ધાર્મિક દાનનો ઉપયોગ આતંકવાદ માટે થતો હોય તો અટકાવી શકાય : સુપ્રીમ


નવી દિલ્હી, તા. 17 ફેબ્રુઆરી, 2020, સોમવાર

સુપ્રીમ કોર્ટની નવ જજોની બંધારણીય બેંચે એક મહત્વપૂર્ણ અવલોકન કરતા કહ્યું હતું કે ધાર્મિક સૃથળોએ લોકોને ભેટ આપવાની એક ધાર્મિક ક્રિયા અંતર્ગત છુટછાટ છે પણ જો આ ભેટ સ્વરૂપે મળેલી વસ્તુઓ કે નાણાનો ઉપયોગ આતંકી પ્રવૃત્તિ કે કસીનો માટે થતો હોય તો તેને કાયદો અટકાવી શકે છે.

એટલે કે મંદિર કે મસ્જિદ કે કોઇ પણ ધાર્મિક સૃથળે જે નાણા કે ભેટ આપવામાં આવે છે તેનો ઉપયોગ ગેરકાયદે પ્રવૃત્તિ માટે ન થવો જોઇએ તેવી સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટે કરી હતી. 

આ ઉપરાંત માનવ બલી અંગે પણ આકરી ટકોર કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ધર્મના નામે કોઇ વ્યક્તિની બલી ચડાવવી એ એક પ્રકારની હત્યા છે. સાથે જ સતી પ્રથાને પણ પોતાના અવલોકનમાં સુપ્રીમ કોર્ટે ટાંકી હતી અને કહ્યું હતું કે સતી પ્રથા પણ હત્યા જ ગણાય છે અને તેને કાયદામાં માન્યતા નથી. જો કોઇ આવી પ્રથા પણ ધર્મ સાથે સંકળાયેલી હોય તો તેવી ધાર્મિક પ્રથા પણ સુધારાનો વિષય છે અને આવી પ્રથાનો ધર્મના નામે બચાવ ન કરી શકાય.

મુખ્ય ન્યાયાધીશ એસ એ બોબડે સહિત નવ જજોની બંધારણીય બેંચે હાલ ધાર્મિક સંબંધી સવાલો પર દલિલો ચાલી રહી છે તેમાં આ અવલોકન કર્યું હતું. ધાર્મિક બાબતોમાં દરમિયાનગીરી કરવાની જ્યૂડિશિયરીને કેટલી છુટછાટ છે તે અંગે જ્યારે દલીલો ચાલી રહી હતી ત્યારે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ અવલોકન કર્યા હતા.

બંધારણનો ઉલ્લેખ કરતા સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મેહતાએ પણ કહ્યું હતું કે બંધારણના આર્ટિકલ 26 મુજબ જો કોઇ ધાર્મિક બાબત હોય તો પણ તેને અટકાવી શકાય છે. જો આવી ધાર્મિક બાબત પબ્લિક ઓર્ડર, સ્વાસ્થ્ય અને નૈતિક્તાનો ભંગ કરતી હોય તો તેને અટકાવવાની છુટ બંધારણે જ આપી છે. 

સુપ્રીમ કોર્ટમાં સબરીમાલા મંદિરમાં અને મસ્જિદોમાં મહિલાઓના પ્રવેશ તેમજ અન્ય ધાર્મિક બાબતોને લઇને જે અરજીઓ થઇ છે તેની સુનાવણી ચાલી રહી છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે ધર્મ અને કાયદા સંબંધી સવાલો તૈયાર કર્યા છે જે અંગે દલિલો ચાલી રહી છે.

સોમવારે સરકાર અને અરજદાર બન્નેના વકીલોએ સુપ્રીમ કોર્ટના અવલોકન અંગે સહમતી વ્યક્ત કરી હતી. અરજદારો વતી હાજર વકીલ ઇંદિરા જયસિંહે કહ્યું હતું કે અમે સુપ્રીમ કોર્ટની બેંચના અવલોકન સાથે સહમત છીએ પણ સરકાર શું વિચારે છે તે જાણવા માગીએ છીએ. બાદમાં સરકાર પણ સહમત થઇ હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2P28FlI
via Latest Gujarati News

Post a Comment

0 Comments