
- ઓઈલ-ગેસ શેરોમાં તેજી: આઈટી શેરોમાં ઓફલોડિંગ: FPIs/FIIની કેશમાં રૂ.૧૯૬૦ કરોડની વેચવાલી, DIIની કેશમાં રૂ.૨૨૬ કરોડની ખરીદી
સપ્તાહના અંતિમ દિવસે આજે વિશ્વભરમાં વધતી કોરોના મહામારીના પરિણામે સતત આર્થિક કટોકટીની પરિસ્થિતિ વકરી રહી હોઈ આ સંકટ લાંબો સમય ચાલવાના સ્પષ્ટ એંધાણે આજે ભારતીય શેર બજારોમાં બેંકિંગ-ફાઈનાન્સ શેરો પાછળ ફરી કડાકો બોલાઈ ગયો હતો.
અલબત કોરોના વાઈરસને અટકાવવા વિશ્વભરનો હેલ્થકેર ઉદ્યોગ સંશોધનમાં લાગી ગયો હોઈ અને ભારતીય ફાર્મા કંપનીઓની વિવિધ દવાઓની માંગમાં થઈ રહેલા વધારા અને વધતી વૈશ્વિક તકોએ આજે હેલ્થકેર-ફાર્મા શેરોમાં ફંડોની સતત આક્રમક ખરીદી થઈ હતી.
આંતરરાષ્ટ્રીય મોરચ ક્રુડ ઓઈલના તૂટતાં ભાવ અટકાવવા ગઈકાલે રશીયા અને સાઉદી અરેબિયા દ્વારા ક્રુડ ઓઈલના ઉત્પાદનમાં જંગી કાપ મૂકવાનો નિર્ણય લેવાતાં ક્રુડ ઓઈલ બ્રેન્ટ ૨૩ ડોલરના તળીયેથી ઉછળીને ૩૩ ડોલરની ઊંચાઈએ અને નાયમેક્ષ ક્રુડ ૨૧ ડોલરની સપાટીથી ઉછળીને આજે ૨૬.૫૯ ડોલરની ઊંચાઈએ પહોંચી ગયા હતા. અલબત અમેરિકામાં ગઈકાલે જાહેર થયેલા બેરોજગારીના સાપ્તાહિક આંકડા રેકોર્ડ વધીને ૬૬ લાખથી વધુ નોંધાતાં કથળતી આ પરિસ્થિતિ વચ્ચે વૈશ્વિક બજારોમાં ગઈકાલે અમેરિકી બજારોમાં મજબૂતી જોવાયા છતાં આજે એશીયા, યુરોપના દેશોમાં સતત નરમાઈ જોવાઈ હતી.
રૂપિયા સામે અમેરિકી ડોલર આજે ૫૨ પૈસા ઉછળીને રૂ.૭૬.૧૬ નજીક રહ્યો હતો. ફાર્મા-હેલ્થકેર શેરોમાં ફંડોની સતત તેજી સાથે એફએમસીજી, ઓઈલ-ગેસ શેરોમાં પસંદગીના આકર્ષણ સામે આજે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં જંગી ઓફલોડિંગ થતાં અને આઈટી-સોફટવેર સર્વિસિઝ, ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ શેરોમાં વેચવાલીએ સેન્સેક્સ ૬૭૪.૩૬ પોઈન્ટ તૂટીને ૨૭,૫૯૦.૯૫ અને નિફટી સ્પોટ ૧૭૦ પોઈન્ટ ઘટીને ૮૦૮૩.૮૦ બંધ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૪૨૫.૫૨ પોઈન્ટની છલાંગે ૧૨૩૯૪.૯૭ અને બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૧૨૫.૭૧ પોઈન્ટ તૂટીને ૧૯૭૫૩.૮૪ બંધ રહ્યા હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wciibz
via Latest Gujarati News
0 Comments