
(વાણિજ્ય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 3 એપ્રિલ 2020, શુક્રવાર
ક્ડ તેલના ઉત્પાદન કાપને લઈને ઓપેક તથા રશિયા વચ્ચે ચાલી રહેલી મડાગાંઠ ઉકેલાઈ જવાના સંકેતે ક્ડ તેલમાં સુધારો આજે આગળ વધ્યો હતો. વિશ્વબજારમાં ભાવમાં ભારે ઉછાળો આવ્યો હતો. કિંમતી ધાતુ સોનાચાંદીના ભાવ પણ સુધારાતરફી રહ્યા હતા જ્યારે ડોલર ઈન્ડેકસ ઘટતા રૂપિયા સામે ડોલર નબળો પડયો હતો.
સ્થાનિક સોનાચાંદી બજારમાં લોકડાઉન વચ્ચે સોનાચાંદીનો બેન્ચમાર્ક ભાવ મુકાયા હતા જેમાં ગોલ્ડ ૯૯.૫૦ના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગરના રૂપિયા ૪૩૭૬૦ જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂપિયા ૪૩૯૩૬ રહ્યા હતા. ચાંદી .૯૯૯ જીએસટી વગર એક કિલોના રૂપિયા ૩૯૮૦૦થી વધીને રૂપિયા ૪૦૩૧૦ બંધ રહી હતી. વિશ્વબજારમાં ગોલ્ડ એક ઔંસના ૧૬૦૦ ડોલરને પાર કરી મોડી સાંજે ૧૬૧૭ ડોલર બોલાતા હતા જ્યારે ચાંદી ૧૪.૪૦ ડોલર બોલાતી હતી. વિશ્વબજાર પાછળ સ્થાનિકમાં સોનાચાંદીના આયાત ખર્ચ વધતા ભાવ ઊંચકાયા હતા.
અમેરિકાની દરમિયાનગીરી બાદ ઓપેક તથા રશિયા ક્ડ તેલના ઉત્પાદન પર કાપ મૂકવાની દરખાસ્તની નજીક આવી રહ્યા છે અને કોરોનાવાઈરસને ધ્યાનમાં રાખી બન્ને પક્ષો આગામી સપ્તાહે વિડીયો કોન્ફરન્સ કરી ડીલ પાકુ કરશે તેવી ધારણાં રખાઈ રહી છે. ક્ડ તેલમાં બ્રેન્ટ પ્રતિ બેરલ ઉછળી ૩૩.૮૫ ડોલર જ્યારે ન્યુયોર્ક ૨૭ ડોલરને પાર કરી ગયું હતું.
અમેરિકામાં છેલ્લા બે સપ્તાહમાં બેરોજગારીનો આંક એક કરોડ પર પહોંચી જતા ડોલર ઈન્ડેકસ નબળો પડયો હતો. રૂપિયા સામે ડોલર સાધારણ નબળો પડી ૭૬.૧૬ જ્યારે પાઉન્ડ ૧૩૫ પૈસા તૂટી ૯૩.૬૪ રૂપિયા અને યુરો ૧૦૧ પૈસા તૂટી ૮૨.૩૪ રૂપિયા બોલાતો હતો.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2R605Uc
via Latest Gujarati News
0 Comments