કોરોના વાઈરસ: વૈશ્વિક મંદીનો માહોલ વધુ પ્રબળ બનવાની ભીતિ


ચીનમાં પ્રસરેલા કોરોના વાઇરસના પગલે વિશ્વભરના બજારો પર પ્રતિકૂળ અસર થવાના કારણે વૈશ્વિક સ્તરે મંદીનો માહોલ પ્રબળ થવાની ગણતરી મુકાઈ રહી છે જેના કારણે વિશ્વભરના બજારોમાં ચિંતાનો માહોલ ઉછળ્યો છે. આ મુદ્દાની વિશ્વભરના શેરબજારો પર પ્રતિકૂળ અસર થવાની સાથોસાથ વિવિધ કોમોડિટી પણ આ પ્રતિકૂળની ઝપેટમાં આવી જવા પામી છે. આ ઉપરાંત આ મુદ્દાને લઈને વૈશ્વિક કરન્સી બાસ્કેટ પર પણ તેની પ્રતિકૂળ અસર જોવા મળી રહી છે.

સ્થિતિથી વાકેફ સુત્રોના જણાવ્યા મુજબ ચીનનાં જુદાંજુદાં શહેરોમાં કામકાજ હજુ વધારે સમય બંધ રહેવાની શક્યતાથી વૈશ્વિક બજારોમાં ચિંતા વધી છે. ચીનનાં ઉદ્યોગ વર્તુળોના જણાવ્યા અનુસાર સત્તાવાળા વિવિધ શહેરોમાં, લ્યુનાર ન્યૂ યરની રજાઓ ૧૦ ફેબુ્રઆરીથી વધારી ૧૭ ફેબુ્રઆરી સુધી લંબાવી છે.

આમ ચીનમાં કંપનીઓ અને ફેક્ટરી વધુ લાંબો સમય બંધ રહેવાના કારણે ભારત સહિતના દેશોમાં અનિશ્ચિતતા વધશે. ચીનના ૫૦ ટકાથી વધુ પ્રાંતની સરકારોએ કામકાજ બંધ રાખવાનો સમય લંબાવવાની જાહેરાત કરી દીધી છે.

ચીનમાં કાર્યરત કેટલીક વૈશ્વિક કાર કંપનીઓ આગળ બે સપ્તાહમાં ઉત્પાદન શરૂ કરશે. જ્યારે અન્ય કેટલાક ઉત્પાદકોએ હજુ કામ શરૂ કરવાની તારીખ નક્કી કરી નથી. ચીને અગમચેતીનાં પગલાં લીધાં છે. જેમાં રોજ કામદારોના શરીરના તાપમાન પર નજર, સુરક્ષાનાં સાધનોનો સ્ટોક અને કામના વિસ્તારને જંતુમુક્ત કરવાની બાબતો સામેલ છે.

જોકે મહત્વની બાબત એ છે કે ૧૭ ફેબુ્રઆરીથી પણ કામ શરૂ નહીં થવાની કોઈ ગેરંટી નથી. હાલના તબક્કે શટડાઉન લાંબું ચાલશે તો ગભરાટનું પ્રમાણ વધશે. ઉલ્લેખનીય છે કે, વિશ્વભરની કંપનીઓ તેમજ ઓટો, કન્ઝ્યુ ડયુરેબલ્સ અને ઈલેક્ટ્રોનિક્સ સહિતના મોટા ઉદ્યોગોને ચીન નોંધપાત્ર સપ્લાય કરે છે. ચીનનો સપ્લાય ઘટવાથી આ સેક્ટરની કંપનીઓ પર પ્રતિકૂળ અસર થવા લાગી છે. ઓટો અને કન્ઝ્યુ ડયુરેબલ ઉત્પાદકો દ્વારા વપરાતા શીટ મેટલ અને ઈલેક્ટ્રોનિક્સ પાર્ટસની ટૂંક સમયમાં અછત ઊભી થશે.

ભારતમાં સક્રિય તમામ ઉદ્યોગો માટે આ મુશ્કેલ સ્થિતિ છે. મોટા ભાગની મેન્યુફેકચરિંગ કંપનીઓ વૈશ્વિક સપ્લાય ચેઈન ધરાવતી હોવાથી ધીમા ઉત્પાદન શિડયુલ અને ખર્ચ નીચો રાખવાના પ્રયાસ વચ્ચે સંતુલન રાખવાનું મુશ્કેલ બનશે.

ઉદભવેલ આ પ્રતિકૂળ સ્થિતિના કારણે સમગ્ર વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાશે. જેની અસર ભારતના અનેક ઉદ્યોગોને પ્રતિકૂળ સ્થિતિ વેઠવી પડશે. ભારતીય અર્થતંત્ર ધીમી વૃદ્ધિથી પરેશાન છે ત્યારે ચીનમાં કામકાજ શરૂ નહીં થાય તો ચીન પર આધારિત ઘણા ઉદ્યોગોને વૈકલ્પિક સ્રોત શોધવાની જરૂર પડશે. આ સ્થિતિ માત્ર ભારતમાં જ નહીં બલ્કે વિશ્વના અન્ય દેશોમાં પણ જોવા મળશે.

આમ પણ વિવિધ પ્રતિકૂળતાઓના કારણે વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ ખોરવાઈ છે તે ટાણે કોરોના વાઈરસના પગલે પ્રતિકૂળતામાં વધારો થતા વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ ખોટકાવાની સાથે વૈશ્વિક મંદીનો માહોલ પ્રબળ થવાની ગણતરી નિષ્ણાંતો મુકી રહ્યા છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37xe5f1
via Latest Gujarati News

Post a Comment

0 Comments