
આજની ઇન્ટ્રાડે લો સપાટીથી સેન્સેકસમાં 5381 અને નિફટીમાં 1604 પોઇન્ટનો ઐતિહાસિક ઊછાળો
કામકાજના અંતે સેન્સેકસ 1325 પોઇન્ટ ઊછળી 34103 : નિફટી પણ 365 પોઇન્ટ વધીને 9955
વિદેશી રોકાણકારોની રૂ. 6027 કરોડની વેચવાલી સામે સ્થાનિક સંસ્થાઓની રૂ. 5868 કરોડની ખરીદી
અમદાવાદ, તા.13 માર્ચ, 2020, શુક્રવાર
ભારતીય શેરબજારમાં આજે તા. 13 માર્ચના રોજ ઐતિહાસિક ઊથલપાથલ જોવા મળી હતી. કોરોના વાઇરસ સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ વૈશ્વિક શેરબજારોમાં ગઇકાલે ખાનાખરાબી બોલી ગયા બાદ આજે ભારતીય શેરબજારોમાં અકલ્પનીય વોલેટાલિટી જોવા મળી હતી.
આજે કામકાજના પ્રારંભમાં નિફટીમાં 10.07 ટકાનો કડાકો બોલી જતા નીચલી સર્કિટના અમલના પગલે શેરબજારો 45 મિનિટ માટે બંધ રહ્યા પછી ફરીથી કામકાજ શરૂ થવાની સાથે સેન્સેકસ અને નિફટી અનુક્રમે 29388 અને 8555ના તળિયે પટકાયા બાદ સ્થાનિક સંસ્થા અને ફંડો અને ખેલાડીઓ દ્વારા શોર્ટ કવરિંગ સાથે નવી લેવાલી હાથ ધરાતા સેન્સેકસમાં આજની ઇન્ટ્રાડે લો સપાટીથી 5381 પોઇન્ટનો અને નિફટીમાં પણ ઇન્ટ્રાડે લો સપાટીથી 1604 પોઇન્ટનો ઐતિહાસિક ઊછાળો નોંધાયો હતો. જો કે કામકાજના અંતે પાછલી સપાટીથી સેન્સેકસમાં 1325 અને નિફટીમાં 365 પોઇન્ટનો ઊછાળો નોંધાયો હતો.
ગઇકાલે (ગુરૂવારે) યુરોપ, એશિયાઈ શેરબજારોમાં કડાકા બાદ અમેરિકાના શેરબજારમાં પણ કડાકો બોલી જતા સતત બીજા દિવસે 15 મીનિટ ટ્રેડિંગ અટકાવાયા બાદ કામકાજના અંતે પ્રચંડ કડાકા સાથે જ ંબધ રહ્યા હતા. આમ, વૈશ્વિક શેરબજારોમાં ગઇકાલે ભારે ખાનાખરાબી નોંધાયા બાદ ભારતીય શેરબજારમાં આજે ભારે ઊથલપાથલ થવાની શક્યતાઓ પ્રબળ બની હતી.
ભારતીય શેરબજારોમાં આજે અપેક્ષા મુજબ ગાબડા સાથે જ થયો હતો. નિફટી તેની આગલી બંધ 9590.15 ની સપાટી સામે 9107.60ના મથાળે ખુલી ચોમેરથી આવેલ પેનીક સેલીંગના પગલે તુરંત જ 10.07 ટકાના કડાકા સાથે 8624.05ના તળિયે 5 ટકાના 10 ટકાની નીચલી સર્કિટ અમલી બની હતી. અને બજાર 45 મિનિટ માટે બંધ રહ્યું હતું. સેન્સેકસ પણ આગલી 32778.14ની બંધ સપાટી સામે 31214.13ના મથાળે ખુલી નીચલી સર્કિટે 3060.62 પોઇન્ટ તુટી 29687.52ના તળિયે ઊતરી આવ્યો હતો.
