વડા પ્રધાન મોદીના ભાષણનો એક શબ્દ સંસદીય કાર્યવાહીમાંથી હટાવાયો

નવી દિલ્હી તા.8 ફેબ્રુઆરી 2020, શનિવાર

રાષ્ટ્રપતિએ સંસદના બજેટ સત્રના આરંભે સંસદનાં બંને ગૃહોને કરેલા સંબોધનનો આભાર માનતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણમાંથી એક શબ્દ સંસદીય કાર્યવાહીમાં કાપી નાખવામાં આવ્યો હતો.

રાજ્યસભાના અધ્યક્ષ વૈંકેયા નાયડુના સૂચનથી આ પગલું લેવામાં આવ્યું હતું. 2014 પછી સતત બીજીવાર વડા પ્રધાનના ભાષણમાંથી એક શબ્દ હટાવવાની ઘટના બની હતી. 

એ પહેલાં પીઢ કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદના ભાષણનો એક શબ્દ પણ સંસદીય કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવ્યો હતો.

રાજ્યસભા સચિવાલયના એક પ્રવક્તાએ કહ્યું કે છઠ્ઠી ફેબ્રુઆરીએ સાંજે વડા પ્રધાને કરેલા ભાષણમાં નાગરિકોના રાષ્ટ્રીય રજિસ્ટર અંગે કોંગ્રેસે પોતાનું વલણ બદલવું જોઇએ એવું બોલતાં વડા પ્રધાને એક  બિનસંસદીય શબ્દ ઉચ્ચાર્યો હતો જે કાઢી નાખવાની સૂચના રાજ્યસભાના અધ્યક્ષશ્રીએ આપી હતી.

એ જ રીતે વિપક્ષી નેતા કોંગ્રેસના ગુલામ નબી આઝાદના ભાષણનો એક શબ્દ પણ રદ કરવાની સૂચના રાજ્યસભા અધ્યક્ષે આપી હતી.

સામાન્ય રીતે વડા પ્રધાનના ભાષણમાંથી કોઇ શબ્દ કે વાક્ય હટાવવાની ઘટના બનતી નથી. પરંતુ 2018માં વડા પ્રધાને સંસદમાં કોંગ્રેસી નેતા બી કે હરિપ્રસાદની ટીકા કરતાં કેટલાક શબ્દો ઉચ્ચાર્યા હતા એ પણ સંસદીય કાર્યવાહીમાંથી કાઢી નાખવા પડ્યા હતા. 

આ પહેલાં 2013માં ત્યારના વડા પ્રધાન મનમોહન સિંઘ અને વિપક્ષી નેતા અરુણ જેટલી વચ્ચે થયેલી ગરમાગરમી દરમિયાન વડા પ્રધાને જે શબ્દો ઉચ્ચાર્યા હતા એ સંસદીય કાર્યવાહીમાંથી કાઢી નાખવા પડ્યા હતા. આવેશમાં આવી જઇને કશુંક બોલાઇ જાય તો એ સંસદીય કાર્યવાહીમાં ન આવી જાય એની તકેદારી જે તે ગૃહના અધ્યક્ષે રાખવાની હોય છે.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bmfKr2
via Latest Gujarati News

Post a Comment

0 Comments