નવી દિલ્હી, તા. 09 ફેબ્રુઆરી 2020 રવિવાર
ચીનમાં કાળો કહેર વરસાવતા કોરોના વાયરસને પગલે નૂરદરમાં ઘટાડો નોંધાયો છે. જેના કારણે ભારતીય શિપિંગ કંપનીઓની માર્ચ ત્રિમાસિક ગાળાની આવક પર ફટકો પડવાની શક્યતા જોવાઈ રહી છે. નૂર દર જોરદાર ઘટ્યા છે અને તે શિપિંગ ઉદ્યોગ પર અસર કરી રહ્યા છે.
શિપિંગ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું કે જાન્યુઆરી મહિનામાં અમારા વેપાર પર અસર પડી છે અને ચોથા ત્રિમાસિક ગાળાની આવક પર પણ ફટકો પડવાની વકી છે. મોટા ક્રૂડ કેરિઅર્સનું ટ્રેડિંગ જે ડિસેમ્બરમાં પ્રતિ દિન એક લાખ ડોલર જેટલું થતું હતું તે અત્યારેમાં ઘટીને પ્રતિ દિન 15000 ડોલર પર આવી ગયું છે.
બાલ્ટિક ડ્રાય કમ્પોઝિટ ઈન્ડેકસ પણ જે 10 ડિસેમ્બરે 1500 પોઈન્ટ હતો. તે વર્તમાન સપ્તાહના અંતે ઘટીને 431 પોઈન્ટ પર આવી ગયો હતો. બાલ્ટિક કેપે ઈન્ડેકસ પણ નેગેટીવ ઝોનમાં આવી ગયો છે.
ક્રૂડ તેલના પ્રમાણમાં નીચા ભાવ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં સુધારાને કારણે ત્રીજા ત્રિમાસિક ગાળામાં ટેન્કરો મારફતની આવક સારી જોવા મળી હતી પરંતુ ટેન્કરના દર હવે ઘટ્યા છે.
ઈન્ડિયન નેશનલ શિપઓનર્સ એસોસિએેશનના હોદ્દેદારે જણાવ્યું હતું કે શિપિંગ ક્ષેત્રે દરેક પ્રકારના કાર્ય પર અસર થઈ રહી છે. જો કે આ અસર વિવિધ પ્રકારની છે. અમે અત્યારે માત્ર નજર રાખી રહ્યા છીએ અસર ઘણી જ ગંભીર છે.વિશ્વમાં ઉત્પાદિત થતા કુલ ક્રુડ ઓઈલમાંથી 16 ટકા ઓઈલનો વપરાશ ચીન દ્વારા થાય છે પરંતુ ચીનમાં અત્યારે વપરાશમાં ઘટાડો થયો છે જેને પરિણામે ચીનની ક્રુડ તેલની આયાત પણ 4 ટકા જેટલી ઘટી ગઈ છે. જેની અસર દરિયા મારફત તેલના થતા પરિવહન પર પડી હોવાનું તેમણે જણાવ્યું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OAKFpK
via Latest Gujarati News
0 Comments