કેજરીવાલની વિવાદાસ્પદ ટ્વીટથી દિલ્હીની મહિલાઓ નારાજ થઈ

નવી દિલ્હી તા.8 ફેબ્રુઆરી 2020, શનિવાર

દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું મતદાન આજે શનિવારે સવારે શરૂ થઇ ગયું હતું. એ સમયે દિલ્હીના વર્તમાન મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કરેલી ટ્વીટથી દિલ્હીની મહિલાઓ રોષે ભરાઇ હતી.

‘તમામ મહિલાઓને ખાસ વિનંતી. તમે જેમ ઘર પરિવારની જવાબદારી સંભાળો છો એમ દિલ્હીની અને દેશની જવાબદારી પણ તમારા ખભા પર છે. આજે મતદાન કરવા જરૂર જજો, તમારા પતિ પિતાને પણ સાથે લઇ જજો. ઘરના પુરૂષો સાથે ચર્ચા વિચારણા કરજો કે કોને મત આપવો જોઇએ’ એવી ટ્વીટથી લોકો નારાજ થયા હતા. 

લોકોએ કેજરીવાલની આ ટ્વીટની આકરી ટીકા કરી હતી અને ટ્વીટર પર કેજરીવાલને ખખડાવ્યા હતા. એક વકીલે લખ્યું કે તમે શું એમ કહેવા માગો છો કે કોને મત આપવો એ વિશે મહિલાઓને અક્કલ નથી ?  તો એક મહિલાએ લખ્યું હતું કે નિર્ભયાના આરોપીઓને સિલાઈ મશીન અને 10 હજાર રૂપિયા આપનારાને મત નથી આપવો એવું મહિલાઓએ નક્કી કરી લીધું છે... અન્ય એક દિલ્હીવાસીએ કેજરીવાલને વળતો સવાલ કર્યો હતો કે તમે આવું લખીને મહિલાઓનું અપમાન નથી કરી રહ્યા ? શું મહિલાઓમાં એટલી સમજ નથી કે કોને મત આપવો જોઇએ ?

દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે આજે એક કરોડ 47 લાખ મતદારો મતદાન કરવાના છે. 2015ની વિધાનસભા ચૂંટણીમાં આપને 70માંથી 67 અને ભાજપને રોકડી ત્રણ બેઠક મળી હતી. કોંગ્રેસનું ખાતુંજ ખુલ્યું નહોતું.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vY95TD
via Latest Gujarati News

Post a Comment

0 Comments