નીચલી સર્કિટનો કુલીંગ પીરિયડ પૂર્ણ થતા બજાર ફરીથી ખુલતા નિફટી પુન: તુટીને 8555.15ના તળિયે ખાબકયો હતો. જ્યારે સેન્સેકસ પુન: તુટીને 29388.97ના તળિયે પટકાયો હતો. આમ, બેઉ આગેવાન ઇન્ડેક્સ આજે ઇન્ટ્રાડે લો સપાટીએ પટકાયા બાદ સ્થાનિક સંસ્થાઓ, ફંડો તેમજ ખેલાડીઓ દ્વારા શોર્ટ કવરિંગ સાથે નવી લેવાલી હાથ ધરાતા અફડાતફડીના માહોલ વચ્ચે બજારમાં ઝડપી સુધારો નોંધાયો હતો.
આમ, સેન્સેકસ આજે તેની ઇન્ટ્રાડે લો સપાટીથી 5381.51 પોઇન્ટ ઊછળીને ઇન્ટ્રાડે વધીને 34769.48 ને સ્પર્શ્યા બાદ કામકાજના અંતે પાછલી બંધ સપાટીથી 1325.34 પોઇન્ટ ઊછળીને 34103.48ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ, સેન્સેકસમાં આજે 6000 પોઇન્ટની ઐતિહાસિક અફડાતફટી નોંધાઈ હતી.
નિફટી પણ આજે તેની ઇન્ટ્રાડે લો સપાટીથી 1604.25 પોઇન્ટ ઊછળીને ઇન્ટ્રાડે વધીને 10159.40ને સ્પર્શ્યા બાદ કામકાજના અંતે પાછલી બંધ સપાટીથી 433.50 પોઇન્ટ ઉછળીને 10023.65ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ, નિફટીમાં આજે 2000 પોઇન્ટની ઐતિહાસિક અફડાતફડી નોંધાઇ હતી.
સેન્સેકસમાં નોંધાયેલ ભારે ઊથલપાથલના અંતે આજે રોકાણકારોની સંપતિમાં (બીએસઇ માર્કેટ કેપ) રૂ. 3.56 લાખ કરોડનો વધારો થતા અંતે તે વધીને રૂ. 129.26 લાખ કરોડ રહ્યું હતું. ભારે વોલેટાલિટી વચ્ચે આજે વિદેશી રોકાણકારોએ રૂ. 6027 કરોડની વેચવાલી હાજર ધરી હતી. તો સામે સ્થાનિક સંસ્થાઓ દ્વારા રૂ. 5868 કરોડની ખરીદી કરાઇ હતી.
RBIના આશ્વાસન બાદ રૂપિયો 48 પૈસા સુધર્યો
અમદાવાદ, શુક્રવાર
બજારમાં તરલતાની સ્થિતિ જાળવવા જરૂરી તમામ પગલા ભરવાની રિઝર્વ બેંક તૈયારી દાખવ્યાના અહેવાલ પાછળ અમેરિકન ડોલર સામે રૂપિયામાં સંગીન સુધારો નોંધાયો છે.
હુંડિયામણ બજારમાં આજે અમેરિકન ડોલર સામે રૂપિયો 74.39ની નીચી સપાટીએ ખૂલ્યા બાદ ઇન્ટ્રા ડે તૂટીને 74.50ની સપાટીએ ઉતર્યા બાદ રિઝર્વ દ્વારા જરૂરી પગલા ભરવા તૈયારી દાખવતા તે ઝડપથી સુધરીને કામકાજના અંતે 48 પૈસા વધીને 73.80ની સપાટીએ મજબૂત રહ્યો હતો.
12 વર્ષ પછી નિફટીમાં 10 ટકા નીચલી સર્કિટ લાગતાં 45 મિનિટ ટ્રેડિંગ બંધ
10 ટકા, 15 ટકા, 20 ટકા સર્કિટ લિમિટના નિયમો પર નજર : અગાઉ 2008માં સર્કિટ અમલી બની હતી
(વાણિજ્ય પ્રતિનિધિ) મુંબઈ તા.13
કોરોના વાઈરસ વિશ્વમાં મહામારી બની જતાં અને અમેરિકાએ યુરોપના દેશોમાંથી લોકોના આવવા પર પ્રતિબંધ મૂકી દેતાં વૈશ્વિક બજારોમાં ગઈકાલે ડાઉ જોન્સમાં અસાધારણ કડાકાએ ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જને 15 મીનિટ માટે બંધ કરવાની ફરજ પડયા બાદ આજે ભારતીય શેર બજારોમાં ઐતિહાસિક નીચલી સર્કિટનો કડાકો બોલાઈ જતાં ભારતીય શેર બજારોને 45 મીનિટ બંધ કરવાની ફરજ પડી હતી.
