વિકાસ પુરૂષ ગણાવતા નીતીશે કોઇ જ વિકાસ નથી કર્યો, બિહારમાં હજુ પણ 2005 જેવી સ્થિતિનો દાવો

નીતીશ ખુદને ગાંધીજીની વિચારધારામાં માનનારા ગણાવે છે પણ ગોડસેમાં માનતા લોકો સાથે હાથ મિલાવ્યા

પટના, તા. 18 ફેબ્રુઆરી, 2020, મંગળવાર

બિહાર જદ(યુ)ના પૂર્વ ઉપાધ્યક્ષ અને રાજકીય નિષ્ણાંત પ્રશાંત કિશોરે બિહારની ચૂંટણી પૂર્વે જ નીતીશ કુમારની સામે મોરચો ખોલ્યો છે. પ્રશાંત કિશોરે નીતીશ કુમારને સવાલો કરતા પૂછ્યું હતું કે તમે કોની તરફ છો ગોડ્સે તરફ કે ગાંધીજી તરફ? સાથે જ પ્રશાંત કિશોરે બિહારનું ભવિષ્ય કેવું રહેશે તે અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો અને ટોચના 10 રાજ્યોમાં બિહારનો સમાવેશ થાય તે માટેનો રોડ મેપ તૈયાર કર્યો હતો. 

પીકે તરીકે જાણીતા પ્રશાંત કિશોર બાત બિહાર કી અભિયાન શરૂ કરવા જઇ રહ્યા છે. જે અંતર્ગત તેઓએ બિહારની તસવીર કેવી રીતે બદલી શકાય તેનું લક્ષ્ય લોકોને જણાવ્યું હતું.

તેમણે હાલ બિહારમાં ઠેર ઠેર લોકો સમક્ષ આ લક્ષ્યની વાત કરવા માટે એક બાત બિહાર કી અભિયાન શરૂ કર્યું છે જેમાં યુવાઓ સહિતના લોકોને જોડી રહ્યા છે. સાથે જ વર્તમાન મુખ્ય પ્રધાન નીતીશ કુમાર પર પણ પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે નીતીશ કુમાર ખુદને વિકાસ પુરૂષ કહી રહ્યા છે છતા બિહારની સિૃથતિ 2005 જેવી કેમ છે?

એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતી વેળાએ પ્રષાંત કિશોરે કહ્યું હતું કે નીતીશ કુમાર માટા માટે પિતા સમાન હતા તેથી તેમની સામે મે કઇ જ બોલવાનું નહીં તેવું નક્કી કર્યું હતું. નીતીશ કુમાર હંમેશા કહેતા હતા કે તેઓ ક્યારેય પણ મહાત્મા ગાંધીજી, જેપી, લોહિયાના વિચારોને નહીં છોડી શકે. બીજી તરફ આ જ નીતીશ કુમાર એવા લોકોની સાથે કેમ સરકાર ચલાવી શકે કે જેઓ ગોડસેની વિચારધારામાં માને છે?

ગાંધી અને ગોડસે એમ બન્નેની વિચારધારા એક સાથે ન ચાલી શકે. જો તમારે ખરેખર ભાજપ સાથે જોડાવવું હોય તો મારે કોઇ જ તકલીફ નથી પણ તમે બન્ને બાજુ ન રહી શકો. સાથે જ પ્રષાંત કિશોરે એવો પણ દાવો કર્યો છે કે બિહારને એક શ્રેષ્ઠ રાજ્ય બનાવવા માટે હું મારી પુરી જિંદગી લગાવવા માટે તૈયાર છું.

પ્રશાંત કિશોરે નીતીશ કુમારની સાથે નરેન્દ્ર મોદી પર પણ પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે નીતીશ કુમાર કોઇ ગુજરાતી (નરેન્દ્ર મોદી)ના મેનેજર નથી પણ બિહારના કરોડો લોકોના નેતા છે. આગામી દિવસોમાં બિહારને એવું બનાવવાનું છે કે ગુજરાતના સુરતથી લોકો બિહારમાં કામ કરવા માટે આવશે. 

પ્રશાંત કિશોર પર પ્રહારો કરતા બાદમાં જદ(યુ)એ કહ્યું હતું કે પ્રશાંત કિશોરે તેમના બિઝનેસ પર ધ્યાન આપવું જોઇએ અને રાજકારણ ન રમવું જોઇએ. જદ(યુ)ના નેતા કે.સી. ત્યાગીએ કહ્યું હતું કે રાજકારણ ચા ભરેલો કપ નથી. પ્રશાંત કિશોરે તેમાં ન કુદવું જોઇએ અને પોતાનો વ્યાપાર ચલાવે રાખવો જોઇએ. પ્રશાંત કિશોરે સૌથી પહેલા ભાજપ અને નરેન્દ્ર મોદી માટે કામ કર્યું બાદમાં તેઓ કોંગ્રેસ જદ(યુ), ટીએમસી અને છેલ્લે તેઓ આમ આદમી પાર્ટી માટે કામ કરી ચુક્યા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38Je4pG
via Latest Gujarati News