
અમારો આદેશ રોકનારા અધિકારી સામે શું પગલાં લેવાયાં? આદેશ રદ કરો નહીં તો અધિકારીને જેલમાં નાંખીશું : સુપ્રીમ
નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી, 2020, શુક્રવાર
દેશની ટેલિકોમ કંપનીઓ પર ટેલિકોમ વિભાગને ચૂકવવાના એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) ચૂકવવાના કેસમાં શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં યોજાયેલી સુનાવણીમાં કોર્ટે કેન્દ્ર સરકાર અને ટેલિકોમ કંપનીઓની અત્યંત આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.
સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો કે એક ડેસ્ક અિધકારી અમારા આદેશ પર સ્ટે મૂકી રહ્યો છે, શું કોર્ટને તાળુ મારી દઈએ? સુપ્રીમ કોર્ટે એવો પણ સવાલ કર્યો કે આ શું બકવાસ ચાલી રહી છે? દેશમાં કાયદા જેવું કંઈ બચ્યું છે?
ટેલિકોમ કંપનીઓએ એડીઆરના દેવાં સ્વરૂપે સરકારને ચૂકવવાના અંદાજે રૂ. 1.47 લાખ કરોડના કેસની સુનાવણીમાં શુક્રવારે ટેલિકોમ કંપનીઓ અને સરકારના વલણથી ન્યાયાધીશ અરૂણ મિશ્રાના નેતૃત્વની બેન્ચ ગુસ્સે ભરાઈ હતી. આ બેન્ચમાં ન્યાયાધીશ એસ. અબ્દુલ નજીર અને ન્યાયાધીશ એમ. આર. શાહનો પણ સમાવેશ થાય છે.
ટેલિકોમ વિભાગના ડેસ્ક અિધકારી દ્વારા પાસ કરવામાં આવેલો નિર્દેશ વર્ચ્યુઅલ રીતે સુપ્રીમ કોર્ટના આદેશ પર સ્ટે મૂકે છે તેવું મૂલ્યાંકન કરતાં કોર્ટે કહ્યું કે આ અિધકારીનો નિર્દેશ સુપ્રીમ કોર્ટના આદેશને રદ કરે છે. આ બાબત ખૂબ જ વિચલિત કરી દેનારી છે.
બેન્ચે નોંધ્યું હતું કે ટેલિકોમ વિભાગના અિધકારીએ ટેલિકોમ કંપનીઓને આ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશનો અમલ નહીં કરીને એજીઆરની ચૂકવણી નહીં કરવામાં આવે તો સરકાર તરફથી કોઈ પગલાં નહીં લેવામાં આવે તેવા નિર્દેશો પાસ કરીને 'ધૃષ્ટતા' કરી છે. આવા સંજોગોમાં ટેલિકોમ વિભાગના આ અિધકારી સામે કોર્ટની અવમાનનાનો કેસ થઈ શકે છે.
જસ્ટિસ મિશ્રાએ ત્યાં સુધી કહી દીધું કે દેશમાં કાયદા જેવું કંઈ બચ્યું છે? એક ડેસ્ક ઓફિસરે સુપ્રીમ કોર્ટનો આદેશ જ અટકાવી દીધો. આ શું થઈ રહ્યું છે? કોર્ટનો આદેશ અટકાવવા બદલ ડેસ્ક અિધકારી વિરૂદ્ધ કયા પગલાં લેવાયા? આ દેશમાં કાયદા જેવું કંઈ ન હોય તો શું અમે કોર્ટ બંધ કરી દઈએ?
અમે આ કેસમાં દરેક વ્યક્તિ સામે કોર્ટની અવમાનનાનો કેસ કરીશું. એજીઆર ચૂકવવા માટે ટેલિકોમ કંપનીઓએ સરકાર પાસે વધુ સમય માગ્યો હતો, જે સરકારે તેમને આપ્યો હતો. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે તુષાર મહેતાને પૂછ્યું કે તમે જણાવો કે સરકારે આવું કેમ કર્યું? કારણ કે આ અદાલતની અવમાનના છે.
જસ્ટિસ અરૂણ મિશ્રાએ પૂછ્યું કે ટેલિકોમ વિભાગના કયા અિધકારીએ ટેલિકોમ કંપનીઓને નિર્દેશ આપ્યો કે એજીઆરની નિશ્ચિત સમયમાં ચૂકવણી નહીં કરવામાં આવે તો પણ તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય. ટેલિકોમ વિભાગના અિધકારીનો આ આદેશ તાત્કાલિક અસરથી રદ કરો, નહીં તો સાંજે અમે તેને જેલમાં નાંખી દઈશું.
આ મુદ્દે અદાલતે બધી જ કંપનીઓને કોર્ટની અવમાનનાનો કેસ કેમ ન કરવામાં આવે તેવું જણાવતાં કારણદર્શક નોટિસ પણ પાઠવી હતી. સુપ્રીમ કોર્ટે અદાલતની અવમાનના બદલ એરટેલ, વોડાફોન સહિત અન્ય કંપનીઓના એમડી, સીએમડીને નોટિસ પાઠવી છે. ઉપરાંત ટેલિકોમ વિભાગના અિધકારીઓને પણ 17મી માર્ચે કોર્ટમાં સમન પાઠવ્યું છે.
ઓઈલ ઈન્ડિયા તરફથી હાજર થતાં વકીલ મુકુલ રોહતગીની અરજી અંગે સુપ્રીમ કોર્ટે આકરૂં વલણ અપનાવ્યું. બેન્ચે કહ્યું અંતે આ શું થઈ રહ્યું છે? અમે કડક શબ્દોમાં કહેવા માગીએ છીએ કે આ બધી શું બકવાસ ચાલી રહી છે? અમારે જે કહેવું હતું તે કહી દીધું છે. તમે સિસ્ટમનું શું કરી નાંખ્યું છે? તમારે રૂપિયા આપવા જ પડશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38wHzey
via Latest Gujarati News
0 Comments