પાલઘરમાં બે સાધુ સહિત ત્રણની ટોળાએ કરી હત્યા : મુખ્ય પ્રધાને આપ્યો તપાસનો આદેશ




મુંબઈ,તા.૨૦

 પાલઘરમાં બે દિવસ પહેલાં કારમાં જઈ રહેલા બે સાધુ અને તેના ડ્રાઈવરને ચોર સમજી તેમની બેરહેમીથી પીટાઈ કરી મોતને ઘાટ ઉતારવાની અરેરાટીપૂર્ણ ઘટનાની તપાસનો આદેશ આપ્યો હતો.

શિવસેનાના નેતૃત્વ હેઠળની સરકાર સત્તા ઉપર છે, ત્યારે જ બનેલી આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી વિપક્ષોએ સરકાર ઉપર પસ્તાળ પાડી છે. આ સમગ્ર ઘટનામાં પોલીસની શંકાસ્પદ ભૂમિકા સામે આંગળી ચિંધવામાં આવી રહી છે. કારણ કે હુમલાનો ભોગ બનેલાં સાધુઓ અને ડ્રાઈવરને બચાવીને લઈ જવાને બદલે ટોળાને હવાલે કરી દેવામાં આવ્યા હતા, એવો આક્ષેપ જૂના અખાડાના એક વરિ સંતે કર્યો હતો. રૃંવાડા ઊભા કરી દે એવો આ ઘટનાનો વિડીયો ગઈ કાલે રાષ્ટ્રીય ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં કેટલી નિર્દયતાથી સાધુઓની હત્યા કરવામાં આવી અને કઈ રીતે પોલીસ મૂક દર્શન બની રહી એ સ્પષ્ટ દેખાય છે. 

કાંદિવલીથી જૂના અખાડાના બે સંતો ચિકણે મહારાજ કલ્પવૃક્ષગીરી (૭૦), સુશીલગીરી મહારાજ (૩૨) તથા ડ્રાઈવર નિલેશ તેલગડે (૩૦) સૂરત તરફ કોઈના મૃત્યુ પ્રસંગે જઈ રહ્યા હતા ત્યારે આ મોબ લિન્ચીંગની ઘટના બની હતી. ભાજપના પ્રવક્તા પ્રેમ શુક્લાએ તો કહ્યું હતું કે મને તો આ ઘટના પાછળ કાવતરાની ગંધ આવે છે. વિડીયોમાં દેખાય છે એમ પોલીસની નજર સામે વયોવૃદ્ધ સંત કલ્પવૃક્ષગીરી મહારાજને મરણતોલ ફટકા મારીને મારી નાંખવામાં આવ્યા. પોલીસ તેમની સાથે હતી અને વાહન પણ હાજર હતું છતાં એમાં બેસાડીને લઈ જવાને બદલે જાણે બેકાબૂ ટોળાને હવાલે કરી દેવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે પણ આ ઘટનાની ભારે નિંદા કરીને આ બાબત ઉંડાણથી તપાસ હાથ ધરી જવાબદારો સામે આકરા પગલા લેવા સરકારને અનુરોધ કર્યો હતો. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Voeeid
via Latest Gujarati News

Post a Comment

0 Comments