ભારતને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવા આડે આવતા અવરોધોનો રાફડો


નાણાં વર્ષ ૨૦૧૯-૨૦ પૂરું થવા આવ્યું છે ત્યારે આ વર્ષમાં દેશનો આર્થિક વિકાસ દર ઘટીને પાંચ ટકા સાથે ૧૧ વર્ષની નીચી સપાટીએ જોવા મળવાની ધારણાં છે. ૨૦૦૮-૦૯ની વૈશ્વિક નાણાંકીય કટોકટી બાદ ભારતનો આર્થિક વિકાસ દર પહેલી વખત આટલો નીચો જોવા મળી રહ્યો છે. સરકારે પૂરી પાડેલી માહિતી પ્રમાણે ઉત્પાદન ક્ષેત્રનો વિકાસ દર જે નાણાં વર્ષ ૨૦૧૯માં ૬.૯૦ ટકા રહ્યો હતો તે વર્તમાન નાણાં વર્ષના અંતે ઘટીને બે ટકા સાથે ૧૫ વર્ષની નીચી સપાટીએ રહેવા ધારણાં મૂકવામાં આવી છે જ્યારે સૌથી વધુ રોજગાર પૂરા પાડતા ક્ષેત્રોમાંના એક રિઅલ એસ્ટટે ક્ષેત્રનો વિકાસ દર  જે ૨૦૧૮-૧૯માં ૮.૭૦ ટકા જોવા મળ્યો હતો તે વર્તમાન નાણાં વર્ષના અંતે ઘટીને ૩.૨૦ ટકા રહેવાનો અંદાજ છે, જે ૬ વર્ષની નીચી સપાટી હશે. આ ઉપરાંત આર્થિક વિકાસના મુખ્ય ઘટક ઈન્વેસ્ટમેન્ટનો વૃદ્ધિ દર એક ટકા રહેવા ધારણાં છે જે ૧૭ વર્ષની નીચી સપાટીએ હશે. ગયા નાણાં વર્ષમાં આ દર ૧૦ ટકા રહ્યો હતો. 

વર્તમાનમાં દેશના આર્થિક વિકાસ દરની આ સ્થિતિ હોવા છતાં સરકારે આગામી ચાર-પાંચ વર્ષ એટલે કે નાણાં વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં  જીડીપીને પાંચ ટ્રિલિયન ડોલર પર પહોંચાડવાનો ટાર્ગેટ રખાયો છે. જે હાલમાં ૨.૯૦ ટ્રિલિયન ડોલર છે. આમ આગામી પાંચ વર્ષમાં અર્થતંત્રમાં ૭૨ ટકાનો વધારો કરીને ૨.૧૦ ટ્રિલિયન ડોલરનો ઉમેરો કરવાનો રહે છે. હાલમાં જ જાહેર કરાયેલા બજેટમાં આગામી વર્ષમાં દેશનો આર્થિક વિકાસ દર ૬.૫૦ ટકા રહેવાની ધારણાં મૂકવામાં આવી છે. મજબૂત આર્થિક વિકાસ દર હાંસલ કરવા માટે ઈન્વેસ્ટમેન્ટ વાતાવરણ પણ એકદમ સાનુકૂળ રહે તે જરૂરી છે.

માગ અને રોજગારમાં વધારો નહીં થાય ત્યાંસુધી ઈન્વેસ્ટમેન્ટમાં વૃદ્ધિ મળવાની સંભાવના નથી. રોજગાર વધશે તો માગ વધશે અને માગ વધવાના સંજોગોમાં જ ઉદ્યોગો ઈન્વેસ્ટમેન્ટ માટે ઉત્સાહી બનશે. દેશમાં રોજગારનું ચિત્ર પણ ખાસ પ્રોત્સાહક નથી. ૨૦૧૮-૧૯ના નાણાં વર્ષમાં માઈનિંગ, મેન્યુફેકચરિંગ અને ઈલેકટ્રિસિટી ક્ષેત્રનો વિકાસ દર અનુક્રમે ૨.૯૦ ટકા, ૩.૯૦ ટકા અને ૫.૨૦ ટકા રહ્યો હતો જે વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી નવેમ્બરના ગાળામાં -૦.૧૦ ટકા, ૦.૯૦ ટકા અને ૦.૮૦ ટકા જોવા મળ્યો હતો. 

આર્થિક મંદી આગામી નાણાં વર્ષમાં આપણો  પીછો છોડશે કે કેમ તે હાલમાં કહી શકાય એમ નથી. દેશની માલસામાનની નિકાસમાં અપેક્ષિત વધારો જોવા મળતો નથી. ચીનમાં ફાટી નીકળેલા કોરોનાવાઈરસને કારણે ભારતના ટેકસટાઈલ નિકાસકારોને નિકાસ વધારવાની તક ઊભી થઈ છે પરંતુ કેટલીક મર્યાદાઓને કારણે નિકાસકારો તક ઝડપવામાં હાલમાં નિષ્ફળ જઈ રહ્યાનું એક અહેવાલમાં જણાવાયું છે. આમ નિકાસ મોરચે આપણી સ્થિતિ શું છે તે સમજી શકાય એમ છે. નાણાં વર્ષ ૨૦૨૦-૨૧નું બજેટ પ્રસ્તુત કરતી વેળા નાણાં પ્રધાન નિર્મલા સીતારામને દેશને પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર બનાવવા માટે પોતાની પાસે કેવા પ્રકારની દવા છે તેના પર કોઈ ફોડ પાડયો નથી. 