નિફટી સ્પોટ ગઈકાલની તુલનાએ આજે આરંભમાં જ ખુલતાની સાથે 10.07 ટકાની એટલે કે 966.10 પોઈન્ટની નીચલી સર્કિટમાં 8624.05 આવી જતાં અને સેન્સેક્સ 3090.62 પોઈન્ટના કડાકાએ 29687.52ના તળીયે આવી જતાં સર્કિટ લિમિટના નિયમો મુજબ આજે 45 મીનિટ બજારો બંધ રાખવાની ફરજ પડી હતી.
જે કુલિંગ સમયગાળા બાદ ફરી ખુલતાં વધુ આંચકા આપીને સેન્સેક્સ નીચામાં 29388.97 અને નિફટી સ્પોટ 8555.15નું તળીયું બનાવી ગયા હતા, જે ઘટયામથાળેથી ઝડપી ઈન્ટ્રા-ડે એક દિવસીય ઐતિહાસિક રિકવર થઈ અંતે સેન્સેક્સ 1325.34 પોઈન્ટના ઉછાળે 34103.48 અને નિફટી સ્પોટ 433.50 પોઈન્ટના ઉછાળે 10,023.65 બંધ રહ્યા હતા.
સર્કિટ ફિલ્ટર્સના નિયમો મુજબ જો બજાર ખુલ્યાના એક વાગ્યા પહેલા 10 ટકા સર્કિટ નીચલી અથવા ઉપલી લાગે તો બજારને 45 મીનિટ માટે બંધ કરવાનું રહે છે. જ્યારે બપોરે એક વાગ્યા થી 2:30 વાગ્યા દરમિયાન સર્કિટ લાગે તો 15 મીનિટ બજાર કુલીંગ પીરિયડમાં બંધ રાખવાનું રહે છે, પરંતુ જો 2:30 વાગ્યા બાદ આ સર્કિટ કોઈપણ તરફની લાગે તો કોઈ વિરામ કે હોલ્ટ રહેતો નથી.
આજ પ્રમાણે સર્કિટ ફિલ્ટરના નિયમો મુજબ જો એક વાગ્યા પૂર્વે નિફટી કે સેન્સેક્સ 15 ટકા તૂટી જાય કે એટલું વધી જાય તો પોણા બે કલાક માટે કુલીંગ પીરિયડ તરીકે બજાર બંધ રાખવાનું રહે છે, જ્યારે એક વાગ્યા થી બે વાગ્યા સુધીમાં 15 ટકા તૂટી જાય કે વધી જાય તો 45 મીનિટનો વિરામ રહે છે અને જો બે વાગ્યા બાદ 15 ટકા તૂટી અથવા વધી જાય તો બાકીનો સમય બજાર પૂર્ણ બંધ રાખવાનું રહે છે. જ્યારે દિવસના કોઈપણ સમયે સેન્સેક્સ કે નિફટીમાં 20 ટકાની સર્કિટ કોઈપણ બાજુ લાગે તો બાકીના પૂર્ણ સમય માટે બજારમાં ટ્રેડીંગ બંધ રાખવાનું રહે છે.
બીએસઈ અને એનએસઈ દૈનિક ધોરણે પાછલા દિવસના ઈન્ડેક્સોના બંધ લેવલના ધોરણે નજીકના ટિક સાઈઝના રાઉન્ડ ઓફ્ફ લેવલે 10 ટકા, 15 ટકા અને 20 ટકાની ઈન્ડેક્સ સર્કિટ બ્રેકર લિમિટની ગણતરી કરે છે. જે મુજબ જો નિફટી 50 ઈન્ડેક્સ 12,માર્ચ 2020ના 9590 બંધ રહ્યો હોય તો એ માટે પછીના દિવસે સર્કિટ ફિલ્ટર ટ્રીગર લિમિટ કોઈપણ તરફની 10 ટકા એટલે કે 959 પોઈન્ટ, 15 ટકા એટલે કે 1438 પોઈન્ટ અને 20 ટકા એટલે કે 1918 પોઈન્ટની રહે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TP26G8
via Latest Gujarati News
0 Comments