
દેશના ન્યાયતંત્ર સાથે અપરાધીઓની 'સાપસિડી'ની રમત પૂરી થઈ
બે મહિનામાં દોષિતોના ત્રણ વખત ડેથ વોરંટ રદ થયાં, દોષિતોના ચહેરા પર કોઈ વ્યગ્રતા નહોતી: જેલની બહાર લોકોનો 'નિર્ભયા તુમ અમર રહો', 'ભારત માતા કી જય'ના સૂત્રોચ્ચાર
મુકેશે ફાંસીના અંતિમ સમય પહેલાં અંગદાન કર્યું જ્યારે વિનયે જેલમાં બનાવેલા ચિત્રો દાનમાં આપ્યા
નવી દિલ્હી,તા.20 માર્ચ 2020 શુક્રવાર
દિલ્હીમાં પેરા મેડિક્સની વિદ્યાર્થીની 'નિર્ભયા' પર સામુહિક બળાત્કાર ગુજારનારા ચાર દોષિતોને અંતે શુક્રવારે વહેલી પરોઢે એક સાથે ફાંસી આપી દેવાઈ હતી. આ સાથે સમગ્ર દેશને હચમચાવી દેનારા નિર્ભયા કેસના દોષિતોને ફાંસીના માંચડે લટકાવવાનની સાથે એક કાળા પ્રકરણનો અંત આવ્યો છે. નિર્ભયા પર ૧૬મી ડિસેમ્બર ૨૦૧૨ના રોજ અત્યંત ક્રૂરતાપૂર્વક કરવામાં આવેલા સામૂહિક બળાત્કારે આખા રાષ્ટ્રને હચમચાવી નાંખ્યું હતું અને દેશને બળાત્કાર સામે કડક કાયદા બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકયો હતો. આખરે મુકેશ સિંહ (૩૨), પવન ગુપ્તા (૨૫), વિનય શર્મા (૨૬) અને અક્ષય કુમાર સિંહ (૩૧)ને શુક્રવારે વહેલી સવારે ૫.૩૦ વાગ્યે તિહાર જેલમાં ફાંસી પર લટકાવી દેવાયા હતા.
દિલ્હીમાં પેરા મેડિક્સની વિદ્યાર્થીની 'નિર્ભયા' પર સામુહિક બળાત્કાર ગુજારનારા ચાર દોષિતોને અંતે શુક્રવારે વહેલી પરોઢે એક સાથે ફાંસી આપી દેવાઈ હતી. આ સાથે સમગ્ર દેશને હચમચાવી દેનારા નિર્ભયા કેસના દોષિતોને ફાંસીના માંચડે લટકાવવાનની સાથે એક કાળા પ્રકરણનો અંત આવ્યો છે. નિર્ભયા પર ૧૬મી ડિસેમ્બર ૨૦૧૨ના રોજ અત્યંત ક્રૂરતાપૂર્વક કરવામાં આવેલા સામૂહિક બળાત્કારે આખા રાષ્ટ્રને હચમચાવી નાંખ્યું હતું અને દેશને બળાત્કાર સામે કડક કાયદા બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકયો હતો. આખરે મુકેશ સિંહ (૩૨), પવન ગુપ્તા (૨૫), વિનય શર્મા (૨૬) અને અક્ષય કુમાર સિંહ (૩૧)ને શુક્રવારે વહેલી સવારે ૫.૩૦ વાગ્યે તિહાર જેલમાં ફાંસી પર લટકાવી દેવાયા હતા.
બળાત્કારના આઠ વર્ષે દોષિતોને ફાંસી
દિલ્હીમાં ૧૬મી ડિસેમ્બર ૨૦૧૨ના રોજ મોડી રાતે એક બસમાં રસ્તાઓ પર ફરતાં ૨૩ વર્ષીય 'નિર્ભયા' પર બળાત્કાર ગુજાર્યાના લગભગ આઠ વર્ષ પછી તેના દોષિતોને ફાંસીના માંચડે લટકાવાયા હતા. ચારેય દોષિતોને ફાંસી અપાયાના સમાચાર આવતાં જ જેલની બહાર ઊભા રહેલા ટોળાએ 'નિર્ભયા તુમ અમર રહો', 'ભારત માતા કી જય'નો જયઘોષ કર્યો હતો.
દેશની અન્ય પુત્રીઓ માટેની લડત ચાલુ રહેશે: નિર્ભયાની માતા ચારેય દોષિતોને ફાંસીના સમાચાર મળતાં નિર્ભયાની માતા આશા દેવીએ રાહતનો શ્વાસ લીધો હતો અને તેમણે કહ્યું કે આખરે નિર્ભયાનો ન્યાય માટેનો સંઘર્ષ પૂરો થયો છે. આશા દેવી માટે દોષિતોને ફાંસી સુધી પહોંચાડવાનો માર્ગ સરળ નહોતો. તેમણે અને તેમના પરિવારે આ માટે સખત સંઘર્ષ કરવો પડયો. આખી રાતના ઊજાગરા પછી ઘરે પાછા ફરેલાં આશા દેવીએ કહ્યું કે, આખરે અમને ન્યાય મળ્યો છે. જોકે, ભારતની અન્ય પુત્રીઓ માટે ન્યાયની અમારી લડત ચાલુ રહેશે. નિર્ભયાના દોષિતોએ છેલ્લી ઘડી સુધી જીવવા માટે વલખાં માર્યા હતા.
