
અમદાવાદ,16 માર્ચ -2020, સોમવાર
વાયરસના ફેલાવા કરતા પણ તેનો ભય અને ઇલાજની અફવાઓ વધુ ઝડપથી ફેલાઇ રહી છે. વિશ્વના ૧૩૭ દેશોમાં ૧.૫ લાખથ વધુ કોરોના વાયરસ ધરાવતા કેસો બન્યા છે જયારે ૬ હજારથી વધુના મોત થયા છે. ચીન,ઇટલી,સ્પેન અને ઇરાન સૌથી કોરોના પ્રભાવિત દેશો છે.દુનિયા ભરના સોશિયલ મીડિયામાં કોરોના વાયરસથી બચવા માટેના ઉપાયો અંગે મેસેજ ફરતા થઇ રહયા છે. જયારેથી જાણવામાં આવ્યું કે કોરોનાની પાકી સારવાર નથી કે રસી પણ શોધાઇ નથી ત્યારે કોરોનાથી બચવા માટે જેને ઠીક લાગે તેવા નૂસખાઓ આપે છે.

એમાં પણ ગરમી આવશે ત્યારે કોરોનોનો ખાતમો બોલી જશે, લસણ ખાવાથી કોરોનાનો નાશ થાય છે, દરરોજ ૧૫ મીનિટે પાણી પીતા રહો, દારુ પિઓ અને કોરોના ભગાવો વગરે નુસખાઓ સૌથી વધુ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહયા છે. ભારત જેવા દેશમાં ઉનાળો આવી રહયો છે અને તાપમાન વધવાની સાથે કોરોનાનો નાશ થશે એ ખૂબ ચાલી રહયું છે. આથી કોરોના સામે રક્ષણ ઉપાયો કરવાના સ્થાને ગરમીની રાહ જોવી ઠીક નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ એવું માનવાને કોઇ કારણ નથી કારણ કે જે દેશોમાં ગરમી પડી રહી છે ત્યાં પણ કોરોના ફેલાઇ રહયો છે.

કોરોના સંક્રમણથી બચવા માટે વારંવાર પાણી પીતા રહો એ પણ વાયરલ થઇ રહયું છે જેમાં દલીલ કરવામાં આવે છે કે દર ૧૫ મીનિટે પાણી પીવાથી મોંમાં આવેલો કોરોના વાયરસ સીધો પેટમાં જશે અને પેટમાં રહેલો હાઇડ્રો કલોરિક એસિડ તેને ખતમ કરી નાખશે. આમ તો પાણી પીવું એ સારી બાબત છે પરંતુ કોરોના વાયરસનો પેટમાં ખાતમો થાય છે એવું નિષ્ણાતોને કોઇ પ્રમાણ મળતું નથી. કોરોના વાયરસમાં લસણ ખૂબજ ઉપયોગી હોવાની વાત દુનિયાના ખૂણે ખૂણે ફેલાઇ છે. લસણ ઘર ઉપચાર અને આર્યુવેદમાં મહત્વનું છે પરંતુ તેનાથી કોરોના વાયરસનો નાશ થાય છે એ સાચું નથી. સાઉથ ચાઇના મોર્નિગ પોસ્ટમાં એક સમાચાર પ્રસારિત થયા હતા તે મુજબ એક મહિલાએ કોરોનાથી બચવા દોઢ કિલો લસણ ખાઇ લેતા ગળાની સારવાર લેવી પડી હતી.

જે લોકો આલ્હોકોલનું સેવન કરે છે એમને કોરોનાનો ખતરો ઓછો રહે છે એવું પણ પ્રસારિત કરવામાં આવી રહયું છે.ખાસ કરીને દારુ પીવાના શોખીનોને આ માન્યતા ખૂબજ પસંદ આવી રહી છે પરંતુ તે સાચી નથી. તેમ છતાં કોરોનાથી બચવા માટે વધુ દારું પિવાના ચકકરમાં ઇરાનમાં ૨૭ લોકોના મોત થયા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ડર,ગભરામણ અને આવી અફવાઓથી દૂર રહીને કોરોના વાયરસની મહાઆફતનો મકકમતાથી સામનો કરવા અનૂરોધ કર્યો છે જેમાં હાથ ધોવા, કોરોનાના લક્ષણો પ્રત્યે જાગૃત રહેવું, ભીડભાડથી દૂર રહેવું, જરુર જણાય તો કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવો વગેરે બાબતનો સમાવેશ થાય છે.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J4ylLv
via Latest Gujarati News
0 Comments