અને કહ્યું હતું કે સેંકડો વરસો જૂના ભેદભાવને હટાવવા આઝાદી પછીની કોંગ્રેસની સરકારે એસસી-એસટી અને ઓબીસીને અનામતનો અધિકાર આપ્યો હતો. ભાજપ એ ખૂંચવી લેવાના પ્રયાસો કેમ કરી રહ્યો છે ? આ આક્ષેપના જવાબમાં સંસદીય બાબતોના પ્રધાન પ્રહ્લાદ જોશીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ નિર્ણય સરકારનો નથી, સુપ્રીમ કોર્ટનો છે. સરકારને આ સાથે કશી લેવાદેવા નથી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OIUrGs
via Latest Gujarati News
0 Comments