
ઇંદોર, તા. 18 ફેબ્રુઆરી, 2020, મંગળવાર
પૂર્વ લોકસભા સ્પીકર અને ભાજપના વરીષ્ઠ નેતા સુમિત્રા મહાજને કહ્યું હતું કે સીએએ અને એનઆરસીના વિરોધમાં આટલી મોટી સંખ્યામાં મહિલાઓ વિરોધ પ્રદર્શન કરી રહી છે તેને જોઇને આનંદ થાય છે. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે ખરેખર મને શંકા છે કે આ મહિલાઓને સીએએ અને એનઆરસી કાયદા વિષે પુરી જાણકારી છે કે નહીં.
પત્રકારોની સાથે વાતચીત કરતા સુમિત્રા મહાજને કહ્યું હતું કે દિલ્હી હોય કે ઇંદોર બહુ જ મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ રસ્ત પર ઉતરી રહી છે અને વિરોધ પ્રદર્શન કરી રહી છે, આ જોઇ ને એક વાતનો એ પણ આનંદ થાય છે કે ભવિષ્યમાં જો મુસ્લિમ મહિલાઓની સાથે અન્યાય થશે તો તેઓ રસ્તા પર ઉતરીને તેનો પ્રતિકાર કરી શકે તેમ છે. સાથે જ મારે એ પણ જાણવું છે કે ખરેખર મુસ્લિમ મહિલાઓ આ નવા કાયદા અને એનઆરસી વગેરે અંગે પુરી જાણકારી ધરાવે છે કે કેમ?
સુમિત્રા મહાજને કહ્યું હતું કે હું ભગવાનને પ્રાર્થના કરૂં છું કે મુસ્લિમ મહિલાઓ આ દેશના વિકાસમાં મોટુ યોગદાન આપી શકશે. કેટલાક મુસ્લિમ નેતાઓ સીએએને કારણે ભાજપ છોડી રહ્યા છે જે અંગે જાણકારી આપતા સુમિત્રા મહાજને કહ્યું હતું કે મને લાગી રહ્યું છે કે આવા મુસ્લિમ નેતાઓએ તેમના સમાજના વિરોધનો સામનો કરવો પડી રહ્યો હશે અને તેની મુશ્કેલીને કારણે તેઓ આમ કરી રહ્યા હશે. જોકે મને પુરો વિશ્વાસ છે કે આવા રાજીનામા આપનારા મુસ્લિમ નેતાઓ પોતાના જ સમાજના લોકોને કાયદા અંગે સાચી જાણકારી આપી શકશે.
સુમિત્રા મહાજને મુસ્લિમ મહિલાઓના પ્રદર્શનનો ઉલ્લેખ કર્યો તેમાં તેઓએ નામ લીધા વગર શાહીન બાગની મુસ્લિમ મહિલાઓના પણ વખાણ કર્યા હતા. દિલ્હીના શાહીન બાગમાં બે મહિનાથી મુસ્લિમ મહિલાઓ સીએએ અને એનઆરસી તેમજ હવે એનપીઆરના વિરોધમાં ધરણા પ્રદર્શન કરી રહી છે. રવિવારે આ મહિલાઓેએ રસ્તા પર ઉતરીને માર્ચ પણ કાઢી હતી, તેવી જ રીતે અમદાવાદ, ઇંદોર, લખનઉ જેવા શહેરોમાં પણ મહિલાઓ દ્વારા નાના મોટા ધરણા યોજાઇ રહ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vJrOlN
via Latest Gujarati News
0 Comments