
નવી દિલ્હી, તા. 17 ફેબ્રુઆરી, 2020, સોમવાર
કોંગ્રેસના નેતા મિલિંદ દેવરાએ દિલ્હીમાં જીત બદલ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની કામગીરીના વખાણ કર્યા હતા. જોકે આ વખાણને પગલે કોંગ્રેસના જ અન્ય એક નેતા અજય માકને દેવરાની ટીકા કરી હતી અને કહ્યું હતું કે જો ખરેખર અરવિંદ કેજરીવાલના વખાણ જ કરવા હોય તો દેવરાએ રાજીનામુ આપી દેવું જોઇએ.
આ પહેલા મિલિંદ દેવરાએ અરવિંદ કેજરીવાલના વખાણ કરતો એક વીડિયો ટ્વીટ કર્યો હતો, અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્ય પ્રધાન પદે શપથ ગ્રહણ કર્યા તે બાદ દેવરાએ આ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો અને કેપ્શન દ્વારા દેવરાએ કેજરીવાલ સરકારે રેવન્યૂ અને ખર્ચ વચ્ચે જે તાલમેલ જાળવી રાખ્યો તેના વખાણ કર્યા હતા.
જોકે દિલ્હીના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અજય માકને દેવરાએ વખાણ કર્યા તેની ટીકા કરી હતી અને કહ્યું હતું કે દેવરા અધુરૂ સત્ય શેર કરી રહ્યા છે અને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સાથે તેમણે સલાહ આપી હતી કે દેવરાએ જો આ જ રીતે અધુરૂ સત્ય શેર કરવું હોય તો તેમણે કોંગ્રેસને છોડી દેવી જોઇએ.
કોંગ્રેસને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં એક પણ બેઠક નથી મળી જેને પગલે સ્થાનિક નેતાગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. અજય માકન પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રહી ચુક્યા છે અને તેમણે દિલ્હીમાં અનેક ચૂંટણીઓ પણ લડી છે. એવામાં મિલિંદ દેવરાએ અરવિંદ કેજરીવાલના વખાણ કરતા અજય માકનની ટીકાનો ભોગ બનવુ પડયું હતું.
દિલ્હીમાં કેજરીવાલ સરકારના વખાણ થઇ રહ્યા હોવાનું કારણ સરકારની રેવન્યૂ અને બીજી તરફ ખર્ચ વચ્ચેનો તાલમેલ છે, કેમ કે દિલ્હીમાં વિજળી સ્વાસ્થ્ય સેવા વગેરે સસ્તી કરી દેવામાં આવી છે સાથે જ મહિલાઓ માટે ટ્રાન્સપોર્ટ સેવા પણ સસ્તી કે કેટલાક અંશે મફત કરી દેવામાં આવી હતી. આ સ્થિતિ વચ્ચે પણ નાણાકીય તાલમેલ કેવી રીતે જાળવી રાખ્યો તેને લઇને દેવરાએ વખાણ કર્યા હતા. જોકે તેમને ભારે પડી ગયા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HzQMH3
via Latest Gujarati News
0 Comments