કોવિડ-19થી અસર પામેલા લઘુ ઉદ્યોગોને નાણાં છૂટા કરવાની માત્રા એક મહિના પછી પણ ધીમી


દેશના અર્થતંત્રને ૨૦૨૪ સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષાને કોરોનાવાઈરસે હાલપૂરતું બ્રેક મારી દીધી હોવાનું જણાય છે. કોરોનાવાઈરસના ફેલાવા પહેલા ૬ થી ૭ ટકાના દરે થઈ રહેલો દેશનો આર્થિક વિકાસ વર્તમાન નાણાં વર્ષમાં પાંચ ટકા ઘટવાના અંદાજ મુકાઈ રહ્યા છે. કોવિડ-૧૯ પછીની સ્થિતિમાં આર્થિક વિકસમાં ઝડપ આવવાની ધારણાં મુકાઈ રહી છે પરંતુ આ ઝડપથી દેશને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવી શકાશે કે કેમ તે અંગે હાલમાં કશું જ કહી શકાય એમ નથી. કોવિડ-૧૯ પછીની સ્થિતિમાં દેશ-વિદેશની વેપાર વ્યવસ્થામાં ધરમૂળથી બદલાવ આવવાની વાતો તઈ રહી છે ત્યારે આ બદલાવમાં ભારતનું સ્થાન કયાં હશે તે જોવાનું રસપ્રદ બની રહેશે. પડકારોન અવસર માની આગળ વધવાની વડા પ્રધાનની માન્યતાને દેશના નીતિવિષયકો કેટલી ખરી પાડે છે તે આવનારા દિવસોમાં જોવા મળશે. 

પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રનો  ટાર્ગેટ મુશકેલ છે પણ અશકય નથી એમ વડા પ્રધાને એક નિવેદનમાં જણાવ્યું હતું.  ૨૦૧૯માં દેશની જે  આર્થિક સ્થિતિ હતી ત્યારે આ લક્ષ્યાંક સિદ્ધ કરવા ભારતે પાંચ વર્ષ દરમિયાન વાર્ષિક ૧૧થી ૧૨ ટકાથી વધુના દરે જીડીપી વૃદ્ધિ હાંસલ કરવાની રહેતી હતી, પરંતુ કોરોનાવાઈરસે દેશના નીતિ આયોગના ગણિતોને ખોરવી નાખ્યા છે અને કોવિડ-૧૯ પછીની સ્થિતિને ધ્યાનમાં રાખી ટાર્ગેટ સિદ્ધ કરવાનો સમયગાળો કદાચ લંબાવવાનો વારો આવી શકે છે. આમ છતાં હાલના વૈશ્વિક મંદ વાતાવરણ વચ્ચે આ લક્ષ્યાંક પડકારરૂપ છે એમ કહી શકાય. આ ટાર્ગેટ સિદ્ધ કરવો હશે તો અર્થતંત્રના મુખ્ય હિસ્સાઓ જેમ કે ઈન્વેસ્ટમેન્ટ, નિકાસ તથા ઉપભોગમાં વધારો અને કૃષિ, ઉત્પાદન તથા સેવા ક્ષેત્રમાં જંગી વૃદ્ધિ થાય તેની ખાતરી રાખવી પડશે. ખાનગી ઈન્વેસ્ટમેન્ટ વધારવા માટે સસ્તા ધિરાણ પ્રવાહ સાથોસાથ માગમાં વધારો થાય તે જરૂરી છે. 

 વૈશ્વિક અર્થતંત્રમાં ધરમૂળથી બદલાવો આવી રહ્યા છે ત્યારે દેશનો આર્થિક વિકાસ દર  વધારીને વાર્ષિક  દ્વીઅંકમાં લઈ જવાની કામગીરી ઘણી જ જટિલ છે. ૨૦૦૮ની નાણાંકીય કટોકટી બાદ વિશ્વભરમાં વેપાર વિસ્તરણ ખાસ કરીને માલસામાનના વેપાર વિસ્તરણમાં સ્થિરતા આવી ગઈ હતી તેવી જ સ્થિરતા હાલમાં કોવિડ-૧૯ને કારણે આવી ગઈ છે. રોજગારો છીનવાઈ ગયા છે અને ઉપભોગતાની ખરીદશક્તિ તળિયે ગઈ છે. 

પૂરતા રોજગારના અભાવે દેશમાં ઉપભોગ વધારવાનું શકય નથી અને વપરાશમાં વધારો નહીં થાય ત્યાં સુધી સ્વાભાવિક જ રીતે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટસ (જીડીપી)માં વૃદ્ધિ હાંસલ કરવાનું કઠીન છે એ સામાન્ય વાત સરકાર સારી રીતે જાણે છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને જ સરકારે કોવિડ-૧૯ના ફેલાવાની અસરમાંથી ભારતને સુરક્ષિત બનાવવા રૂપિયા વીસ લાખ કરોડના આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજમાંથી રૂપિયા ત્રણ લાખ કરોડનું પેકેડ માઈક્રો, સ્મોલ તથા મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એમએસએમઈ) માટે ફાળવ્યા છે. 