દોષિતો રાત્રે ૨.૩૦ વાગ્યે સુપ્રીમ પહોંચ્યા છેલ્લે ગઈકાલે દોષિતો વિનય અને અક્ષયે તેમના વકીલ એન. કે. સિંહ મારફત ફાંસી પર લટકવાના કેટલાક કલાક પહેલાં જ દિલ્હી અને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. સુપ્રીમ કોટેમાં જસ્ટિસ ભાનુમતિની બેન્ચે મોડી રાતે ૨.૩૦ વાગ્યે લગભગ એક કલાક સુધી દોષિતોના વકિલોની દલીલો સાંભળી હતી.
આખરે ૩.૩૦ વાગ્યે સુપ્રીમ કોર્ટે નિર્ભયાના દોષિતોની અરજી ફગાવી દીધી હતી. આ સમયે સુપ્રીમે પવન અને અક્ષયના પરિવારોને અંતિમ વખત મળવાની વિનંતી પર પણ કોઈ નિર્દેશો આપ્યા નહોતા.પરિણામે આખરે શુક્રવારે ૫.૩૦ વાગ્યે ચારેય દોષિતોને ફાંસી આપી દેવાઈ હતી.

તિહારમાં પહેલી વખત એક સાથે ચારને ફાંસી
તિહાર જેલમાં સૌપ્રથમ વખત એક સાથે ચાર વ્યક્તિને ફાંસી આપવામાં આવી હતી. જેલના અધિકારીઓ જણાવ્યા મુજબ અક્ષયનો મૃતદેહ બિહારના ઔરંગાબાદમાં તેના ગામડે લઈ જવાશે જ્યારે મુકેશનો મૃતદેહ તેના પરિવારજનો રાજસ્થાન લઈ ગયા હતા. વિનય અને પવનના મતૃદેહ દક્ષિણ દિલ્હીમાં રવિદાસ કેમ્પમાં તેમના ઘરે લઈ જવાયા હતા.
દોષિતોના અંતિમ ઘડી સુધી જીવવા હવાતીયાં
નિર્ભયાના ચારેય દોષિતોએ જીવવા માટે હવાતીયાં મારતા કાયદાકીય રીતે ઉપલબ્ધ દરેક પ્રકારના માર્ગો અને છટકબારીઓનો ઉપયોગ કરી લીધા પછી અંતે તેમને ફાંસી અપાઈ હતી. જોકે, ૨૨મી જાન્યુઆરીએ સૌપ્રથમ વખત તેમના ડેથ વોરંટ જાહેર થયાના બે મહિનામાં તેમણે ફાંસીથી બચવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. આ સમયમાં ત્રણ વખત તેમના ડેથ વોરંટ રદ કરવા પડયા હતા. અંતે પાંચમી માર્ચે પટિયાલા કોર્ટે ચારેય દોષિતોને ૨૦મી માર્ચે ફાંસી પર લટકાવવા અંગે ચોથું ડેથ વોરંટ ઈશ્યુ કર્યું હતું.
ચારેયને અડધો કલાક લટકાવી રખાયા
જેલના અધિકારીઓએ જણાવ્યું કે ચારેયના મૃતદેહને લગભગ અડધો ક્લાક સુધી ફાંસીના માંચડા પર લટકાવી રાખવામાં આવ્યા હતા. જેલ મેન્યુઅલ મુજબ ફાંસી પછીની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી. ત્યાર બાદ ચારેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ડીડીયુ હોસ્પિટલમાં લવાયા હતા અને ત્યાંથી અંતિમ ક્રિયા માટે તેમના પરિવારોને સોંપવામાં આવ્યા હતા.
ચારે દોષિતોએ ફાંસી પહેલાં સવારનો નાસ્તો ન કર્યો
ફાંસીની કેટલીક મીનીટો પહેલાં મુકેશે અંગદાન અને વિનયે જેલમાં તેણે બનાવેલા ચિત્રો દાનમાં આપવાની અને તેની 'હનુમાન ચાલિસા' તેના પરિવારને આપવાની વાત કરી હતી તેમ અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું. ચારેય દોષિતોના અંતિમ કલાકો અંગે જેલના એક અધિકારીએ જણાવ્યું હતું કે વિનય અને મુકેશે રાત્રે ભોજન કર્યું હતું, પરંતુ ચારેમાંથી કોઈએ સવારનો નાસ્તો નહોતો લીધો અથવા ફાંસી પહેલાં કરવામાં આવતું સ્નાન પણ નહોતું કર્યું. વિનય અને મુકેશે સાંજે રોટલી, શાક, દાળ, ભાત ખાધા હતા તેમ અધિકારીએ જણાવ્યું હતું. સાંજે ચારેય દોષિતોના ચહેરા પર કોઈ વ્યગ્રતા જોવા મળી નહોતી.
