
વોશિંગ્ટન, તા. 20 એપ્રિલ 2020, સોમવાર
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા પ્રમાણે કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાએ ભારત સહિત વિશ્વના 10 દેશોની તુલનામાં સૌથી વધારે પરીક્ષણ કર્યા છે. ટ્રમ્પે કોરોના સામેના યુદ્ધમાં અમેરિકાએ સતત પ્રગતિ જાળવી રાખી હોવાનું અને અત્યાર સુધીમાં 4.18 મિલિયન એટલે આશરે 42 લાખ લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું જે એક રેકોર્ડ સમાન આંકડો છે.
અમેરિકાએ 10 દેશો કરતા વધુ પરીક્ષણ કર્યા
વ્હાઈટ હાઉસ ખાતેની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકાએ ફ્રાંસ, બ્રિટન, દક્ષિણ કોરિયા, જાપાન, સિંગાપુર, ભારત, ઓસ્ટ્રિયા, ઓસ્ટ્રેલિયા, સ્વીડન અને કેનેડાની તુલનામાં ઘણા વધારે પરીક્ષણો કર્યા છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં કોરોના વાયરસના કારણે મરનારા લોકોનો આંકડો 40,000ને પાર કરી ગયો છે અને 7,64,000થી પણ વધારે લોકોને તેનો ચેપ લાગેલો છે.
વધુમાં જણાવ્યું કે, ઈટાલી અને સ્પેન જેવા દેશોએ શરૂઆતમાં લોકડાઉન માટેની તૈયારી ન દર્શાવીને ભારે મોટી કિંમત ચુકવવી પડી છે. અમેરિકામાં પણ લોકડાઉન લાગુ કરવામાં ન આવેત તો લાખો લોકો માર્યા જવાની સંભાવના હતી. સાથે જ તેમણે અમેરિકી પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે જે પગલા લેવામાં આવી રહ્યા છે તેને યાદ કરીને અમેરિકાના પ્રદર્શનની પ્રશંસા કરી હતી.
તેમણે સિએટલ, ડેટ્રોઈટ, ન્યૂ ઓર્લિયન્સ, ઈંડિયાનાપોલિસ અને હ્યુસ્ટન સહિતના મેટ્રો ક્ષેત્રમાં નવા કેસની સંખ્યા ઘટી રહી હોવાનું જણાવીને લોકોને દેશ સુરક્ષિત રહેશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VLtSmL
via Latest Gujarati News
0 Comments