દેશના ઉત્પાદન ક્ષેત્રમાં એમએસએમઈનું યોગદાન ૩૫ ટકા જેટલું છે. કૃષિ ક્ષેત્ર બાદ દેશમાં રોજગાર પૂરા પાડવામાં એમએસએમઈ બીજા ક્રમે આવે છે.  સરકારે એમએસએમઈ માટે ખાસ પેકેજની જાહેરાત તો કરી છે પરંતુ તે જેમની માટે કરવામાં આવી છે તે લોકો સુધી તેની યોગ્ય માહિતી પહોંચે તે જરૂરી છે,  જેથી તેનો વધુને વધુ લોકો લાભ લઈ શકે અને સ્કીમ પાછળનો હેતુ બર આવી શકે. એમએસએમઈ માટેની રૂપિયા ૩ ટ્રિલિયનની ઈમરજંસી ક્રેડિટ લાઈન ગેરન્ટી સ્કીમ હેઠળ બેન્કોએ ૨૬ જુન સુધી રૂપિયા એક ટ્રિલિયનની લોન્સ મંજુર કરી છે અને રૂપિયા ૪૫૮૬૦ કરોડ છૂટા કર્યા છે એમ નાણાં મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા જણાવે છે. આમ છૂટી કરાયેલી લોન્સનો આંક કુલ સ્કીમના ૧૫ ટકા જેટલો જ થવા જાય છે. 

 વિવિધ સ્વરૂપે ટેકા પૂરા પડાયા હોવા છતાં  ઊભી થયેલી આર્થિક ખલેલને પરિણામે   મોટી સંખ્યાની કંપનીઓ આઉટલુક નેગેટિવ રહેવાનું જણાવી રહી છે એટલું જ નહીં પચાસ ટકા જેટલી એમએસએમઈની આવકમાં ૨૦થી ૫૦ ટકા અસર પડી હોવાનું એક સર્વેમાં જણાયું છે. આ સૂચિત સ્થિતિમાંથી એમએસએમઈને બહાર કાઢવા ચોકકસ પગલાં લેવાની તાતી જરૂર છે.

ખાસ કરીને એમએસએમઈને નાણાંનો ફલોસ વધારવો જરૂરી છે. રિઝર્વ બેન્કની સ્કીમ છતાં બેન્કો નાના ઉપક્રમોને નાણાં ધિરવામાં ખાસ ઉત્સાહ ધરાવતી નથી. આવી સ્થિતિમાં વૈકલ્પિક ધિરાણ યંત્રણા ઊભી થવી જરૂરી છે. કોવિડ-૧૯ને કારણે શહેરી વિસ્તારોમાંથી શ્રમિકો મોટી સંખ્યામાં હીજરત કરી ગયા છે. કામદારોની અછત નાના ઉત્પાદન એકમો સામે આજે એક મોટો પડકાર બની ગયો છે. ઉત્પાદન એકમોને ટકાવી રાખવા કામદારોની પૂરતી સંખ્યામાં ઉપલબ્ધિ જરૂરી છે. કામદારોની ઉપલબ્ધતા તાકીદે વધે તેવા પગલાં લેવા આવશ્યક બની ગયા છે. 

લોકડાઉનને કારણે દેશમાં કાચા માલની હેરફેર ખાસ કરીને આયાતી કાચા માલની હેરફેર અટકી પડી છે. બંદરો ખાતે અટવાઈ પડેલા કાચા માલ પર લાગતા ભાડાં તથા તેની હેરફેર માટેના દરમાં એમએસએમઈને રાહત પૂરી પાડવાથી તેંમની આવક પર પડનારી સૂચિત તૂટને ઓછી કરવામાં મદદ મળશે.  કોવિડ-૧૯ પછીની સ્થિતિમાં ભારતે પોતાના આર્થિક વિકાસ દરને ઝડપી બનાવવો હશે અને પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી તરફ આગળ વધવુ હશે તો  એમએસએમઈ માટે ટેકનોલોજીને પીઠબળ બનાવવું પડશે. એમએસએમઈ દ્વારા ઉત્પાદિત પ્રોડકટસને ઈ-કામર્સ પ્લેટફોર્મ્સ પર યોગ્ય સ્થાન અપાવું રહ્યું.

 સરકારી ઉપક્રમો દ્વારા માલસામાન અથવા સેવાની ખરીદીમાં એમએસએમઈને પ્રાધાન્ય આપવા માટેની સ્કીમ લાગુ કરવામાં આવી છે ખરી પરંતુ સરકારી વિભાગો દ્વારા એમએસએમઈને પેમેન્ટમાં સતત ઢીલ થતી રહે છે, એમએસએમઈ ક્ષેત્રના વિકાસ મારફત દેશના અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલર બનાવવાનું શકય નથી ત્યારે  હાલમાં ઓકસિજન પર આવી ગયેલા દેશના એમએસએમઈ ક્ષેત્રને વેન્ટિલેટર્સ પર જવાનો વારો ન આવે  તે જોવાની સરકારની જવાબદારી બની રહે છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3iycqg5
via Latest Gujarati News

Post a Comment

0 Comments