કમ્પ્યુટરમાં ઘૂસવા કોરોનાના નકશાનો ઉપયોગ કરતા હેકર્સ


વોશિંગ્ટન, તા. 12 માર્ચ, 2020, ગુરૂવાર

કોરોના વાઈરસે સમગ્ર વિશ્વામાં હાહાકાર મચાવ્યો છે. ચીનમાં માણસમાંથી પ્રાણીમાં કોરોના વાઇરસ પ્રસર્યો હોવાનો કિસ્સો પણ બહાર આવ્યો છે. આવા સંજોગોમાં હવે તમારા કમ્પ્યુટર પણ કોરોના વાઇરસથી સલામત નથી.

હેકર્સ કોરોના વાઇરસના નકશાના સહારે તમારા કમ્પ્યુટરમાં ઘૂસીને તમારી મૂલ્યવાન માહિતીઓ ચોરી શકે છે. સંશોધકોએ દાવો કર્યો છે કે એઝોરોલ્ટ નામનું સોફ્ટવેર તમારા કમ્પ્યુટરમાંથી પાસવર્ડ્સ અને ક્રીપ્ટોકરન્સી સહિતની માહિતી ચોરી શકે છે. 

કોરોના વાઇરસ વૈશ્વિક મહામારી બની ગયો છે ત્યારે બધા જ લોકો વિશ્વમાં ક્યાં ક્યાં કોરોના ફેલાયો છે તેની નજર રાખવા પ્રયાસ કરે છે. કેટલીક સંસ્થાઓએ લોકોને સુવિધા માટે કોરોના પર નજર રાખવા વિશેષ ડેશબોર્ડ બનાવ્યા છે. પરંતુ હવે હેકર્સ આ પ્રકારના ડેશબોર્ડ મારફત તમારા કમ્પ્યુટર્સમાં માલવેર ઘૂસડવા પ્રયાસ કરી રહ્યાં છે.

એક અગ્રણી સલામતી સંશોધક સહાય અલફાસીએ જણાવ્યું હતું કે હેકર્સ આ નકશાઓનો ઉપયોગ કરીને તમારા બ્રાઉઝરમાં સંગ્રહિત યુઝર નામ, પાસવર્ડ, ક્રેડિટ કાર્ડના આંકડા અને અન્ય માહિતી સહિત યુઝર્સની બધી જ મહત્વપૂર્ણ માહિતી ચોરી લે છે. હુમલાખોરોએ તમને કોરોના વાઇરસથી અપડેટ રાખવા માટે એક એપ્લિકેશન વિકસાવી છે. આ એપ્લિકેશનને ઈન્સ્ટોલેશનની જરૂર નથી પડતી.

તે કોરોના વાઇરસ કેવી રીતે ફેલાઈ રહ્યો છે તેનો તમને નકશો બતાવે છે. જોકે, હુમલાખોરો આ માર્ગે તમારા કમ્પ્યુટરમાં એક બિનરી ફાઈલ જનરેટ કરે છે, જે તમારા કમ્પ્યુટરમાંથી માહિતી ચોરે છે. હાલમાં માલવેર માત્ર વિન્ડોસ પર જ અસર કરતાં હતાં, પરંતુ હુમલાખોરોનું નવું વર્ઝન કદાચ અન્ય સિસ્ટમ્સને પણ અસર કરી શકે છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33bPaxc
via Latest Gujarati News

Post a Comment

0 Comments