
દુબઈ, તા. 27 એપ્રિલ 2020, સોમવાર
સાઉદી અરેબિયાના શાહ સલમાને સગીરો દ્વારા આચરવામાં આવતા ગુના માટે મૃત્યુની સજાની જોગવાઈ નાબુદ કરવા આદેશ આપ્યો છે. સાઉદીના એક ટોચના અધિકારીએ એક નિવેદન દ્વારા આ જાણકારી આપી હતી. આ ચુકાદા પહેલા અન્ય એક ચુકાદામાં કોરડા ફટકારવાની સજાનું ચલણ નાબુદ કરવા અને તેને બદલે કેદની સજા, દંડ કે સામુદાયિક સેવાની જોગવાઈ કરવા આદેશ આપ્યો હતો.
સગીરોને આપવામાં આવતી મૃત્યુની સજા નાબુદ કરવાની સાથે જ સામ્રાજ્યમાં સજાના સૌથી વિવાદિત સ્વરૂપનો અંત આવ્યો છે. આ ચુકાદા પાછળ શાહ સલમાનનો દીકરો અને ઉત્તરાધિકારી યુવરાજ (ક્રાઉન પ્રિન્સ) મોહમ્મદ બિન સલમાન જવાબદાર હોવાનું માનવામાં આવે છે. સાઉદી હાલ વિભિન્ન પ્રકારના પ્રતિબંધોમાં ઢીલ આપી રહ્યું છે અને ઈસ્લામિક કાયદાની અતિ રૂઢિવાદી વ્યાખ્યાઓથી પોતાને દૂર રાખી રહ્યું છે. જો કે, દેશમાં હજુ પણ અનેક લોકો આ ઈસ્લામિક કાયદામાં માને છે.
યુવરાજ બિન સલમાનનું લક્ષ્ય દેશને આધુનિકીકરણ તરફ લઈ જવાનું, દેશમાં વિદેશી રોકાણ લાવવાનું અને સાઉદીની શાખને વૈશ્વિક સ્તરે વધારવાનું છે. શાહ સલમાનના નવા શાહી આદેશના કારણે દેશમાં ઓછામાં ઓછા છ લોકોનો જીવ બચશે. તે તમામ અલ્પસંખ્યક શિયા સમુદાયના છે અને તેમણે કથિત રીતે 18 વર્ષથી ઓછી ઉંમરે ગુનો આચર્યો હતો.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Y9YLnM
via Latest Gujarati News
0 Comments