
ટોક્યો,તા.18 માર્ચ 2020 બુધવાર
ભારતીય સેનાએ પાયદળ સૈનિકો મામલે પાડોશી દેશ ચીનને પાછળ રાખી દીધો છે અને તાજેતરના આંકડાઓ પ્રમાણે ચીન હવે પાયદળ સૈનિકોની યાદીમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે.
ચીન અને પાકિસ્તાન આ બંને મોરચેથી જોખમનો સામનો કરી રહેલા ભારતના પાયદળ સૈનિકોની સંખ્યા વધીને આશરે ૧૨ લાખ ૪૦ હજાર થઈ ગઈ છે. ભારતીય સેના પાસે હાલ સૌથી વધારે પાયદળ છે જ્યારે તેના પછીના ક્રમે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની સેનાનો નંબર આવે છે. જાપાનના સંરક્ષણ મંત્રાલયે બહાર પાડેલા તાજેતરના અહેવાલ પ્રમાણે ઉત્તર કોરિયન સેનામાં પાયદળના સૈનિકોની સંખ્યા ૧૧ લાખ છે અને ચીની સેનામાં પાયદળના સૈનિકોની સંખ્યા ૯.૮ લાખ જેટલી બચી છે.
અહેવાલ પ્રમાણે ચીન હાલમાં પોતાની સેનાને વધારે ઘાતક અને શક્તિશાળી બનાવવા માટે મોટા પ્રમાણમાં સુધારાઓ કરી રહ્યું છે અને તે ચીનની સેનાના ઈતિહાસમાં સૌથી મોટો સુધારો છે. ચીનના રાષ્ટ્રપતિએ નવેમ્બર ૨૦૧૫માં સૈન્ય સુધારાઓની શરુઆત કરી હતી અને ૨૦૨૦ સુધીમાં સૈન્ય સુધારા પૂર્ણ થવાનો લક્ષ્ય રાખ્યો હતો. ચીને હવે પોતાની સેનામાં થિએટર કમાન્ડ માળખું લાગું કર્યું છે જેના અંતર્ગત ત્રણ લાખ સૈનિકોને ઘટાડવામાં આવ્યા છે. ચીને પોતાની સેનાને પાંચ થિએટરમાં વહેંચી દીધી છે તથા રોકેટ ફોર્સ, સ્ટ્રેટેજિક સપોર્ટ ફોર્સ અને લોજિસ્ટિક સપોર્ટ ફોર્સની રચના કરી છે. આ સંપૂર્ણ કવાયતનો ઉદ્દેશ્ય ૨૧મી સદીમાં ચીનની સેનાને વિશ્વની સૌથી શક્તિશાળી સેના બનાવવાનો છે.
ચીન ખૂબ જ ઝડપથી પોતાની સેનાને સંખ્યા અને ગુણવત્તાની દૃષ્ટિએ વધુ યોગ્ય બનાવી રહ્યું છે. સાથે જ ચીનનું સંપૂર્ણ ધ્યાન હાલ પરમાણુ હથિયારો, મિસાઇલ, નેવી અને વાયુ સેના પર હોવાથી તેણે સૈનિકોની સંખ્યા ઘટાડી હોવાનું માનવામાં આવે છે. ચીન હાલમાં સ્પેસ, સાઈબર અને લેઝર વેપનને વધું મહત્વ આપી રહ્યું છે. આ તરફ ચીન અને પાકિસ્તાનથી ઘેરાયેલું ભારત સતત પોતાની સેનાને આધુનિક બનાવી રહ્યું છે અને તેના માટે અમેરિકાથી લઈને રશિયા પાસેથી હથિયાર ખરીદી રહ્યું છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33zYlaP
via Latest Gujarati News
0 Comments