- 54 ટકા માતા પિતાની એક મહિના સુધી સંતાનોને શાળામાં મોકલવાની અનિચ્છા



મુંબઈ, તા.12 મે, 2020, મંગળવાર

રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવેલા એક સર્વેક્ષણ મુજબ મુંબઈના ૫૪ ટકા માતાપિતા લોકડાઉન ખુલ્યા પછી પણ એક મહિના સુધી પોતાના સંતાનોને શાળાએ  મોકલવાના હકમાં નથી. આ સર્વેક્ષણમાં ભાગ લેનાર ૫૪ ટકા માબાપ એક મહિના સુધી કોવિડ-૧૯ મહામારીની સ્થિતિનું નીરિક્ષણ કર્યા પછી જ તેમના સંતાનોને શાળાએ મોકલવા કે કેમ તેનો વિચાર કરશે. જ્યારે ૨૪ ટકા માતાપિતાએ કહ્યું હતું કે તેઓ આગામી છ મહિના સુધી તેમના સંતાનોને શાળાએ મોકલવા નથી માગતા.

ઓનલાઈન પેરન્ટિંગ પ્લેટફોર્મ 'પેરન્ટ સર્કલ' દ્વારા હાથ ધરવામાં આવેલા આ સર્વેક્ષણમાં પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરનારા ૧૨,૦૦૦ જેટલા માતાપિતાઓએ જણાવ્યા મુજબ તેઓ પોતાના સંતાનો બાબતે અતિશય ચિંતિત છે. સરકાર ભલે જૂન- જૂલાઈમાં શાળાઓ ફરીથી શરૃ કરવા વિશે વિચારી રહી હોય, પરંતુ તેઓ તેમના બાળકોને શાળામાં મોકલવા રાજી નથી. આ સર્વેક્ષણમાં ભાગ લેનાર કાંદિવલીની એક માતાએ કહ્યું હતું કે ભલે કોવિડ-૧૯ના ગણ્યા ગાંઠયા એક્ટિવ કેસ હોય તોય તેઓ પોતાના સંતાનો માટે કોઈ જોખમ લેવા તૈયાર નથી. તેણે વધુમાં કહ્યુ ંહતું કે આ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા માટે સરકારે સ્વયં આગળ આવીને કોઈક વાર્ષિક આયોજનની જાહેરાત કરવી જોઈએ.

સંબંધિત સર્વેક્ષણમાં માતાપિતાઓને એમ પણ પૂછવામાં આવ્યું હતું કે તેઓ તેમના સંતાનોને મેદાની રમતો રમવા મોકલવાનું, જન્મદિનની ઉજવણીમાં ભાગ લેવા જવા દેવાનું તેમજ અન્ય મેળાવડાઓમાં હાજર રહેવા દેવાનું ક્યારથી પસંદ કરશે. આના જવાબમાં ૪૩ ટકા માબાપોએ કહ્યું હતું કે કમસે કમ છ મહિના માટે તો તેઓ તેમના સંતાનોને આગામી છ મહિના સુધી તો ક્યાંય જવા દેવાના હકમાં નથી. જ્યારે એટલા જ માતાપિતાઓએ કહ્યું હતું કે તેઓ આગામી છ માસ સુધી કોઈ મોલ, થિયેટર ઈત્યાદિમાં જવાનું પસંદ નહીં કરે.

આ ઓનલાઈન પ્લેટફોર્મના સંસ્થાપક નલીના રામાલક્ષમીએ કહ્યું હતું કે મોટાભાગના માતાપિતાને તેમના સંતાનોની સલામતીની ખાતરી ન હોવાથી તેઓ ચિંતિત છે. તેમને એ વાતની ખાતરી જોઈએ છે કે શાળામાં તેમના બાળકો સલામત હશે. માત્ર શાળામાં જ નહીં, બલ્કે ગુ્રપ એક્ટિવિટિસ તેમજ જાહેર સ્થળોએ પણ તેમના સંતાનો સલામત હોય એવી ખાતરી તેમને જોઈએ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના શૈક્ષણિક વિભાગે શાળાઓ ફરીથી ખોલવા માટેની વ્યુહરચના તૈયાર કરવા ગયા અઠવાડિયે સંખ્યાબંધ બેઠકો યોજી હતી. રાજ્યના શિક્ષણ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે બેઠકો દરમિયાન એ વાત ફલિત થઈ હતી કે શાળાઓ ફરીથી ખોલવા માટે લેવામાં આવનારી કોઈ એક નીતિ કામ નથી આવવાની. તેથી અમારે સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નિર્ણયો લેવા પડશે. આ સિવાય જો શાળાઓ મોડી ખોલવામાં આવે તો અભ્યાસક્રમમાં ઘટાડો, વચગાળાના સમયમાં ઓનલાઈન ભણાવવા જેવા ઉકેલ શોધવાની મથૌમણ પણ કરી રહ્યાં છીએ.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2AoUkvt
via Latest Gujarati News

Post a Comment

0 Comments