નિર્ભયાના ચારેય અપરાધીઓને કાલે પરોઢે ફાંસીએ લટકાવાશે


નવી દિલ્હી,તા.18 માર્ચ 2020 બુધવાર 

નિર્ભયાના ચારેય અપરાધીઓને ૨૦મીએ ફાંસીએ લટકાવવામાં આવશે. હાલ જલ્લાદ પણ તિહાર જેલમાં પહોંચી ગયો છે જ્યારે જેલ પ્રશાસને અપરાધીઓને ફાંસીએ લટકાવવાની ટ્રાયલ પણ હાથ ધરી હતી.

પાંચમી માર્ચે દિલ્હીની ટ્રાયલ કોર્ટે ચારેય અપરાધીઓને ૨૦મી તારીખે ફાંસીએ લટકાવવા માટે ડેથ વોરંટ જાહેર કરી દીધુ હતું, આ અત્યાર સુધીનું ચોથુ ડેથ વોરંટ છે જેનો આખરે અમલ થવા જઇ રહ્યો છે. બીજી તરફ ફાંસીનો સમય નજીક આવતા ચારેય અપરાધીઓ આકુળ વ્યાકુળ થઇ રહ્યા છે અને બચવા માટે હવાતિયા મારી રહ્યા છે. 

૩૨ વર્ષીય મુકેશ, ૨૫ વર્ષના પવન, ૨૬ વર્ષના વિનય અને ૩૧ વર્ષના અક્ષયને શુક્રવારે વહેલી સવારે ૫.૩૦ કલાકે ફાંસીએ લટકાવી દેવામાં આવશે. તિહાર જેલમાં પ્રથમ વખત એવુ બનશે કે એક સાથે ચાર અપરાધીઓને ફાંસીએ લટકાવવામાં આવશે. જ્યારે દક્ષિણ એશિયાની સૌથી મોટી જેલોની સરખામણીએ પણ આવું પહેલી વખત થવા જઇ રહ્યું છે. આ કેસમાં કુલ છ અપરાધીઓ હતા, જેમાં એકનું જેલમાં જ મોત નિપજ્યું હતું જ્યારે એક સગીર હોવાથી છુટી ગયો છે, તેથી બચેલા ચારેય અપરાધીઓનો પણ શુક્રવારે અંત આવી જશે. ચારેય અપરાધીઓને પવન નામના જલ્લાદ ફાંસી આપશે, તેમના દાદાએ ઇંદિરા ગાંધીના હત્યારાઓ અને રંગા બિલ્લાને ફાંસીએ લટકાવ્યા હતા. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3de14ei
via Latest Gujarati News

Post a Comment

0 Comments