લોકડાઉનથી થયો મોટો ફાયદો, હવે આપણી પૃથ્વી પહેલા કરતા ઓછી ધ્રૂજે છે


 નવી દિલ્હી, 3 એપ્રિલ 2020, શુક્રવાર

કોરોના વાયરસના કારણે જે લોકડાઉન છે તે માણસોને તો પસંદ નથી પરંતુ ધરતીને આ વાત ખૂબ ગમી છે. તાજેતરમાં જે તારણ સામે આવ્યું છે તે આવું જ કંઈક દર્શાવે છે. લોકડાઉન થયો ત્યારથી આપણી ધરતી સ્થિર થઈ ગઈ છે. એટલે કે પહેલાના દિવસોમાં જે ધ્રૂજારી ધરતીમાં થતી હતી તે હાલના લોકડાઉનના સમયમાં થતું નથી. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે હાલ જ્યારે આખા વિશ્વમાં લોકડાઉન જેવી સ્થિતિ છે ત્યારે આપણી ધરતીનું કંપન ઓછું થયું છે. તેની સાથે જ સમગ્ર વિશ્વમાં ધ્વનિ પ્રદૂષણ એટલું ઓછું થઈ ગયું છે કે હવે સિસ્મોલોજિસ્ટ ખૂબ નાના ભુકંપ પણ અનુભવી રહ્યા છે. લોકડાઉન પહેલા આવું થાય તે મુશ્કેલ હતું.

મનુષ્યની સામાન્ય વૃત્તિ જ અવાજ કરવાની છે. સામાન્ય દિવસોમાં સતત વિવિધ પ્રકારના અવાજ ગુંજતા રહે છે. વાહન, ફેક્ટરીઓ, હોર્ન, તોડફોડ, બાંધકામ વગેરે કામો થતા હોય ત્યાં પણ સતત અવાજ થતો રહે છે. પરંતુ બ્રિટિશ નિષ્ણાંતોએ કરેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે  વિશ્વમાં લોકડાઉનના કારણે અવાજનું પ્રદૂષણ ઘટી ગયું છે. સાથે જ પૃથ્વીનું કંપન પણ ઘટી ગયું છે. હાલ વિશ્વભરમાં અવાજ ઓછો થયો છે તેનાથી લોકોને પણ શાંતિ મળી રહી છે.

બેલ્જિયમની રોયલ ઓબ્ઝર્વેટરીના નિષ્ણાંત થોમસ લેકોકે એક એવું ઉપકરણ બનાવ્યું છે જે પૃથ્વીના કંપન અને ધ્વનિમાં થતા પરિવર્તનનો અભ્યાસ કરે છે અને બંને વચ્ચેનો તફાવત પણ બતાવે છે. તેઓ કહે છે કે સામાન્ય દિવસોમાં માણસો દ્વારા એટલો અવાજ કરવામાં આવે છે કે તેઓ પૃથ્વીનું કંપન ચકાસી શકતા નથી. પરંતુ હવે લોકડાઉન દરમિયાન અમે પૃથ્વીના હળવા કંપનને પણ નોંધી શકીએ છીએ.

ભૂસ્તરશાસ્ત્રી સ્ટીફન હિક્સે જણાવ્યું હતું કે સામાન્ય દિવસોમાં પૃથ્વીનું કંપન દિવસે દિવસે વધતું હતું. આ કંપન રાત્રે ઓછું થતું. પરંતું હવે તો દિવસના પણ કંપનના આંકડા ઓછા થઈ ચુક્યા છે. આ ખૂબ આનંદની વાત છે.    





from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39DKSQS
via Latest Gujarati News

Post a Comment

0 Comments