કોરોનાવાઈરસની અસર હળવી થવા સાથે દેશમાંથી ખાંડની નિકાસ ફરી વધવા અપેક્ષા


પૂણે, તા. 23 માર્ચ 2020, સોમવાર

કોરોનાવાઈરસને કારણે ખાંડના વૈશ્વિક ભાવ પર અસર પડી રહી હોવા છતાં ઈન્ડોનેશિયા ખાતેથી ભારતની ખાંડ માટેની માગમાં થયેલા વધારાને જોતા ભારતની ખાંડની નિકાસ ફરી વધશે એમ ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશને (ઈસ્મા) જણાવ્યું હતું. 

વર્તમાન ખાંડ મોસમમાં ૧૫મી માર્ચ સુધીમાં ખાંડ મિલોએ ૩૦ લાખ ટન્સ ખાંડ નિકાસ માટે રવાના કરી છે એમ ઈસ્મા દ્વારા જારી કરાયેલી યાદીમાં જણાવાયું હતું. બજારના સુત્રોના જણાવ્યા પ્રમાણે, ખાંડ મિલોએ અત્યારસુધી ૩૬થી ૩૭ લાખ ટન્સ ખાંડની નિકાસ માટે કરાર કર્યા છે. 

કોરોનાવાઈરસને કારણે હાલમાં વૈશ્વિક સ્તરે ઊભી થયેલી ગંભીર સ્થિતિએ ખાંડની કિંમતો પર અસર કરી છે પરંતુ આ અસર કામચલાઉ હશે એમ પણ ઈસ્માએ જણાવ્યું હતું.થાઈલેન્ડમાં ખાંડના ઉત્પાદનમાં થયેલા ઘટાડા તથા ઈન્ડોનેશિયાની સરકાર દ્વારા ભારત તથા અન્ય દેશો ખાતેથી ખાંડની આયાત વધારાતા ભારત માટે તેની ખાંડની નિકાસ વધારવાની તક ઊભી થઈ છે.

આ હકીકતને ધ્યાનમાં રાખી ભારતની ખાંડની નિકાસમાં ટૂંક સમયમાં વધારો થશે એમ ઈસ્મા દ્વારા દાવો કરાયો છે. કોરોનાવાઈરસને કારણે મિલો ખાતેથી છેલ્લા પંદર દિવસમાં ખાંડનો ઉપાડ ઘટી ગયો છે. 

નિકાસ માટેની ખાંડનો પૂરવઠો લગભગ પૂરો થઈ ગયો હોવાથી હવે ટૂંક સમયમાં મિલો ખાતેથી ઉપાડ ફરી શરૂ થવાની અપેક્ષા રખાઈ રહી છે. ખાંડની માગ નીકળવા સાથે ભાવમાં પણ મક્કમતા જોવા મળી શકે છે.

ઓકટોબર ૨૦૧૯થી શરૂ થયેલી વર્તમાન ખાંડ મોસમમાં ૪૫૭ ખાંડ મિલો  કાર્યરત રહી હતી અને ૧૫મી માર્ચ સુધીમાં ૨૧૫.૮૨ લાખ ટન્સ ખાંડનું ઉત્પાદન પૂરું થયું છે. ગયા વર્ષના ચોમાસામાં મહારાષ્ટ્રમાં શેરડીના વાવેતરવાળા વિસ્તારો કોલ્હાપુર તથા સાંગલીમાં ભારે વરસાદથી શેરડીના પાકને નુકસાન થયું હતું જેને કારણે આ વર્ષ મહારાષ્ટ્રમાં ખાંડના ઉત્પાદન પર અસર પડી હોવાનું પણ ઈસ્મા દ્વારા જણાવાયું છે. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UbZ3Ic
via Latest Gujarati News

Post a Comment

0 Comments