
૧૧ ફેબુ્રઆરી ૨૦૨૦ના રોજ લોકસભા કાર્યવાહિના રેકોર્ડમાં રહેલા નિમ્નલિખિત સવાલ અને જવાબ માત્ર આનંદ પ્રમોદનો જ વિષય હોત, જો તે વડાપ્રધાન, ગૃહમંત્રી અને ભાજપના અન્ય મંત્રીઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનોનો જવાબ ના હોત.
સવાલ : (૧) શું 'ટુકડે ટુકડે ગેંગ' નામના સંગઠનને ગૃહ મંત્રાલય, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા ઓળખ આપવામાં આવી છે? શું તેમની યાદીમાં આ સંગઠન સામેલ છે? અથવા તો કેન્દ્રીય અથવા તો રાજ્યની લો એન્ફોર્સમેન્ટ એજન્સી, પોલીસ કે પછી ઇન્ટેલિજન્સ એજન્સીએ તેની ઓળખ કરી છે? (૨) શું 'ટુકડે ટુકડે ગેંગ' શબ્દ કોઇ મંત્રાલય, ઇન્ટેલિજન્સ એજન્સી કે અન્ય કાનૂની સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલી વિશેષ જાણકારી પર આધારિત છે? (૩) શું ગૃહ મંત્રાલય, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો અથવા તો કોઇ પણ અન્ય કાનૂની સંસ્થા પાસે 'ટુકડે ટુકડે ગેંગ'ના નેતાઓ અને સભ્યની યાદી છે? (૪) શું ગૃહ મંત્રાલય કે કોઇ પણ કાનૂની સંસ્થા દ્વારા 'ટુકડે ટુકડે ગેંગ'ના સભ્યો વિરુદ્ધ કોઇ કાર્યવાહિ કરવામાં આવી છે? (૫) જો હા, તો તે અંગેની માહિતી શું છે? જવાબ : (૧) થી (૪) : આ પ્રકારની કોઇ પણ માહિતી સરકાર કે કાનૂની સંસ્થાઓ પાસે નથી.
મે ૨૦૧૯માં જ્યારથી ભાજપ ફરી વખત સત્તામાં આવી છે, ત્યારથી ઘણા ભારતીયોને તેમણે એવું માનતા કરી દીધા છે કે દેશની અખંડતા જોખમમાં છે. એવા લોકો અને સંગઠનો છે જે દેશને તોડવા માંગે છે. આવા સંગઠનોને તેમણે ઘણા નામ પણ આપ્યા છે, નક્સલાઇટ્સ, માઓવાદી, ઇસ્લામિક આતંકવાદી, અર્બન નક્સલી વગેરે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું (જેના કારણે કન્હૈયા કુમાર અને અને અન્ય ત્રણ વિદ્યાર્થીઓ સામે દેશ દ્રોહનો ખોટો આરોપ લગાવાયો), ત્યારબાદથી તે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને 'ટુકડે ટુકડે ગેંગ'નું લેબલ આપવામાં આવ્યું. ભાજપની નીતિઓ સામે વિરોધ કરનાર દરેક સંગઠનોને આ જ લેબલ લગાવી દેવામાં આવે છે. આ લેબલ હવે રાજકિય ભાષણોમાં પણ પ્રવેશી ચુક્યું છે.
જે ગતિથી વિવિધ સંગઠનોને આ લેબલ આપવામાં આવી રહ્યું છે, તેનાથી લોકો તેવું માનતા થયા કે વાસ્તવમાં 'ટુકડે ટુકડે ગેંગ' જેવી કોઇ ગેંગ છે, જે દેશના ટૂકડા કરવા માંગે છે. શિક્ષણવિદો, અર્થશાત્રીઓ, લેખકો, કલાકારો, વિદ્યાર્થીઓ, વેપારી સંગઠનો, ખેડૂતો, બેરોજગાર યુવાનો,મહિલાઓ અને બાળકો અને વિપક્ષી દળોના નેતાઓને આ 'ટુકડે ટુકડે ગેંગ'ના સભ્યો બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. શાહિન બાગમાં નાગરિકતા કાયદો અને એનઆરસી વિરુદ્ધ પ્રદર્શન કરતી મહિલાઓ અને બાળકોની આ ગેંગમાં નવી નવી એન્ટ્રી થઇ છે. 'ટુકડે ટુકડે ગેંગ'ના સભ્યોની યાદી દરરોજ વધી રહી છે.
