
- ચીન, અમેરિકા તથા આર્જેન્ટિનાથી નિકાસ રૂંધાતાં... ઘરઆંગણે જોકે દેશી તથા આયાતી ખાદ્યતેલોમાં આગળ વધેલો ઘટાડો
મુંબઈ, તા. 3 એપ્રિલ 2020, શુક્રવાર
મુંબઈ તેલ-તેલીબિયાં બજારમાં આજે વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. નવા વેપારો છૂટાછવાયા હતા, સામે વિશ્વબજારના સમાચારો નરમાઈ બતાવનારા મળતાં ઘરઆંગણે માનસ વેચવાનું હતું. મલેશિયા ખાતે આજે પામતેલનો વાયદો વધુ ૬૩ પોઈન્ટ તૂટયો હતો, જ્યારે ત્યાં પામ પ્રોડક્ટના ભાવ ૫થી ૭.૩૦ ડોલર આજે નીચા બોલાઈ રહ્યા હતા.
અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૧૯ પોઈન્ટ વધ્યા પછી આજે સાંજે પ્રોજેક્શનમાં ભાવ વધુ ૩ પોઈન્ટ પ્લસમાં રહ્યાના નિર્દેશો હતા. અમેરિકા અને યુરોપમાં તેમ જ એશિયાના વિવિધ દેશોમાં કોરોના વાયરસનો ફેલાવો વધતાં આ દેશોની પામતેલ માટેની માગ મલેશિયા તથા ઈન્ડોનેશિયામાં ઘટી રહ્યાના સમાચાર હતા.
દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ પામતેલના ઘટી રૂ.૭૫૦થી રૂ.૭૫૫, જ્યારે ક્રૂડ પામ ઓઈલ (સીપીઓ) કંડલાના ભાવ ઘટી રૂ.૬૪૦ બોલાયા હતા. વાયદા બજારમાં આજે સીપીઓ વાયદો ગબડતાં નીચામાં ત્રણ ટકાની મંદીની સર્કિટ લાગી હતી. તથા તેની સાથે સોયાતેલનો વાયદો પણ તૂટી રૂ.૮૦૦ની અંદર ઊતરી ગયો હતો.
મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ ઘટી સિંગતેલના રૂ.૧,૩૪૦, કપાસિયા તેલના રૂ.૮૫૦, સોયાતેલ કાચાનાં રૂ.૮૦૦ તથા રિફાઈન્ડના રૂ.૮૬૦, સનફ્લાવરના ઘટી રૂ.૮૦૦ તથા રિફાઈન્ડના રૂ.૮૮૦ બોલાઈ રહ્યા હતા. રાજકોટ ખાતે સિંગતેલના ભાવ આજે રૂ.૧,૩૦૦થી રૂ.૧,૩૨૫, જ્યારે કોટન વોશ્ડના ઘટી રૂ.૭૮૫થી રૂ.૭૮૮ બોલાયાના નિર્દેશો હતા.
દરમિયાન, વાયદા બજારમાં આજે સીપીઓ વાયદો ગબડી નીચામાં રૂ.૬૨૦.૫૦ થઈ સાંજે રૂ.૬૨૬ બોલાઈ રહ્યો હતો, જ્યારે સોયાતેલનો વાયદો તૂટી નીચામાં રૂ.૭૮૯ થઈ સાંજે રૂ.૭૯૪ રહ્યો હતો.
દરમિયાન, સિંગાપુર સરકારે ૭ એપ્રિલથી એક મહિના માટે શટડાઊન જાહેર કરતાં વિશ્વના વિવિધ કૃષિ બજારોમાં આજે ચિંતાની લાગણી ફરી સપાટીએ આવી હતી. જોકે, બ્રાઝિલથી મળેલા સમાચાર મુજબ ત્યાંથી સોયાબીનની નિકાસ માર્ચ મહિનામાં ૩૮ ટકા વધતાં રેકોર્ડ સર્જાયો હતો. બ્રાઝિલ બજારના જાણકારોનાં જણાવ્યા મુજબ ચીન, અમેરિકા તથા આર્જેન્ટિનાથી સોયાબીનની નિકાસ રૂંધાતાં આયાતકારો બ્રાઝિલ તરફ વળ્યાનાં સંકેતો મળ્યા હતા.
દરમિયાન, અમેરિકામાં ન્યૂયોર્ક કોટન વાયદો જોકે, ઓવરનાઈટ સોદામાં ૧૫૮ પોઈન્ટ ઊછળ્યો હતો, જ્યારે શિકાગો સોયાબીન વાયદો ૪૦ પોઈન્ટ તથા સોયાખોળ વાયદો ૫૮ પોઈન્ટ માઈનસમાં રહ્યાનાં નિર્દેશો હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2R85ASv
via Latest Gujarati News
0 Comments