અમેરિકા - ચીન વચ્ચે વેપાર યુદ્ધ સમાપ્ત થવાના થોડાક જ દિવસમાં ચીનમાં ફાટી નીકળેલા કોરોનાવાઈરસે ચીન સહિત વિશ્વભરના દેશોના વેપાર ગણિતને હાલમાં ખોરવી નાખ્યા છે. વાઈરસની અસર કયારે સમે છે તે જોવાનું રહે છે. વાઈરસને  કારણે ભારતના વેપાર કામકાજ પર પણ ગંભીર અસર પડી છે. ચીન-અમેરિકા વચ્ચેના વેપાર યુદ્ધને કારણે ૨૦૧૯ના કેલેન્ડર વર્ષમાં વિશ્વનો આર્થિક વિકાસ દર ૨.૬૦ ટકા આવવાનો વર્લ્ડ બેન્કે અંદાજ મૂકયો છે અને ૨૦૨૦ માટેનો આ દર ૨.૭૦ ટકા રહેવા ધારણાં મૂકી છે, તેમાં પણ અનેક ચેતવણીઓ સમાયેલી છે. વિકસિત દેશોની મંદી ઊભરતા દેશો માટે પણ સમશ્યા ખડી કરતી હોય છે. 

ભારતની ગૂંચવાડા ભરી રાજકીય વ્યવસ્થા દેશના અર્થતંત્રમાં અસ્થિરતા પેદા કરતી હોવાનું પણ અનેક વેળા જોવા મળે છે. તાજેતરના જ દાખલા લઈએ તો આન્ધ્ર પ્રદેશ તથા મહારાષ્ટ્રમાં સત્તા પર આવેલી નવી સરકારોએ અગાઉની સરકારોએ લીધેલા આર્થિક નિર્ણયો ખાસ કરીને પ્રોજેકટસના વિકાસ માટેના નિર્ણયોમાં ફેરબદલ અથવા સ્થગિતિ આપવામાં આવી રહી છે જેની સીધી અસર સ્વાભાવિક જ રીતે ઈન્વેસ્ટમેન્ટ પર પડતા વાર નથી લાગતી.

દેશમાં ઈન્વેસ્ટમેન્ટ વધારવા રિઝર્વ બેન્કે ૨૦૧૯ના વર્ષમાં પાંચ વખત રેપો રેટમાં ઘટાડો કરીને વ્યાજ દર નોંધપાત્ર નીચે લાવી દીધો છે, આમ છતાં વર્તમાન નાણાં વર્ષના અંતે ઈન્વેસ્ટમેન્ટનો વૃદ્ધિ દર એક ટકા જ જોવા મળવાની સંભાવના છે. દેશમાં રાજકોષિય ખાધ પર વધુ દબાણ લાવ્યા વગર માળખાકીય ક્ષેત્રે ઈન્વેસ્ટમેન્ટ વધારવાના સરકારના પ્રયાસો સફળ રહ્યા નથી. વેરા મારફતની નીચી આવક ઉપરાંત ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમમાં નિષ્ફળતાએ સરકારની ઈન્વેસ્ટમેન્ટ યોજના પર પાણી ફેરવી નાખ્યું છે.  

નાણાં વર્ષ ૨૦૨૦-૨૧ માટેના બજેટની તૈયારી કરતી વેળા નાણાં પ્રધાન અને તેમની ટીમને કોરોનાવાઈરસ અને ભારત સહિત વિશ્વ વેપાર પર તેની અસરનો પૂરતો અંદાજ મળ્યો નહીં હોય. ૨૦૧૯-૨૦ની આર્થિક મંદીમાંથી વિશ્વ બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યું હતું તેવામાં કોરોનાવાઈરસે વિશ્વ વેપારના ગણિતો બગાડી નાખ્યા છે.

ભારતની વાત કરીએ તો વિવિધ ક્ષેત્રો પછી તે ઓટો હોય, ડાયમન્ડસ હોય કે સ્ટીલ હોય  તેના પર પ્રતિકૂળ અસરો જોવા મળી રહી છે. પ્રાપ્ત અહેવાલ પ્રમાણે કોરોનાવાઈરસની અસર  એપ્રિલ સુધી રહેવાની શકયતા છે, એટલે કે નવા નાણાં વર્ષના પ્રારંભમાં પણ કોરોનાવાઈરસનો વેપાર પર  પ્રતિકૂળ પ્રભાવ ચાલુ રહેશે ત્યારે દેશને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા માટે સાનુકૂળ દિવસોની સંખ્યા પણ ઘટતી જાય છે, એમ કહીશું તો ખોટું નહીં ગણાય. 

આવી સ્થિતિમાં માગ તથા રોજગાર વધારવાના પગલાં ઉપરાંત, બાંધકામ, ઓટો તથા ઉત્પાદન ક્ષેત્ર દ્વારા સામનો કરાતા પડકારો વેળાસર દૂર કરી નિકાસમાં વધારો કરવા માટેની યોગ્ય નીતિ દેશને પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર તરફ આગળ લઈ જવામાં મદદ કરી શકશે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HruHu8
via Latest Gujarati News

Post a Comment

0 Comments