ફાંસીથી બચવા અંતિમ ઘડી સુધી હવાતિયાં માર્યા હતા
પવન-અક્ષયની અરજી માટે રાત્રે ૨.૩૦ વાગ્યે સુપ્રીમ કોર્ટ ખુલી હતી
'સગીર છું, પરિવારને મળવા દો' સહિતની અપરાધીની બધી દલીલો પરોઢિયે ૩.૧૫ કલાકે સુપ્રીમે ફગાવી
નિર્ભયાના ચારેય અપરાધીઓએ ફાંસીથી બચવા માટે છેલ્લા સમય સુધી હવાતિયા માર્યા હતા. ચારેયની ક્યૂરેટિવ પિટિશન, દયા અરજીઓ ફગાવી દેવામાં આવી હતી છતા ચાર પૈકી એક પવન કુમાર ગુપ્તાએ ફરી એક અરજી કરી હતી. રાષ્ટ્રપતિએ જે દયા અરજી ફગાવી દીધી તેને પડકારતી અરજી તેણે કરી હતી. જોકે આ અરજીને અપરાધીઓને અટકાવવામાં આવ્યા તેના થોડા સમય પહેલા જ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ આર બાનુમતી, અશોક ભુષણ, એસ.એ. સોપન્નાએ પવનની અરજીની સુનાવણી મધરાતે ૨.૩૦ કલાકે કરી હતી. ગુપ્તા અને અક્ષયે પોતાના પરિવારને મળવા માટે પણ માગણી કરી હતી જોકે અગાઉ તેઓ પરિવારને મળી ચુક્યા હતા તેથી આ માગણીને પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. બેંચે કહ્યું હતું કે આ અરજીમાં એવું કઇ નથી કે જેનાથી રાષ્ટ્રપતિએ દયા અરજી ફગાવી તેને અટકાવી શકાય કે તે અંગે કોઇ આદેશ આપી શકાય. જ્યારે કોઇ ટોચના સત્તાધીશ આ નિર્ણય લેતા હોય છે ત્યારે તેઓએ યોગ્ય વિચારણા હેઠળ જ આ નિર્ણય લીધો હોય છે.
પવનની અરજી ફગાવતાની સાથે જ ચારેયને લટકાવી દેવાનો માર્ગ મોકળો થઇ ગયો હતો તેથી બાદમાં ચારેયને તિહાર જેલ અધિકારીઓએ લટકાવી દીધા હતા.
જ્યારે દલિલો ચાલી રહી હતી ત્યારે અપરાધીએ એવી પણ દલીલ કરી હતી કે જ્યારે આ ઘટના બની ત્યારે મારી ઉંમર ૧૬ વર્ષની જ હતી અને કાયદા પ્રમાણે તે સમયે હું સગીર વયનો હતો. જોકે જ્યારે સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય મધરાતે ૩.૧૫ કલાકે ફગાવી દીધો હતો ત્યારે પોતાના અવલોકનમાં સ્પષ્ટતા કરી હતી કે આ સગીર વયની દલીલો અને તેના પુરાવા અગાઉ સુપ્રીમ, ટ્રાયલ અને હાઇકોર્ટમાં પણ રજુ કરાયા હતા અને બધા જ પુરાવા જુઠા સાબિત થતા તેને ફગાવી દેવામા આવ્યા હતા.
કોર્ટમાં દિલ્હી અને કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા હતા, તેઓએ પણ સગીર વયનો હોવાના અપરાધીના દાવાને નકારી દીધા હતા.
પવન અને અક્ષયે એવી માગણી કરી હતી કે અમને ફાંસીએ લટકાવવામાં આવે તેના ૧૫ મિનિટ પહેલા માત્ર થોડા સમય માટે અમારા માતા પિતાને મળવા દેવાની છુટ આપવામાં આવે. જોકે આ દલિલોનો વિરોધ કરતા સોલિસિટર જનરલે કહ્યું હતું કે જો આ પ્રકારની અનુમતી આપવામાં આવે તો પરિવારજનો અને અપરાધી બન્ને માટે દુઃખદ ગણાશે. અંતે સુપ્રીમ કોર્ટે બધી જ માગોને ફગાવી દીધી હતી તે સમયે પરોઢના ૩.૧૫ કલાકનો સમય થઇ ગયો હતો અને અંતે બે કલાક બાદ ચારેયને તિહાર જેલમાં ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા હતા.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QxbV9A
via Latest Gujarati News
0 Comments