હાલમાં જ પૂરી થયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડાપ્રધાને બે રેલીમાં 'ટુકડે ટુકડે ગેંગ'ની વાતો કરી અને તેમની વિરોધમાં બોલ્યા. વર્તમાનપત્રો, ટીવી અને સોશિયલ મીડિયામાં તો આ ગેંગના ફોટો પણ બતાવ્યા. ત્યારે અહીં એક ગડબડ છે. 'ટુકડે ટુકડે ગેંગ'ના સભ્યો એક હાથમાં ત્રિરંગો અને બીજા હાથમાં ભારતનું બંધારણ હતું, અને દરેક વખતે તેઓ દેશનું રાષ્ટ્રગીત ગાતા હતા. નેતાઓ દ્વારા કરવામાં આવેલી નિવેદનબાજી અને જે તસવીરો બતાવવામાં આવી તેણે જાતે જ એકબીજાનું ખંડન કર્યુ. હવે એક મંત્રીનું ચોંકાવનારુ નિવેદન આવ્યું છે. ભાજપના કોઇ પણ નેતા પાછલા મહિનામાં પોતાના નિવેદનો અને ગયા અઠવાડિયે સંસદમાં મંત્રીએ આપેલા નિવેદનનો વિરોધાભાસ સમજાવવા આગળ નથી આવી રહ્યા.
જમણેરી વિચારધારા કોઇ પણ રીતે અસામાન્ય અને ખોટી નથી. એ વાત પણ જાણીતી છે કે જમણેરી નેતાઓ કટ્ટર વિચારધારા વાળા હોય છે. આવું માત્ર ત્યારે લાગે છે, જ્યારે જમણેરી નેતાઓ ધર્મની રાજનીતિ કરે છે અને લોકોના ધર્મના નામે ભાગલા પાડે છે. ભાજપે આ જ કર્યુ છે, છેલ્લા છ વર્ષમાં કેન્દ્ર સરકાર અને અન્ય રાજ્યોમાં એવી વ્યક્તિઓને મુક્યા છે જેઓ ધાર્મિક હોય. માત્ર ધાર્મિક જ નહીં પણ જેઓ લોકોના ભાગલા પાડવા અને ભય ફેલાવા માટે ધર્મનો હથિયાર તરીકે ઉપયોગ કરતા હોય. દિલ્હી યુનિવર્સિટીના પોલિટિકલ સાઇન્સના પૂર્વ પ્રોફેસર ડો. નીરા ચંધોકેએ લખ્યું છે કે, 'ધર્મનિરપેક્ષતા સામે કોઇ લડતું હોય તો તે રાજકારણ છે, સત્તા માટે ધર્મનો સીડી તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
ધર્મનિરપેક્ષતા ધાર્મિક રાજકારણને અટકાવવાનો એક પ્રયાસ છે. આ એકદમ અનિવાર્ય હતું, કેમકે દેશનું વિભાજન ધર્મના આધારે કરવામાં આવ્યુ હતું'. આ લડાઇ ધર્મના રાજકારણ અને બંધારણીય ધર્મનિરપેક્ષતાના સમર્થન વચ્ચેની છે. દિલ્હી, લખનઉ, કોલકાતા, હૈદરાબાદ, પુણે, કોચી અને ઘણા શહેરોમાં આ માટેની લડાઇ ચાલુ છે. દિલ્હી ચૂંટણીએ ભારતને 'વિએતનામ ક્ષણ' આપી છે. સમાનતા અને ધર્મનિરપેક્ષતાની જંગી જીત થઇ છે. 'ટુકડે ટુકડે ગેંગ'ની જીત થઇ છે. આશા રાખીએ કે જ્યાં સુધી 'ટુકડે ટુકડે ગેંગ' પોતાના બંધારણીય ધ્યેય પ્રાપ્ત ના કરે ત્યાં સુધી મજબૂત બની રહે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39x6U8a
via Latest Gujarati News
0 Comments