
ચેન્નાઈ, તા. 20 એપ્રિલ 2020, સોમવાર
કોરોના વાયરસ મહામારીની સાથે જ દેશમાં સ્વાસ્થ્યકર્મીઓ કે કોરોના વાયરસથી પીડિત લોકો સાથે જે દુર્વ્યવહાર થઈ રહ્યો છે તે પણ એક ગંભીર સમસ્યા છે. ચેન્નાઈમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોને દફનાવવા લઈ જવામાં આવે ત્યારે કબ્રસ્તાન બહાર તેનો વિરોધ થઈ રહ્યો છે.
ચેન્નાઈમાં સોમવારે જ્યારે કોરોનાથી મૃત્યુ પામેલા એક 55 વર્ષીય ડોક્ટરના શબને દફનાવવા કબ્રસ્તાન લઈ જવામાં આવ્યું ત્યારે 50થી વધુ લોકોના ટોળાએ ત્યાં એકત્રિત થઈને એમ્બ્યુલન્સ પર હુમલો કરી દીધો હતો. ત્યાં ઉપસ્થિત પોલીસને ભીડને કાબુમાં લેવા સફળતા ન મળતા તેમણે ડોક્ટરના પરિવારજનોને શબને અન્ય કોઈ કબ્રસ્તાનમાં દફનાવવા વિનંતી કરી હતી.
આખરે કોરોના સામેની લડાઈમાં શહીદ થયેલા તે ડોક્ટરના મૃતદેહને અન્ય કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે 20થી વધુ લોકો વિરૂદ્ધ લોકડાઉનનું ઉલ્લંઘન, હથિયાર વડે હુમલો, સરકારી કર્મચારીને ફરજમાંથી રોકવા વગેરેને લગતી કલમો અંતર્ગત ફરિયાદ નોંધી છે.
અગાઉ 13 એપ્રિલના રોજ પણ તમિલનાડુના અમ્બાતૂર ખાતે એક 62 વર્ષીય ડોક્ટરના મૃતદેહને કબ્રસ્તાનમાં દફનાવવાનો વિરોધ થયો હતો. સાથે જ દેશમાં અનેક સ્થળે ડોક્ટર્સ સાથે દુર્વ્યવહારની ઘટનાઓ પણ સામે આવી રહી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wWMoAe
via Latest Gujarati News
0 Comments