Delhi Result: AAP આગળ હોવા છતાં મનોજ તિવારીએ ઓફિસમાં જશ્નની તૈયારી શરૂ કરી

નવી દિલ્હી, તા. 11 ફેબ્રુઆરી 2020 મંગળવાર

દિલ્હી વિધાનસભાની 70 બેઠકોની આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીમાં કાંટાની ટક્કર આમ આદમી પાર્ટી(આપ), બીજેપી અને કોંગ્રેસ વચ્ચે છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સતત ત્રીજી વખત નવી દિલ્હીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ત્યારે ડેપ્યુટી મુખ્યમંત્રી મનીષ સિસોદીયા પણ સતત ત્રીજી વખત પટપડગંજથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.

મત ગણતરી પહેલા દિલ્હી બીજેપીનાં અધ્યક્ષ મનોજ તિવારીએ મીડિયા સાથે વાત કરી હતી. તિવારીએ જણાવ્યું કે હું નર્વસ નથી, બીજેપીની દિલ્હી સ્થિત ઓફિસમાં જશ્નની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે ભગવાન હનુમાનજીનાં આશીર્વાદ લેવા જઈ રહ્યો છું, તે સારી વાત છે. તેમણે જણાવ્યું કે અમે સત્તામાં આવી રહ્યા છીએ અને જો અમે 55 બેઠકો જીતીએ તો નવાઈ નહીં.

મનોજ તિવારીએ જણાવ્યું કે દરેક વ્યક્તિએ પોત પોતાની મહેનતથી પરીક્ષા આપી છે અને હવે પરિણામનો દિવસ છે હું નર્વસ નથી. આજે પંડિત દિલ દયાળ ઉપાધ્યાયનો બલિદાન દિવસ છે. આજે એવો સંયોગ છે કે 11 ફેબ્રુઆરીએ ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. મને સારૂ લાગી રહ્યું છે કે આજે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં સારૂ થવાનું છે.

તેમણે જણાવ્યું કે હનુમાનજી અને રામજીનો દેશ છે. હનુમાનજી તો ભક્તિનાં પ્રતીક છે. એટલા માટે સારૂ છે કે હું ઈશ્વરનાં આશીર્વાદ લેવા જઈ રહ્યો છું. ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હું હવે પાર્ટીનાં કાર્યક્રમમાં જઈ રહ્યો છું. 

દિલ્હી વિધાનસભા 2020માં આ વખતે 672 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. જેમાં 593 પુરૂષ અને 79 મહિલા ઉમેદવારો છે. આ ચૂંટણીમાં કુલ 62.59 ટકા મતદાન થયું છે. જે વર્ષ 2015માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીનાં 67.49 ટકાની તુલનામાં લગભગ પાંચ ટકા ઓછું છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bmKmc1
via Latest Gujarati News

Post a Comment

0 Comments