
મુંબઈ, તા.1 મે, 2020, શુક્રવાર
મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે એક આદેશ જારી કરીને કોવિડ-૧૯ના દરદીઓને દાખલ કરવાની ના પાડનારા કે તેમને દાખલ કરવા માટે ટટળાવનારા, દરદીઓને લઈને આવેલી એમ્બ્યુલન્સોને લાંબો સમય રાહ જોવડાવનાર સરકાર સંચાલિત, મહાપાલિકા સંચાલિત કે ખાનગી, રૃગ્ણાલયોના વડાઓ સામે કડક પગલાં લેવાનું સૂચન કર્યું હતું.
મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ કોવિડ-૧૯નો કોઈપણ દરદી દાખલ થયા વિનાનો કે સારવાર વગરનો ન રહી જાય એવો આદેશ આપ્યા પછી ચીફ સેક્રેટરી અજોય મેહતાએ આ આદેશ જારી કર્યો હતો. આ આદેશનો અમલ આજ સવાર (બીજી મે)ના ૧૦-૦૦ વાગ્યાથી શરૃ થઈ જશે.
૨૯મી એપ્રિલથી કોવિડ-૧૯ના કેસોમાં થયેલી વૃધ્ધિને કારણે આ આદેશ જારી કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં આ મહામારીનો શિકાર બનેલાઓની સંખ્યા ૧૦૪૯૮ને પાર કરી ગઈ છે અને ૪૫૯ રોગીઓ મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. આમાંના ૬૬૪૪ દરદીઓ અને ૨૭૦ મોત એકલા મુંબઈના નામે છે.
આદેશમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે હોસ્પિટલ પરિસરમાં આવેલો કોઈપણ દરદી ચાહે તે કોવિડ-૧૯ના હોય કે અન્ય બીમારીથી પીડાતો હોય તેને તુરંત જ તપાસ માટે કેઝયુઅલ્ટી કે સ્ક્રીનિંગ ક્લિનિકમાં મોકલી આપ્યા પછી શિફટ કરવો કે દાખલ કરવો.
સંબંધિત સ્થળની સ્થિતિને ધ્યાનમાં લઈને આઈસોલેશનમાં રખાયેલા દરદીઓનું સ્ક્રીનિંગ કરવા સ્ટેજિંગ વિસ્તાર તૈયાર કરવામાં આવી શકે. જેથી ચેપ ફેલાતો ખાળી શકાય. પરંતુ કોઈપણ સંજોગોમાં એકેય દરદીને તપાસ્યા વિના પાછો ન વાળવો.
આદેશમાં સ્વાસ્થય સેવાઓના સંચાલકોને દરદીઓના સ્ક્રીનિંગ, દાખલ કરવા માટે તેમજ રજા આપવા માટે પ્રમાણભૂત સંચાલન પ્રક્રિયા તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. જે દરદીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની આવશ્યકતા જણાય તેમને જે તે સ્થળે ચોવીસે કલાક કાર્યરત બીએમસીની ડીએમએમ (ડોન્ટ માઈન્ડ મી) ટીમ દ્વારા અનન્ય ઓળખપત્રો આપવામાં આવે અને તેના વિના કોઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં ન આવે. રૃગ્ણાલયોમાં ભીડ ન થાય એટલા માટે કોવિડ-૧૯ના પોઝિટિવ અસિમ્પ્ટમેટિક (કોરોનાના લક્ષણો ન દેખાતા હોય એવા) કમોર્બિડિટી (અગાઉથી હૃદયરોગ, હાઈપર ટેન્શન, ડાયાબિટિસ જેવા રોગ) વિનાના દરદીઓને તાત્કાલિક કોવિડ-૧૯ કેર સેંટર (સીસીસી)માં ખસેડી દેવામાં આવે. તેમજ નન- કોવિડ-૧૯ હોસ્પિટલોએ કમોર્બિડિટી વિનાના અસિમ્પ્ટમેટિક પોઝિટિવ દરદીઓને દાખલ ન કરવા. આવા જ દરદીઓને ખાનગી હોસ્પિટલોએ યોગ્ય કાઉન્સેલિંગ પછી સિક્કો મારીને હોમ ક્વોરન્ટીનમાં મોકલી આપવા. આ સિવાય પ્રત્યેક હોસ્પિટલે ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલી કોવિડ-૧૯ વિષયક માર્ગદર્શિકાનું કડક પાલન કરવાનું પણ આદેશમાં જણાવવામાં આવ્યું છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3faqLh1
via Latest Gujarati News
0 Comments